અધ્યાય - ૪૩ - વટવૃક્ષવાસી કાળભૈરવાદિ ભૂતાવળને હનુમાનજીએ ચખાડયો મેથીપાક.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મધ્યરાત્રિનો સમય થયો તેવામાં સર્વ ભૂતપ્રેતનો અધિપતિ કાળભૈરવ દેહધારીઓના જીવને લેવા આવતા કાળની જેમ જ્યાં શ્રીહરિ બેઠા છે ત્યાં આવ્યો.૧
તે કાળભૈરવ પિશાચ, ડાકિની, ભૈરવી અને યોગિનીઓના સમુદાયથી વીંટાયેલો હતો, તેણે હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું હતું. પગ સુધી લાંબી જટાવાળો તે લાલધુમ નેત્રોથી આમતેમ જોઇ રહ્યો હતો.૨
હજારો દીવડાઓ ધારી પિશાચના સમુદાયની વચ્ચે તાલવૃક્ષની જેમ ઊંચો દેખાતો હતો. પહોળું મુખ અને ભયંકર તીક્ષ્ણ દાંતવાળો તે કાળભૈરવ કાજળ જેવો કાળો હોવાથી મહાભંયકર જણાતો હતો.૩
મનુષ્ય, પશુ, પક્ષી આદિકનું માંસ ખાઇ ખાઇને તૃપ્ત થયો હતો, ગર્દભના જેવા ભયંકર શબ્દોને કરતો તે દાંતમાં જીવતાં પશુઓને ચાવતો હોવાથી લોહીથી તેના સમગ્ર અવયવો ખરડાયેલ હતાં, કાજળ જેવા કાળા વર્ણના પ્રેતો તેની પાછળ આવી રહ્યા હતા. મરેલાં મૃગલાં, ભૂંડો અને પાડાઓ ખભા ઉપર નાખીને તે આવતો હતો. શ્રીહરિ જે વૃક્ષ નીચે વિરાજતા હતા તે વટવૃક્ષમાં તેનો નિવાસ હતો અને તે વનનાં પ્રાણીઓ તેનું ભોજન હતું તેથી આહાર અને વિહાર માટે બહાર જઇ પાછો તે વટવૃક્ષ પાસે આવ્યો.૪-૬
હે રાજન્ ! તે કાળભૈરવ અને તેના અનુયાયી ભૂતપ્રેતોના અનેક ભયાનક શબ્દોથી ત્રાસ પામેલાં વનનાં વાઘ આદિ પશુઓ ચારે તરફ આમ તેમ ભાગવા લાગ્યાં. તે સમયે તેના ભયંકર શબ્દો સાંભળી શ્રીહરિનાં દર્શને આવેલા હનુમાનજીએ વાનર જાતિનો કિલકિલાટ ધ્વનિ કર્યો, દશે દિશાઓમાં વ્યાપી ગયેલા તે હનુમાનજીના ભયાનક ધ્વનિથી કાળભૈરવ અને ભૂતપ્રેતના ગણો મહાત્રાસ પામવા લાગ્યા.૭-૮
તે સમયે હનુમાનજીનો શબ્દ સાંભળી શ્રીહરિ સમાધિમાંથી જાગ્રત થયા ને સામે ઊભેલા ભૂતપ્રેતાદિકના અધિપતિ ભયંકર ભૈરવને જોયો. આવા ભયંકર ભૈરવને જોવા છતાં કોઇ જાતનો ભય પામ્યા વગર નિર્ભયપણે શ્રીહરિ સ્વસ્થચિત્તે બેઠા રહ્યા અને ફરી સમાધિમાં ઉતરી ગયા.૯
