મારૂં મન મોહ્યુંરે મા મોરલીના નાદે (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:32pm

 

રાગ : રામકલી પ્રભાતી  

પદ - ૧

મારૂં મન મોહ્યુંરે મા મોરલીના નાદે; મારૂં૦ ટેક.

ગમતું નથી ગોવિંદ વિના મુજને, મનડું વિંધાણું મીઠે સાદે; મારૂં. ૧

સાંભળતાં સંતોષ ન થાયે, જીવન જોવાને જાવા દે; મારૂં. ૨

જાઇશ જોવા હું તો નૈ રઉં અટકી, લોક લાજ મરજાદે; મારૂં. ૩

પ્રેમાનંદના નાથને મળતાં, થઇ ચાવી જગ બાદે; મારૂં. ૪

પદ - ૨

મારે મન વસીયો માખણચોર; મારે૦ ટેક.

સુખ સાગર વાલો રુપ ઊજાગર, નાગર નંદકિશોર; મારે૦ ૧

મોરલીધર મારગમાં મળિયો, ચરચીને ચંદન ખોર; મારે૦ ૨

સામું જોઇ મારૂં ચિત્ત હરી લીધું, કીધું કહાને જાદુ જોર; મારે૦ ૩

પ્રેમાનંદ કહે મોહન લગાડી, ચપળ નેણની કોર; મારે૦ ૪

પદ - ૩

જુઓ આજ શોભે વા’લો છોગાવાળો છેલ; જુઓ૦ ટેક

જરકસિ પાઘ જડાવના બાજુ, કેસર તિલક કરેલ; જુઓ૦ ૧

કેસરભીનો વા’લો છેલ છબીલો, અલવ ભર્યો છે અલબેલ; જુઓ૦ ૨

ઉર બનમાળ ચાલ જોઇ મોહી, પીત પટ કમર કસેલ; જુઓ૦ ૩

પ્રેમાનંદના નાથના લટકાં, આવી મારા ઉરમાં ખુંતેલ; જુઓ૦ ૪

પદ - ૪

નંદજીનો લાલો વા’લો હૈડાનો હાર; નંદ૦ ટેક.

પ્રાણથકી વા’લો મને મોહન, એ ઉપર મારે પ્યાર; નંદ૦ ૧

એરે વિના જે જે સુખ જગમાં, તે તે જેવા સોમલ ખાર; નંદ૦ ૨

જીવન ધન જસોદાનો જાયો, લોચનીયાનો શણગાર; નંદ૦ ૩

પ્રેમાનંદ કહે તન મન વારું, વારણે વારમવાર; નંદ૦ ૪

Facebook Comments