૪૭ પુરુષોત્તમગીતા અધ્યાય ૭: વૈરાગ્ય નિરુપણ.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:44pm

અધ્યાય-૪૭ - વૈરાગ્ય નિરુપણ

હે મુકુંદ બ્રહ્મચારી ! મોક્ષના માર્ગને વિષે જે સમગ્ર વિઘ્ન તેને નાશ કરવામાં સમર્થ એવું જે મારું વાક્ય તેને તમો સર્વ એકાગ્રચિત્તે કરીને સાંભળો. નાના પ્રકારના પદાર્થને પામવાની તૃષ્ણા રૂપ દુર્ભેદ્ય પાસલાને છેદવામાં તીક્ષ્ણ ધારે યુક્ત  ખડગરૂપ મંગળકારી જે વૈરાગ્ય છે તે મોહની જાળને કાપનારો છે. અને ભગવાનના ભક્તને સર્વોત્તમ સુખને દેનારો છે. અને વૈરાગ્ય વિનાના મનુષ્યનું વિષયભોગ સારુ અતિ દીનપણું નિવૃત્ત નથી થતું. અને વૈરાગ્ય વિના મનુષ્યને રાજભોગાદિકને વિષે તથા દ્રવ્ય, સ્ત્રી, પુત્રાદિકને વિષે તથા સ્વર્ગાદિક લોકના વૈભવને વિષે અરુચિ નથી થતી. અને વૈરાગ્યે કરીને મુક્તિને દેનારી અને હિંસા આદિક પાપ અને આધ્યાત્મિક તાપને નાશ કરનારી એવી જે ભક્તિ તે શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળાની પેઠે વૃધ્ધિને પામે છે. અને વૈરાગ્યે રહિત એવા જન તે કામ સંબંધી તુચ્છ સુખની પ્રાપ્તિને અર્થે વારંવાર મનમાં ક્ષોભ પામે છે. અને બાળકની પેઠે કલેશ પામે છે. અને મોહ પામે છે. વૈરાગ્ય વિના પ્રાણીને ક્યારેય પણ શાન્તિ થતી નથી. માટે સુખને ઇચ્છનાર જનોએ આ લોકને વિષે વૈરાગ્યને સિધ્ધ કરવો.

મુકુંદ બ્રહ્મચારી પૂછે છે જે, હે સ્વામિન્‌ ! શાન્તિને દેનારો વૈરાગ્ય તે કેમ ઉત્પન્ન થાય ? અને માયિક વિષયમાં આસક્તિ રૂપ સાંકળને છેદનારો જે વૈરાગ્ય તેનું રૂપ શું છે ? હે પ્રભુ ! એ બે વાર્તાને હું સર્વજ્ઞ એવા આપશ્રી થકી સાંભળવાને ઇચ્છું છું. માટે એ બે વાર્તાને યથાર્થપણે દયાએ કરીને મને કહો. ત્યારે શ્રીહરિ બોલ્યા જે, હે મુકુંદ બ્રહ્મચારી ! સમગ્ર સિધ્ધાંતને જાણનારા અને દીર્ઘદ્રષ્ટિવાળા તમો તો વૈરાગ્યનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણો છો તો પણ બીજાના હિતને અર્થે પૂછો છો તો તમોને વૈરાગ્ય ઉદય થવાનું કારણ તથા વૈરાગ્યનું રૂપ તેને યથાર્થપણે કહું છું.

હે સન્મતે ! માયામાંથી થયા જે દેહાદિક પદાર્થો તેને વિષે તથા સમગ્ર પ્રાકૃત એવા લોક અને સુખ તેમને વિષે દોષ તથા કલેશ તથા નાશવંત તથા ભય તેમને જોવાથી મનુષ્યમાં વૈરાગ્ય ઉદય થાય છે. હે મહામતે ! તે વૈરાગ્ય સત્સંગે કરીને વૃધ્ધિ પામે છે. માટે પ્રથમ શરીર સંબંધી દોષ તથા કલેશ આદિકને સ્પષ્ટપણે હું તમોને કહું છું તેને તમે સ્વસ્થ ચિત્તે સાંભળો.