હે રાજન્ ! જોવા માત્રથી ભયંકર જણાતો અને ભૂતપ્રેતના ટોળામાં ઊભેલો ભૈરવ શ્રીહરિને પોતાના સ્થાનમાં બેઠેલા જોઇને અત્યંત ક્રોધાયમાન થયો અને કહેવા લાગ્યો કે હે ભૂતો ! આ તપસ્વી આપણા અધિકારના ક્ષેત્રમાં આવ્યો છે, તેનું તમે ભક્ષણ કરો. હે પ્રેતો ! તમે એને ત્રિશૂલથી મારો. હે રાક્ષસો ! તમે એનું માંસ ખાઓ. હે ડાકિનીઓ ! તમે એનું ગરમાગરમ લોહી પીઓ. આ પ્રમાણે બકતો શ્રીહરિને મારવા તત્પર થઇ શ્રીહરિની સમીપે આવ્યો, અને તેના અનુચરો પણ શ્રીહરિને પકડવા વારંવાર ઘોર અવાજો કરવા લાગ્યા.૧૦-૧૨
હે રાજન્ ! તેવામાં તો હનુમાનજીએ મોટા ડુંગરા જેવું વિશાળ પોતાનું રૂપ ધારણ કર્યું અને પોતાના ચમત્કારી લાંબાં પૂછડાં વડે સેંકડો ભૂતપ્રેતોને વીંટીને બાંધી પોતાના પગની લાતોનો પ્રહાર કરવા લાગ્યા.૧૩
હે ભૂમિપતિ ! હનુમાનજીની લાતોના પ્રહારથી તેઓનાં અંગો તૂટી ફુટી છિન્નભિન્ન થયાં ને મૃતઃપ્રાય દશાને પામ્યાં, છતાં પણ નારકી જીવોની પેઠે પોતાનાં અશુભ કર્મોનું ફળ ભોગવવાનું બાકી હોતાં કોઇ મર્યા નહિ.૧૪
પછી હનુમાનજીએ ભૈરવને પોતાની વજ્રસમાન ગાઢ મુષ્ટિકાનો જોરદાર પ્રહાર કરી ભયાનક રૂપ દેખાડી મોટી ગર્જના કરી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો તેથી ભૈરવના મુખમાંથી લોહીની ઉલટીઓ થવા લાગી. અને પોતાના સાથી સેંકડો ભૂતપ્રેતોનું કરચરઘાણ વાળતો તે ભૈરવ ગિરિશિખર ઉપરથી તૂટી પડેલા મોટા પથ્થરની માફક ધરણી ઉપર ઢળી પડયો.૧૫-૧૬
પછી હનુમાનજીની મુષ્ટિકાના પુનઃ પ્રહારના ભયથી ભયભીત થઇ ધીમેથી ઉઠી ધીરે ધીરે દૂર દૂર ચાલ્યો ગયો. અને તેમના સાથી ભૂતપ્રેતના સમૂહો પણ થરથર ધ્રુજતા આમ તેમ ચારે તરફ પલાયન થઇ ગયા.૧૭
હે રાજન્ ! તે ભૈરવ અને તેના ભૂતગણો મહાકપિ હનુમાન ગયો કે નહિ ? એમ પ્રતિક્ષણે છૂપી રીતે આ બાજુ જોતાં તે સ્થાનમાં છૂપાઇને આખી રાત્રી બેસી રહ્યાં. પરંતુ કોઇને નિદ્રા આવી નહિ.૧૮
પોતાની માયાથી ઐશ્વર્ય પ્રતાપને છૂપાવીને ધ્યાન સ્થિતિમાં બેઠેલા ભગવાન શ્રીહરિ આટલો કોલાહલ થવા છતાં એક પણ શબ્દ બોલ્યા નહિ. અને સૂર્યોદય થતાં ધ્યાન દશામાંથી જાગ્રત થયા. પછી નદીમાં સ્નાન કરી પોતાનો સંધ્યાવંદન આદિ નિત્યવિધિ કર્યો. તેવામાં હનુમાનજીએ શ્રીહરિને ચાર દિવસના ભૂખ્યા જાણી સુંદર સ્વાદિષ્ટ ફળો લાવીને અર્પણ કર્યાં.૧૯-૨૦
