રાગ : પ્રભાતી
પદ - ૧
જાગો નિજ જીવન બોલે, પંખીડાં વાણી,
તમારી શય્યામાં, મારી સાડી ચંપાણી. જાગો૦ ૧
લોકડાંની લાજ મારે, શ્યામળા વાલા;
તમે તો નિઃશંક પોઢ્યા, નંદના લાલા. જાગો૦ ૨
સાસુડી ચકોર મારી, નણંદી ધુતારી;
ગાવલડી દોવાને મિષે, આવીતી બહારી. જાગો૦ ૩
થાય છે અસુર મહી, વલોવા જાવું;
મુક્તાનંદના નાથજી, ઘણું શું કહી સમઝાવું. જાગો૦ ૪
પદ - ૨
કાનજી કોડીલા જાગો, પ્રાત થયું વાલા;
જાણીને મારા જીવન મિંચો, લોચનિયાં ઠાલાં. કાનજી૦ ૧
કંઠથી બાંહડલી મેલો, કાનજી કાળા;
આડોશી પાડોશી જાગ્યા, મોહન મર્માળા. કાનજી૦ ૨
હવે નહિ રેવાય, અમે વવારૂં નાના;
સવારે શ્યામળીયા વાલા, કેમ રહીએ છાના. કાનજી૦ ૩
લોકમાં લજજા રહે તેમ, કીજીએ કાના;
મુક્તાનંદના નાથજી, માં થાશો દિવાના. કાનજી૦ ૪
પદ - ૩
આજની શોભા અલૌકિક, લાગે છે સારી;
જોઇને હસે છે વાલા, વ્રજની નારી. આજની૦ ૧
કાજળની રેખા કપોળે, લાગે રૂપાળી;
ગોપીયો જોઇને કાના, લે છે કર તાળી. આજની૦ ૨
હૈડા ઉપર હાર ઉઠ્યા, શોભે છે સારા;
પીતાંબર સાટે પટોળી, ઓઢી છે પ્યારા. આજની૦ ૩
વાંસળીને સાટે વેલણ, કેનું લઇ આવ્યા;
મુક્તાનંદના નાથ આવા, કો ક્યાં જઇ ફાવ્યા. આજની૦ ૪
પદ - ૪
આવોને અલબેલા વાલા, પુછું વાતલડી;
રસિયા રમી આવ્યા કેને, સંગે રાતલડી. આવોને૦ ૧
આળસડું અંગે ઘણું દિસે, નિદ્રાળું નેણાં;
પાતળા પ્રેમેશું બીતા, બોલો છો વેણાં. આવોને૦ ૨
ડોલતાં ડગલાં ભરો છો, પ્રીતમ પ્યારા;
કપોળે તંબોળ તંતુ, લાગે છે સારા. આવોને૦ ૩
કેને રંગે રાચ્યા પ્રીતમ, કહો કાના અમને;
મુક્તાનંદના નાથજી, કાંઇ નૈ કૈયે તમને. આવોને૦ ૪