હે મુકુંદવર્ણિ ! પ્રાણીઓનો દેહ અપવિત્ર વસ્તુનો ભરેલો છે. અને અનેક દોષના એક સ્થાનરૂપ છે. અને શોક, તાપ, ભય અને દુઃખને દેનારો છે. અને વાત, પિત્ત, કફથી યુક્ત છે, તથા મૂત્ર, વિષ્ટા, રુધિર, સ્નાયુ, માંસ, અસ્થિ, મજ્જા, પાચ, શ્લેષ્મ, વસા, વીર્ય આદિક વસ્તુએ યુક્ત છે. અને કોઠાયે યુક્ત છે, તથા પાંચસો પેશીયો જે માંસ આદિકની કોથળીયો તેથી યુક્ત છે અને સમગ્ર દ્વાર થકી સ્રવતાં છે મળ એવો છે. આવા પ્રકારના દેહને વિષે આત્મા રહ્યો છે. અને આ દેહમાં રુધિર આદિ છ ધાતુને પાકવાના છ પ્રકારના કોઠા રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય એ નામે છે, તેને ત્વચા ધારણ કરે છે. અને આ દેહના બે હસ્ત, બે ચરણ, મસ્તક અને ગાત્ર એ છ અંગ છે. ત્રણસોને સાઠ અસ્થિના કટકા છે. હવે તે સમગ્ર અસ્થિને ગણાવું છું. બત્રીસ દાંત, બત્રીસ તેની કુંભીઓ, એવી રીતે દાંત સંબંધી ચોસઠ અસ્થિ છે. અને વીશ નખ છે. અને બે હાથ, બે પગ ને પાંસળીઓને આકારે વીશ અસ્થિ છે.

તે વીશ અસ્થિનાં બે હસ્ત અને બે ચરણ એ ચાર સ્થાન છે. એવી રીતે એકસો ને ચાર અસ્થિ થયાં. અને ચરણની બે પાનીઓ તેનાં બે અસ્થિ છે અને બે હસ્ત અને બે ચરણ તેની વીસ આંગળીઓ તેમનાં સાઠ અસ્થિ છે, કહેતાં એક એક આંગળીમાં ત્રણ ત્રણ અસ્થિ છે. અને બે ચરણની માંહીલી ને બહારની થઇને ચાર ઘુંટિયોનાં ચાર અસ્થિ છે. અને બાહુને વિષે અરત્નિ છે પ્રમાણ જેનું એવાં ચાર અસ્થિ છે. અને જંઘા ને બે પિંડીઓ તેને વિષે ચાર અસ્થિ છે. એવી રીતે ચુંમોતેર અસ્થિ થયાં. બે ઢીંચણને વિષે બે અસ્થિ, બે કપાળ જે ગાલ તેને વિષે બે અસ્થિ, બે સાથળને વિષે બે અસ્થિ, બે ખભાને વિષે બે અસ્થિ, અને બે નેત્ર ને કાનના સાંધાને વિષે બે અસ્થિ, તાળવાને વિષે બે અસ્થિ, ને બે કેડને વિષે બે અસ્થિ. એવી રીતે ચૌદ અસ્થિ થયાં. અને પૃષ્ઠ પ્રદેશને વિષે પિસ્તાલીસ અસ્થિ છે, ગુહ્ય અંગને વિષે એક અસ્થિ છે, ડોકને વિષે પંદર અસ્થિ છે. જત્રુ જે ગળાની હાંસડીનો પ્રદેશ તેને વિષે બે અસ્થિ છે. દાઢીને વિષે એક અસ્થિ છે. એવી રીતે ચોસઠ અસ્થિ થયાં. અને દાઢીના મૂળ પ્રદેશને વિષે બે અસ્થિ છે. લલાટને વિષે બે અસ્થિ છે. ચક્ષુને વિષે બે અસ્થિ છે. કપોળ ને ચક્ષુના સાંધાને વિષે બે અસ્થિ છે.

અને નાસિકાને વિષે ઘાટું એક અસ્થિ છે. બે પડખાને વિષે થાળા ને અરબુદ નામે અસ્થિ તેણે સહિત બોત્તેર અસ્થિ છે. એવી રીતે એક્યાશી અસ્થિ થયાં. ભ્રકુટી ને કર્ણના મધ્યમાં બે અસ્થિ છે. ખોપરીમાં ચાર અસ્થિ છે. ઉરસ્થળને વિષે સત્તર અસ્થિ છે. એવી રીતે ત્રેવીસ અસ્થિ થયાં. આ પ્રમાણે સમગ્ર મળીને ત્રણસો ને સાઠ અસ્થિની પુરુષના દેહમાં ગણના કરી છે. અને આ શરીરને વિષે વાત, પિત્ત ને શ્લેષ્મ તેને વહેવડાવનારી નાડીઓ સાતસો છે. સ્નાયુઓને વહેવડાવનારી નાડીઓ નવસો છે. પ્રાણ આદિક વાયુને વહેવડાવનારી નાડીયો બસો છે. અને સામસામી અંગના સાંધા કરનારી માંસની પેશીયો પાંચસો છે. અને એ નાડીઓની શાખાનું બહુપણું તેણે કરીને એની ગણના કહું છું. હે મુકુંદ બ્રહ્મચારી ! આ શરીરને વિષે એકબીજાની શાખામાંથી થયેલી એ સમગ્ર મળીને નાડીયો ઓગણત્રીસ લાખ નવસો ને છપ્પન છે એમ તમે જાણો. અને પ્રાણીના દાઢી, મૂછના કેશ ત્રણ લાખ છે. અને મૃત્યુને કરે એવાં મર્મસ્થળ એકસોને સાત છે. અસ્થિના સાંધાના પ્રદેશ બસો છે. નાડીઓની સંધિ તો અસંખ્ય છે.