તે સમયે આહ્નિક વિધિથી પરવારેલા શ્રીહરિએ હનુમાનજીના ઉપકારની ખૂબ પ્રશંસા કરી અને તેણે અર્પણ કરેલાં ફળો ઠાકોરજીને નૈવેદ્ય ધરી શ્રીહરિ પ્રસાદ જમ્યા અને જળપાન કરી ત્યાંથી આગળના પ્રદેશોમાં જવાની ઇચ્છા કરી.૨૧
હનુમાનજીની સેવાથી અતિપ્રસન્ન શ્રીહરિ :- હે રાજન્ ! શ્રીહરિ નાનું બાળસ્વરૂપ લઇ ઊભેલા હનુમાનજીને બાથમાં લઇ ભેટયા અને કહેવા લાગ્યા કે હે હનુમાનજી ! તમે મારું આવા કોઇ આપત્કાળમાં રક્ષણ કરતા રહેજો. કારણ કે તમે અમારા કુળદેવ છો. હે રાજન્ ! તે વખતે હનુમાનજી ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે મારા ઇષ્ટદેવ રામ ! તમારી મનુષ્યલીલારૂપ માયાથી મને મોહ ન પમાડો. કારણ કે, હે ધર્મનંદન ! હું તમારો દાસ છું. ક્યારેક તમારા દાસની ગણનામાં મને યાદ કરજો.૨૨-૨૩
હે રાજન્ ! આ પ્રમાણે કહીને પવનપુત્ર ખૂબ પ્રસન્ન થયા અને ત્યાંથી અંતર્ધાન થયા. પછી દર્શન માત્રથી જીવપ્રાણી માત્રનું કલ્યાણ કરનારા ભગવાન શ્રીહરિ ત્યાંથી ઉત્તરદિશા તરફ આગળ ચાલ્યા. આ રીતે શ્રીહરિ માર્ગમાં ચાલતાં જ્યાં રાત્રી થાય ત્યાં જ નિર્ભય થઇ નિવાસ કરતા અને જે કોઇ ફળ-ફૂલ કે અન્નાદિ પ્રાપ્ત થાય તેનું ભોજન લેતા અને ક્યારેક ઉપવાસ પણ થતો.૨૪-૨૫
વર્ણીનું શ્યામગિરિથી શ્વેતગિરિપર આગમન :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ રીતે કેટલાક દિવસો પ્રસાર થતાં શ્રીહરિએ હિમાલયના શ્યામગિરિ શિખરોનું ઉલ્લંઘન કરી આગળના પ્રદેશમાં હિમાલયના ગગનસ્પર્શી શ્વેતગિરિ શિખરોનાં દર્શન કર્યાં.૨૬
આ શ્વેતગિરિ જાણે ચાંદીનો ઢગલો હોય તેવો જણાતો હતો. તે પશુ, પક્ષી અને વૃક્ષોથી રહિત હતો, પરંતુ અનેક પ્રકારની ધાતુ ભરેલી ખાણોથી યુક્ત હતો, અને તેમાં વિશાળ ગુફાઓ પણ હતી.૨૭
તપસ્વી પુરુષો અને દેવતાઓનાં વૃંદો જેનું બહુ સેવન કરે છે એવો આ શ્વેતગિરિ સૂર્યની કિરણો પડવાથી ક્યાંક સોનાના વર્ણ જેવો જણાતો હતો. આવા અદ્ભૂત શ્વેતગિરિનાં શ્રીહરિએ દર્શન કર્યાં.૨૮
હિમાલયના શ્વેતગિરિની ટળેટીમાં વિચરણ કરતા શ્રીહરિ એક વખત માર્ગ ભૂલ્યા ને પર્વત અંદરથી નીકળીને પ્રસાર થઇ રહેલી નદીને કિનારે આવ્યા.૨૯
આ નદી કોઇ જગ્યાએ ઢીંચણ પર્યંત જળવાળી તો કોઇ જગ્યાએ અગાધ જળવાળી હતી, શ્રીહરિ તેમાં સામે પૂરે તરીને ચાલ્યા ત્યાં આગળના ભાગમાં વિશાળ ગગનચુંબી બે પર્વતોનાં દર્શન થયાં.૨૯-૩૦
