મારૂં મન મોહ્યુંરે મા જોઇ નંદલાલ

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:23pm

 

રાગ : રામકલી

પદ - ૧

મારૂં મન મોહ્યુંરે મા જોઇ નંદલાલ, મારૂં મન મોહ્યુંરે મા જોઇ નંદલાલ; ટેક.

રસિક છેલવર રૂપ ઉજાગર, અંબુજનયન વિશાળ. મારૂ૦ ૧

મોહનવર મને મોહીની લગાડી, કરી કરી નૌતમ ખ્યાલ. મારૂ૦ ૨

મર્માળે મને મર્મ જણાવી, વચને વધારી ઘણી વા’લ. મારૂ૦ ૩

મુક્તાનંદનો નાથ નવલ પ્રિયા, નિરખીને થઈ છું નિહાલ. મારૂ૦ ૪

પદ - ૨

શોભે છે છબીલો વા’લો આનંદકંદ, શોભે છે છબીલો વા’લો આનંદકંદ.

બ્રહ્મા ભવ સનકાદિક નારદ, સ્તવન કરે છે સુરવૃંદ. શોભે છે૦ ૧

રૂકિમણીકાંત અખિલ જગઇશ્વર, હરણ વિકટ ભવફંદ. શોભે છે૦ ૨

સોળ હજાર અષ્ટ પટરાણી, રહે વા’લો સદાય સ્વછંદ. શોભે છે૦ ૩

મુક્તાનંદનો નાથ નવલ પ્રિયા, વાસુદેવ જગવંદ. શોભે છે૦ ૪

પદ - ૩

વાસુદેવ રૂકિમણી સજે શણગાર, વાસુદેવ રૂકિમણી સજે શણગાર;

પ્રિયા તન ચંદન ખોર બિરાજે, પ્યારી તન મૃગમદ સાર. વાસુદેવ૦ ૧

શ્યામસુંદર ઉર કૌસ્તુભ શોભે, પ્યારી ઉર નવસર હાર. વાસુદેવ૦ ૨

શંખ ચક્ર પગ પદ્મ શ્યામકર, પ્યારી કર ચરમ ઉદાર. વાસુદેવ૦ ૩

મુક્તાનંદ કહે જુગલ રૂપ પર, વારી જાઉં વારંવાર. વાસુદેવ૦ ૪

પદ - ૪

વા’લો મને વાલા લાગે રાજા રણછોડ, વા’લો મને વા’લા લાગે રણછોડ.

સત્યભામા રૂકિમણી પટરાણી, બળભદ્ર બાંધવ જોડ. વા’લો૦ ૧

ચક્રાદિક આયુધ કર શોભે, દુષ્ટ દનુજ મદ તોડ. વા’લો૦ ૨

વાંકી પાઘ વાંકી ભૃકુટીપર, વાંકી અજબ મરોડ. વા’લો૦ ૩

મુક્તાનંદ કહે રસિક પ્રીતમપર, વારૂ મદન કરોડ. વા’લો૦ ૪

Facebook Comments