હવે સમગ્ર શરીરનાં જે અતિ સૂક્ષ્મ એવાં જે છિદ્ર આદિક છે તેની સંખ્યાને કહું છું. પૂર્વે કહી જે નાડિયો તથા કેશ તેમણે સહિત જે સમગ્ર રોમ તેમના સૂક્ષ્મ થકી અતિ સૂક્ષ્મરૂપ એવા પ્રદેશ અને પરસેવાને વહેવડાવતાં એવાં છિદ્ર તેણે સહિત ચોપન કરોડ સડસઠ લાખને પચાસ હજાર છે. આવી રીતે આ ગણના તે વાયુના પરમાણુએ કરીને જુદા જુદા વિભાગ કરીને મુનિઓએ કહ્યું છે.

હે મુકુંદ બ્રહ્મચારી ! આ સમગ્ર ભાવનું પોતપોતાને સ્થાનને વિષે જે રહેવાપણું છે તેને યોગશાસ્ત્રના પારને પામેલા મોટા મુનિઓ જાણે છે. અને વાર્તાને વિષે શાસ્ત્ર જ પ્રમાણભૂત છે, કેમ જે ચક્ષુ આદિક ઇન્દ્રિયે કરીને જણાતું નથી. આ દેહને વિષે પરિણામને પામ્યો એવો જે રસ તેના સારની નવ અંજલિ કહી છે. અને જળની દશ અંજલિ છે. અને પુરીષ જે અન્ન આદિકનો કૂચો તેની સાત અંજલિ છે, રુધિરના ચાર કહ્યા છે. અહીં અંજલિ શબ્દે કરીને અર્ધશેર જાણવું. અને શ્લેષ્મ જે કફ તેની છ અંજલિ છે, પિત્તની પાંચ અંજલિ છે, મૂત્રની ચાર અંજલિ છે, વસા જે માંસનો સ્નેહભાગ તેની ત્રણ અંજલિ છે, ઇત્યાદિક ઘણાક દોષે યુક્ત દેહ છે.

હવે આ શરીરમાં પ્રાણને રહેવાનાં સ્થાન છે તેમને કહું છું જે, હૃદયકમળમાં રહ્યું એવું જે ઓજસ કહેતાં પીળાશે સહિત જરાક રક્ત એવો ધાતુ તથા વીર્ય તથા રુધિર તથા ભ્રૂકુટિ ને કર્ણ તેના મધ્યમાં રહ્યાં એવાં બે અસ્થિ ઇત્યાદિક ઘણાંક સ્થાન કહ્યા છે. હવે એ દેહને ઘરરૂપે વર્ણન કરું છું. અસ્થિરૂપી વાંસડાના સમૂહ તેણે યુક્ત તથા અસ્થિના થાંભલા થાંભલીઓ એ આદિકે યુક્ત અને સ્નાયુ ને ચરબી તેણે કરીને ચારે બાજુ જડેલું અને શરીરના રોમ તથા મસ્તકના કેશ એ આદિકે કરીને આવરેલું, અને દુર્ગંધમય એવાં પદાર્થ તેણે યુક્ત અને કામ-ક્રોધાદિક સર્પો જેમાં રહેલા છે, અને અહંકારરૂપી એક બિલાડો જેમાં રહેલો છે, અને મોહરૂપી ઘાટો અંધકાર તેણે આવરેલું છે; હે મુકુંદ બ્રહ્મચારી ! નિત્ય અને પવિત્ર એવો જીવાત્મા તેનું અનિત્ય અને અપવિત્ર અને કર્મે કરીને નિર્માણ કર્યું એવું આ દેહરૂપી ઘર છે.

અને જેમ દુર્ગંધે કરીને દૂષિત એવો ચાંડાળનો કુંડ, તેને વિષે અજાણ્યે પડી ગયા જે શુધ્ધ જન તે મહાદુઃખને પામે છે. એમ નાના પ્રકારના મળે કરીને પૂર્ણ અને દુર્ગંધે કરીને વ્યાપ્ત અને અસ્થિના સમૂહે કરીને રચેલું એવું આ દેહરૂપ પાંજરું તેને વિષે મોહના વશપણે કરીને પડ્યો અને કર્મનું વશપણું તેને પામ્યો અને શુધ્ધ એવો જીવાત્મા પણ તે દેહની માયાયે કરીને મોહને પામ્યો થકો અત્યંત દુઃખને પામે છે. આ દેહ તો વીર્ય ને રુધિરના સંયોગ થકી થાય છે.

