રાગ : રામકલી
પદ - ૧
વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહારું;
જોઇને કમળ મુખ દુઃખ દૂર વિસારું રે, વેલેરી૦ ટેક૦
વદન વાલાજીનું અતિ સુખકારી;
નિરખી નિરખી જાઉં હું તો સરવસ વારી રે. વેલેરી૦ ૧
મુખડું જોયા વિના પાણીયે ન પીવું;
પ્રાણજીવનને હુંતો જોઇ જોઇ જીવું રે. વેલેરી૦ ૨
પ્રાણજીવન જોવા મેંતો જનમ ધર્યો છે;
જુઠોરે સંસારીયો સર્વે ત્યાગ કર્યો છે રે. વેલેરી૦ ૩
પ્રેમાનંદના સ્વામીને કાજે મેલ્યાં છે;
સંસારીયાં સઉ બળતામેં દાઝે રે, વેલેરી૦ ૪
પદ - ૨
વાલાજી જોવાને હુંતો વેલી ઝબકીને જાગી;
આવીને ઉભી છું બાઇ હુંતો ખડકીએ લાગી રે. વાલાજી૦
ખડકીએ ઉભી ઉભી હરિનાં ગુણલાંરે ગાવું;
નિરખી જીવન તનડાના, તાપ સમાવું રે. વાલાજી૦ ૧
વાલોજી દીસે છે બાઇ શોભાનારે ધામ;
મોહનજીને મળવાને મને આવ્યો છે રે કામ રે. વાલાજી૦ ૨
વાલાજીને જોઇને લોભાણી મતિ મારી;
મનડું કરે છે મળવા હું રાખું વારી વારી રે. વાલાજી૦ ૩
પ્રેમારેનંદના સ્વામીને જોઇ;
મગન થઇ છું બાઇ હું તો અંગોઅંગ મોઇ રે. વાલાજી૦ ૪
પદ - ૩
શામળીયો સ્નેહી બાઇ મુને પ્રાણથી પ્યારા;
ઘડીએ ન મેલું વાલાજીને નયણાંથી ન્યારા રે. શ્યામળીયો૦
તન મન ધન મારૂં વાલાજીને કાજે;
હવે નથી બીતી દુરિજન લોકડાની લાજે રે. શ્યામળીયો૦ ૧
વાલાજી સંગાથે બાઇ મારૂં ચિતડું બંધાણું;
હવે આ સંસારીયાંને તૃણ જેવા જાણું રે. શ્યામળીયો૦ ૨
મેલ્યો રે સંસારીયો મેં તો હરિવર માટે;
વાલોજી વરી છું બાઇ મારા શિરને સાટે રે. શ્યામળીયો૦ ૩
ભલે રે મળ્યા બાઇ મને હરિવર આવી;
પ્રેમારેનંદના વાલાની હું તો કાવી રે. શ્યામળીયો૦ ૪
પદ - ૪
આજ અલબેલો બાઇ મારે મંદિરે પધાર્યા;
વાલાજીએ બાઇ મારાં કારજ સાર્યાં રે. આજ૦ ટેક૦
થોડું થોડું હસતા બોલતા મીઠી વાણી;
ગુણવંત આવ્યા ગોપીયોનાં ચિતડાંને તાણી રે. આજ૦ ૧
આવીરે આંગણીયે ઉભા વાલો આળસડું મોડેરે;
વાલપ વધારી વાલો મુજ સાથે પ્રીત જોડે રે. આજ૦ ૨
પ્રીતડી કરીને વાલે અધરરસ પીધો;
જનમ સફળ બાઇ મારો હરિવરે કીધો રે. આજ૦ ૩
હરિવર મળીયા આનંદ ઓઘ વળીયા;
પ્રેમાનંદનોરે સ્વામી આજ અઢળક ઢળીયા રે. આજ૦ ૪