કમલાવર ઉઠો તો કાજુ, નિરખું વદન તમારું રે (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:43pm

 

રાગ : ભૈરવ

પદ - ૧

કમલાવર ઉઠો તો કાજુ, નિરખું વદન તમારું રે;

મહા મનોહર નૌતમ મૂરતિ, લઇ અંતરમાં ધારું રે. કામ૦ ૧

કંચન કેરી ઝારી માંહી, નીર ભર્યું અતિ સારું રે;

દાતણ કરો હરો સર્વે દુઃખડાં, આપો સુખ જગન્યારું રે. કામ૦ ૨

હરિજન કેરું જુથ હરખ કરી, આવી ઉભું બારું રે;

જાગો તો જગજીવન જુગતે, આરતડી ઉતારું રે. કામ૦ ૩

વદન કમળ જોવા વહાલમજી, મનડું તલખે મારું રે;

પ્રાણજીવન સર્વે તમ ઉપર, બ્રહ્માનંદ કહે વારું રે. કામ૦ ૪

પદ - ૨

લક્ષ્મીવર લેહરખડા લાલન, ઉઠોને અલબેલા રે;

દાસ તમારા દર્શન કારણ, આવીને ઉભેલા રે. લક્ષ્મીવર૦ ૧

કાજુ કળી ગુલાબી કેરા, ગજરા મેં ગુંથેલા રે;

જાગો તો જગજીવન તમને, પહેરાવું સૌ પહેલા રે. લક્ષ્મીવર૦ ૨

કંચન કેરા થાળ કટોરા, ભોજન શાક ભરેલા રે;

દીનાનાથ જમો કરી દાતણ, વાલમ વહેલા વહેલા રે. લક્ષ્મીવર૦ ૩

ઉઠો તો શીર કેશ ઓળીશું, અરસ પરસ ઉલઝેલા રે;

બ્રહ્માનંદ કહે વાર થઇ કેમ, કુણે વશ કીધેલા રે. લક્ષ્મીવર૦ ૪

પદ - ૩

નારાયણ કમલાવર નૌતમ, જાગો જીવન મારા રે;

પ્રાતઃ થયું બોલ્યાં વન પંખી, ફુલ્યાં કમળ સવારાં રે. નારાયણ૦ ૧

ઇન્દ્રાદિક નારદમુનિ આદિ, આવ્યા દેવ અપારા રે;

શિવ નંદિ પારવતી સહિતા, દ્વાર કર્યા ઉતારા રે. નારાયણ૦ ૨

વીણા તાલ મનોહર બાજે, મૃદંગતણા ધમકારા રે;

ઘેરે મધુરે સાદ ગુણિજન, ગાવે ચરિત્ર તમારાં રે. નારાયણ૦ ૩

ભાવે સહિત જમો મન ભાવન, ભોજન સારાં સારાં રે;

આળશ તજી મહાપ્રભુ ઉઠો, બ્રહ્માનંદના પ્યારા રે. નારાયણ૦ ૪

પદ - ૪

ઉઠોને અલબેલા વાલા, લક્ષ્મીના વર લેહેરી રે;

અજબ નવીન દુશાલા ઓઢો, પીતાંબર લ્યો પહેરી રે. ઉઠો૦ ૧

ગદા પદ્મ કર શંખ ચક્ર લઇ, ખળનાખો ખંખેરી રે;

અંતર દયા ધરો અવિનાશી, કરો મદત જન કેરી રે. ઉઠો૦ ૨

લટકાવો શીર લાલ કલંગી, ઉપરણી સોનેરી રે;

મંદ મંદ મુખ હસો મનોહર, હરિજન સામું હેરી રે. ઉઠો૦ ૩

સુરનર મુનિવર જુથ મળી સૌ, ઉભા આંગણ ઘેરી રે;

બ્રહ્માનંદના નાથ વદન છબી, નિરખત આશ ઘણેરી રે. ઉઠો૦ ૪

Facebook Comments