અને વિષ્ટા ને મૂત્ર એ આદિકે ભરેલો છે. માટે આ દેહ અપવિત્ર છે. અને જેમ ચર્મ અસ્થિ અને મજ્જાદિક મળે કરીને પૂર્ણ એવો સોનાનો ઘડો તે શુધ્ધ કરવાથી પણ શુધ્ધ થતો નથી, તેમ મળના સમૂહે કરીને પૂર્ણ એવો આ દેહ શુધ્ધ કર્યાથી પણ શુધ્ધ થતો નથી. અને હે મુકુંદ બ્રહ્મચારી ! હુત, ઘૃત, દ્રવ્ય, અન્ન આદિક સમગ્ર પવિત્ર વસ્તુ દેહને પામીને ક્ષણમાત્રમાં અપવિત્રપણાને પામે છે. તે દેહ થકી બીજું શું અપવિત્ર છે ? કાંઇ નથી; અને પંચગવ્ય, કુશ અને જળે કરીને શુધ્ધ કર્યો એવો પણ આ દેહ, તે કાળાશરૂપી દોષે કરીને દૂષિત એવો અંગારો ધોવાથી ક્યારેય નિર્મળપણાને નથી પામતો, અને જાતિએ કરીને કાળી એવી કામળી તે અનેક ઉપાયે કરીને પણ શ્વેત નથી થતી, તેમ નિર્મળ નથી જ થતો. અને આ લોકમાં તે અત્યંત દુર્ગંધે યુક્ત મળને સૂંઘતો થકો અને અતિશયપણે કરીને જોતો સતો પણ અને નાસિકાને દાબતો થકો પણ વૈરાગ્યને નથી પામતો.

હે મુકુંદ બ્રહ્મચારી ! મોહનું કારણ તો જુઓ ! જે દેહના દોષને જાણીને પણ જીવ વૈરાગ્યને નથી પામતો. અને ડાહ્યા પુરુષો તો આ દેહને સ્વભાવ થકી જ નિશ્ચય અપવિત્ર જ જાણે છે. અને તે દેહને બ્રહ્માએ ફળ વિનાની કેળની માફક અસારપણે કહેલ છે.

હે મુકુંદ બ્રહ્મચારી ! ડાહ્યા પુરુષોએ તે ક્લેવરને આ પ્રકારે સોએ સો દોષે યુક્ત જાણીને અંતે કૃમિ, વિટ્‌ અને ભસ્મ એ ત્રણ નામવાળો અને જેના થકી દિવસે દિવસે દુર્ગંધે યુક્ત એવો દુષ્ટ મળ નીકળે છે, એ કારણે અતિશય મેલો એવો કહ્યો છે. જેમ તીર્થને વિષે ધોઇ એવી પણ શ્વાનના ચર્મની બોખ તે શુધ્ધપણાને નથી પામતી, તેમ દેહ તે તપ અને તીર્થના જળ એ આદિકે કરીને શુધ્ધ ન જ થાય. માટે આ દેહ તો વાત, પિત્ત અને કફ આદિકનું સ્થાનભૂત અને રોગનું ભરેલું પાંજરું છે, આ દેહને વિષે નાના પ્રકારના રોગે કરીને પ્રાણી અનેક પ્રકારના દુઃખને પામે છે. આ દેહનું ક્ષણ ક્ષણ પ્રત્યે નાશવંતપણું છે, અને દેહને વિષે નિરંતર કાળરૂપી સર્પ ગમે ત્યારે ડંસે તેનો મોટો ત્રાસ નિશ્ચય છે. હે મુકુંદ બ્રહ્મચારી ! આ પ્રકારે નાના પ્રકારનાં દુઃખ ને દોષ એ આદિકનો સ્થાનભૂત દેહ તેના વિભાગ અમોએ તમને કહ્યા. હવે મનુષ્યને નાના પ્રકારનું ગર્ભવાસના કલેશે કરીને જે દુઃખ થાય છે તેને કહીએ છીએ તેને તમે સાંભળો.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમ ગીતા તેમાં વૈરાગ્યની ઉત્પત્તિ તથા વૈરાગ્યનું સ્વરૂપ તથા દેહનું અપવિત્રપણું કહ્યું એ નામે સાતમો અધ્યાય.૭ સળંગ અધ્યાય. ૪૭