અધ્યાય -૧૩ ધર્મ-ભક્તિની જીવનચર્યા.

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:28pm

અધ્યાય -૧૩ ધર્મ-ભક્તિની જીવનચર્યા.

ધર્મ-ભક્તિની જીવનચર્યા, રામપ્રતાપજીનો જન્મ, અસુરોએ કરેલો ઉપદ્રવ, અસુરોના ત્રાસથી બચવા અયોધ્યા ગમન. કાશીપુરી ગમન, પ્રયાગમાં રામાનંદસ્વામીની સાથે ધર્મદેવનું મિલન.


સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પિતા બાલશર્માના ગયા પછી વિપ્રવર્ય દેવશર્મા, સાસુ અને સસરાને રંજન કરતા કરતા, પિતાએ ઉપદેશેલા ગૃહસ્થધર્મોનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અનુષ્ઠાન કરવા લાગ્યા.૧

અને પ્રેમવતી પોતાના પતિ દેવશર્માને ઇશ્વરમાની નિર્દંભપણે વિનય અને અનુવૃત્તિ સાચવવા પૂર્વક તેમની સેવા કરવા લાગ્યાં.૨

ધર્મ અને ભક્તિ બન્ને દંપતી દર પંદર દિવસે આવતી એકાદશીનું વ્રત પણ નિયમપૂર્વક આદરની સાથે નિરાહાર રહીને કરતાં હતાં.૩

હે રાજન્ ! શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલા ગૃહસ્થધર્મોનું વિધિપૂર્વક આચરણ કરતાં તે દંપતીનું ચિત્ત દિવસે ને દિવસે અધિક ને અધિક વિશુદ્ધ બનતું જતું હતું.૪

મહાસંકટના સમયે પણ ધર્મદેવ ક્યારેય પોતાના ધર્મોનો ત્યાગ કરતા નહિ. તે હમેશાં ધાર્મિક પુરુષોનો જ સમાગમ કરતા પણ બીજાનો સંગ તો ક્યારેય પણ કરતા નહિ.૫

તે દેવશર્માની અતિ ઉત્કૃષ્ટ ધર્મનિષ્ઠા જોઇને સર્વે મનુષ્યો ''હે ધર્મદેવ'' એ પ્રમાણે કહીને બોલાવવા લાગ્યા, ત્યારથી તે 'ધર્મ' એવા નામથી આલોકમાં પ્રસિદ્ધિ પામ્યા.૬

લાભ શુભ વગેરે પુત્રોની સાથે શ્રદ્ધા, મૈત્રી વગેરે ધર્મદેવની બીજી બાર પત્નીઓ પણ પ્રાકૃત મનુષ્યો જોઇ ન શકે તે રીતે દિવ્યસ્વરૂપે નિરંતર ધર્મદેવની સેવામાં હાજર રહેતી હતી.૭

ધર્મદેવ હમેશાં ત્રિકાળ સ્નાન અને સંધ્યાવંદન કરતા, તેમજ પ્રાતઃકાળે અને સાયંકાળે હોમકર્મ, ગાયત્રીનો જપ, સ્વાધ્યાયમાં વેદપારાયણ, પિતૃતર્પણ, વિષ્ણુપૂજન, વૈશ્વદેવ અને અતિથિઓનો સત્કાર આટલું પ્રતિદિન અવશ્યપણે કરતા હતા.૮-૯

સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની દૃઢતાને અર્થે વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારત આદિ ઇતિહાસોનો વારંવાર અભ્યાસ કરતા હતા.૧૦

હે રાજન્ ! તે દંપતી પોતપોતાના ધર્મોનું દૃઢતા પૂર્વક પાલન કરતાં પ્રેમપૂર્વક ભગવાન શ્રીવિષ્ણુનું ભજન કરતાં હતાં, અને જન્માષ્ટમી, રામનવમી આદિ વિષ્ણુના વ્રતોનું અનુષ્ઠાન પણ કરતાં હતાં.૧૧

આ રીતે સ્વધર્મમાં અને ભગવદ્ભક્તિને વિષે જેવી દૃઢ સ્થિતિ ધર્મ-ભક્તિને હતી તેવી જ દૃઢ સ્થિતિ દુર્વાસાના શાપથી પૃથ્વી પર જન્મેલા મરીચ્યાદિ મુનિઓની પણ હતી.૧૨

રામપ્રતાપજીનો જન્મ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સમય વ્યતીત થતાં ધર્મ અને ભક્તિદેવીને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો, તે સ્વધર્મનિષ્ઠ અને ગુણોમાં સંકર્ષણ સમાન હતા, તેનું ''રામપ્રતાપ'' એવું નામ રાખવામાં આવ્યું.૧૩

અસુરોએ કરેલો ઉપદ્રવ :- ધર્મદેવના પ્રાગટય પહેલાં આ પૃથ્વી ઉપર જે હજારો અસુરો ઉત્પન્ન થયા તે સર્વે ધર્મનિષ્ઠ ભગવાનના ભક્તોને બહુ પ્રકારે દુઃખ આપી પીડવા લાગ્યા.૧૪

મરીચ્યાદિ મહર્ષિઓને તો પોતાના વિશેષ વૈરી માની ઉદ્ધત તે અસુરો દુઃખ આપતા હતા, અને તેમાં ધર્મદેવને તો અતિ અધિક પીડા આપવા લાગ્યા.૧૫

ભક્તિદેવીએ સહિત ધર્મદેવને પોતાના એક માત્ર શત્રુ જાણીને જે રીતે તેઓ દુઃખી થાય તેમ તે અસુરો અધિક ને અધિક ઉપાયો કરવા લાગ્યા.૧૬