વર્ણીને મૂર્તિમાન હિમાલયે દેખાડયો માર્ગ :- હે રાજન્ ! તેમાંથી એક અતિ ઊંચો પર્વત તે નદીના પૂર્વ ભાગમાં હતો અને બીજો તેવો જ પર્વત નદીના પશ્ચિમભાગમાં હતો. શ્રીહરિએ તે બન્ને પર્વતની વચ્ચે આ નદીના ઉદ્ગમ સ્થાનરૂપે એક મોટી ગુફા જોઇ.૩૧
અહીંથી આગળ જવાનો હવે કોઇ માર્ગ દેખાતો ન હતો. પાછું પણ વળાય નહિ. તેવામાં સૂર્યનારાયણ અસ્તાચળ પામ્યા. તે સમયે શ્રીહરિએ પૂર્વદિશાના પર્વત ઉપર કોઇ દેવજેવો જણાતા પુરુષને જોયો.૩૨
હે રાજન્ ! તે પુરુષ બીજું કોઇ નહિ પરંતુ મૂર્તિમાન સ્વયં હિમાલય હતા. દૈવવશાત્ કોઇ સિદ્ધ બાલાયોગી માર્ગ ભૂલ્યા છે, એમ જાણી માર્ગ દેખાડવા આવ્યા હતા, તે માર્ગ દેખાડતાં બોલ્યા કે, હે યોગેશ્વર ! તમે આ ગુફામાં પ્રવેશ કરો. ગુફામાંથી આવી રહેલી નદીમાં ધીરે ધીરે આગળ ચાલતાં તમને આગળ માર્ગ પ્રાપ્ત થશે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિને માર્ગ દેખાડી હિમાલય અદૃશ્ય થઇ ગયા.૩૩-૩૪
હે રાજન્ ! હિમાલયનાં આવાં વચનો સાંભળી ભગવાન શ્રીહરિ અતિશય અંધકારમય તે ગુફાના માર્ગે નદીના સામે પૂરે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં રાત્રીના એક પહોર પછી આશરે નવ વાગ્યાના સમયે ગુફાથી બહાર નીકળ્યા ને એક માર્ગને પામ્યા.૩૫
ત્યારે શ્રીહરિએ તે સ્થળે જળથી ભરેલો વિશાળ અને અગાધ એક ધરો જોયો. ભૂખ્યા થયેલા શ્રીહરિ તે ધરાને કિનારે જ રાતવાસો રહ્યા.૩૬
પ્રાતઃકાળે તે ધરાના સ્થાનેથી આગળ ચાલતાં અનેક મહા વિકટ સ્થળોને ઉલ્લંઘન કરી ત્રીજે દિવસે કોઇ એક પ્રસિદ્ધ મહામાર્ગને પામ્યા.૩૭
પ્રસિદ્ધ પુલહાશ્રમમાં પ્રેમવતીપુત્રનું પવિત્રપાદાર્પણ :- હે રાજન્ ! આ રીતે આગળ ચાલતાં ચાલતાં અમાનુષિક દિવ્યલીલાનો વિસ્તાર કરતા નૈષ્ઠિક વર્ણી ભગવાન શ્રીહરિ પાર્વતીના પિતા હિમાલયની અનેકવિધ શોભા સંપત્તિનું દર્શન કરતા કેટલાક દિવસો પછી બ્રહ્માના પુત્ર પુલહમુનિના નામથી પ્રસિદ્ધ એવા અત્યંત મનોહર પુલહાશ્રમ ક્ષેત્રમાં આવ્યા.૩૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભૈરવ અને તેના ભૂતપ્રેતાદિ ગણોનો પરાભવ કરી શ્રીહરિ પુલહાશ્રમક્ષેત્રમાં પધાર્યા એ નામે તેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૩--