તે અસુરો ધર્મદેવના સમગ્ર ગુણોને વિષે દોષોનું આરોપણ કરી વારંવાર નિંદા અને તિરસ્કાર કરતા હતા, તેમજ મિથ્યા અપવાદનું આરોપણ પણ કરતા હતા..૧૭

અસુરોના ત્રાસથી બચવા અયોધ્યા ગમનઃ- હે રાજન્ ! દુર્જનોના અતિ ત્રાસથી છપૈયામાં રહેતા ધર્મદેવ ત્યાં રહેવામાં અત્યંત ઉદાસ થયા, તેથી છપૈયા ગામનો ત્યાગ કરી પત્ની અને પુત્રની સાથે અયોધ્યામાં આવીને રહ્યા.૧૮

હે રાજન્ ! તે અયોધ્યામાં પણ નિત્ય સરયુગંગામાં સ્નાન કરી પોતાનું સંધ્યાવંદન આદિ નિત્યકર્મ અને નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરતા ધર્મદેવને અસુરો વારંવાર વધુ પીડવા લાગ્યા.૧૯

હે રાજન્ ! પતિવ્રતાના ધર્મને વિષે નિષ્ઠાવાળી, સદાચારિણી અને બિલકુલ નિર્દોષ, ગભરુ, ભક્તિદેવીને પણ તે દુષ્ટ અસુરો વારંવાર દુઃખ આપવા લાગ્યા.૨૦

જેવી રીતે પૂર્વે પોતાના ભાઇઓ અને પત્ની દ્રૌપદીએ સહિત ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના શત્રુઓ થકી મહાકષ્ટને પામ્યા હતા તેજ પ્રમાણે ધર્મદેવ પણ પત્ની ભક્તિદેવીએ સહિત શત્રુઓ થકી મહાકષ્ટને પામ્યાં.૨૧

કાશીપુરી ગમન :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારબાદ પોતાની બુદ્ધિ પ્રમાણે દુઃખનો પ્રતિકાર કરવાની ઇચ્છાવાળા ધર્મદેવ અયોધ્યાપુરીનો ત્યાગ કરી ભગવાન શ્રી વિશ્વનાથની કાશીપુરીમાં આવી ત્યાં કેટલાક માસ નિવાસ કરીને રહ્યા.૨૨

ત્યાં કાશીમાં પણ ધર્મદેવના દ્વેષી કેટલાક અસુરોએ ધર્મદેવને કાંઇક બીજી રીતના ઉપદ્રવોથી અતિ પીડવા લાગ્યા.૨૩

અસુરોના ત્રાસથી અતિ પીડાયેલા ધર્મદેવ ધીરજ રાખી પત્ની અને પુત્રને સાથે લઇ કોઇ ન જાણે તેમ કાશીથી નીકળી પ્રયાગક્ષેત્રમાં આવ્યા.૨૪

પ્રયાગતીર્થમાં ધર્મદેવે કરવા યોગ્ય સર્વે વિધિ કર્યો અને અહિંસા આદિ નિયમોનું પૂર્ણ પાલન કરતા ધારણા પારણા આદિ વ્રતોનું અનુષ્ઠાન કરી શરીરને અત્યંત કૃશ કરી મૂક્યું. આમ કેટલાક દિવસો સુધી પ્રયાગક્ષેત્રમાં નિવાસ કરીને રહ્યા.૨૫

પ્રયાગમાં રામાનંદસ્વામીની સાથે ધર્મદેવનું મિલન :- પ્રયાગક્ષેત્રમાં તીર્થયાત્રા કરવાની ઇચ્છાથી પધારેલા તપોનિધિ અને વૈષ્ણવાચાર્ય શ્રીરામાનંદ સ્વામીનાં ધર્મદેવને દર્શન થયાં.૨૬

રામાનંદ સ્વામી શિષ્યવર્ગને ભાગવતધર્મનો ઉપદેશ આપવામાં બહુ કુશળ હતા. કેટલાક શિષ્યો તેમની સાથે હતા, સ્વામી કેટલાક મુમુક્ષુજનોને બોધ આપતા હતા. નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષને ધરી રહેલા, દયાના સાગર એવા રામાનંદ સ્વામીએ લલાટને વિષે કુંકુમના ચાંદલાએ સહિત કેસરમિશ્રિત ચંદનથી ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું હતું, કંઠમાં બેવળી તુલસીની કંઠી ધારી હતી. વેદાદિ શાસ્ત્રોરૂપ શબ્દબ્રહ્મને અને સાક્ષાત્ શ્રીકૃષ્ણરૂપ પરબ્રહ્મને જાણવામાં તે અનુભવી હતા. સાધુતાના લક્ષણોથી સંપન્ન આવા રામાનંદ સ્વામીને શ્રેષ્ઠ સિદ્ધયોગી જાણી ધર્મદેવ પરમ આદર થકી તેમનું સેવન કરવા લાગ્યા.૨૭-૨૯

આત્મનિષ્ઠ એવા રામાનંદ સ્વામીની સેવા કરતા ધર્મદેવ તેમને વ્યવહારિક એવાં લૌકિક કાર્યોની અને મોક્ષ ઉપયોગી એવાં વૈદિક કાર્યોની બુદ્ધિમાં વિચક્ષણતા જોઇ સાક્ષાત્ ઉદ્ધવજી તુલ્ય માનવા લાગ્યા.૩૦

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં અસુરોના ઉપદ્રવથી અતિશય પીડાયેલા ધર્મદેવને શ્રીરામાનંદ સ્વામીનાં દર્શન થયાં એ નામે તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૩--