અધ્યાય - ૪૭ - કામાક્ષીદેવીનાં મંદિર સમીપે મહાતાંત્રિક પિબેકનો ગર્વ ઉતાર્યો.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે સીરપુર શહેરમાં ચાતુર્માસ પૂર્ણ થતાં તે સર્વે સિદ્ધો દેશાંતરમાં જવા નીકળ્યા અને સિદ્ધવલ્લભ રાજાદ્વારા અતિશય સત્કાર કરાયેલા ભગવાન શ્રીનીલકંઠ વર્ણી પણ તે સિદ્ધોની સાથે રવાના થયા.૧
શ્રીહરિની સાથે નીકળેલા તે સર્વે સિદ્ધો કામાક્ષીદેવીનાં મંદિરની સમીપે કોઇ એક ગામની ભાગોળે રહેલા બગીચામાં આવી ઉતારો કર્યો અને પોતપોતાના સંઘની જુદી જુદી રસોઇ કરવાનો પ્રારંભ કર્યો.૨
તે સમયે પુષ્પવાટિકામાં કોઇ સિદ્ધો આવ્યા છે. એવું સાંભળતાંની સાથે તે ગામમાં રહેનારો મહાકાલિનો ઉપાસક તેમજ લોકપ્રતિષ્ઠિત કોઇ બ્રાહ્મણ ત્યાં આવ્યો.૩
કુસંગનો પ્રબળ પ્રભાવ :- હે રાજન્ ! તે બ્રાહ્મણ પહેલાં મહા ધાર્મિક હતો, વેદાદિ સત્શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા ત્રિકાલ સંધ્યાવંદનાદિ સમસ્ત કર્મકાંડનું અનુષ્ઠાન કરનારો વિદ્વાન હતો. તેમજ એક પત્નીવ્રતનું પાલન કરનાર ચારિત્ર્યવાન તથા શમ-દમાદિ ગુણોથી સંપન્ન હતો.૪
તેને કોઇ વખત શક્તિ ઉપાસક કોઇક પુરુષનો સહવાસ થયો, તેથી તત્કાળ ફળ દેખાડનાર ''કૌલાવર્ણ'' નામના ગ્રંથનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યો.૫
કુસંગના પ્રભાવથી તેમને તે વેદવિરુદ્ધ ગ્રંથમાં આસ્થા આવી, તેથી તેમાં પ્રતિપાદન કરેલા આચાર પાલનમાં આસક્ત થઇ શક્તિની મલિન ઉપાસના કરનારા પુરુષોના સંગમાં પ્રેમવાળો થયો.૬
હે રાજન્ ! ત્યારપછી તો તે બ્રાહ્મણ સ્વધર્મનો ત્યાગ કરી શક્તિમાર્ગીઓનો અગ્રેસર થયો, અને ''હું જ સર્વ સિદ્ધોમાં એક શ્રેષ્ઠ સિદ્ધ છું'' એવું એને અભિમાન આવ્યું. તેથી તે ક્રોધથી બળતો બળતો જ્યાં શ્રીહરિ સાથે સિદ્ધો રસોઇ કરતા હતા, ત્યાં બગીચામાં આવ્યો .૭
સમયે મદિરાપાનના મદથી તેનાં નેત્રો ચકળવકળ થતાં હતાં. તે માંસાહારી હતો, તે હમેશાં કુલાષ્ટક નામથી પ્રખ્યાત આઠ પ્રકારની સ્ત્રીઓનાં ગુહ્યાંગોને ધોયેલા કુલવારી નામના જળનું પાન કરતો હતો.૮
સિંદૂરનો ચાંદલો કરેલ લોખંડનું ત્રિશૂળ હાથમાં ધારણ કર્યું હતું, તેમજ સિંદૂર તથા સ્ત્રિના રજ રુધિરથી મિશ્ર કરેલ કુંકુમનો ચાંદલો બે ભ્રૂકુટિના મધ્ય ભાગમાં ધારણ કર્યો હતો.૯
ગળામાં મુંડોની માળા ધારણ કરી હતી. કૃત્રિમ તંત્રગ્રંથમાં પ્રસિદ્ધ કુલ્લા નામની મહાકાલિદેવીનું મનમાં સ્મરણ કરતો અને કુમારી કન્યાઓની ગુદાને ધોએલા જળનો શરીર ઉપર છંટકાવ કરીને આવ્યો. ગર્વથી વારંવાર હસતો અને સુરાપાન કર્યા પછી દાંતોવડે ચાવેલાં કાચાં માછલાંની દુર્ગંધ તેના મોઢેથી આવતી હતી. માથા ઉપર લાલ કપડાંનો દુપટ્ટો બાંધી પિબેક નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે કંઠ સુધી સુરાપાન કર્યું હતું. અન્ય સુરાપાન કરનારાઓમાં તે અનુપમ,તેથી પિબેક એવા સાર્થક નામવાળો હતો.૧૦-૧૧
હે રાજન્ ! તે ગામનાં નરનારીઓ તેની પાસેથી દીક્ષા લઇ તેમનાં શિષ્યો થયાં હતાં. તે સર્વે શિષ્યોની સાથે તે પિબેક તત્કાળ ત્યાં આવ્યો, ને પોતાને જોઈને ભયભીત થયેલા સર્વે સિદ્ધો પ્રત્યે કહેવા લાગ્યો કે, અરે !!! ધૂર્તો ! તમે તમારી જાતને સિદ્ધ માનીને દુર્લભ એવા સિદ્ધ નામને કેમ ધારીને બેઠા છો ? કારણ કે અત્યારે વર્તમાનકાળે આ પૃથ્વી ઉપર હું એક જ સિદ્ધ છું બીજો કોઇ જ નથી.૧૨-૧૩
અરે !! તમારા જેવા હજારોને મેં મારા શિષ્યો બનાવ્યા છે અને જેણે મારું વચન નથી માન્યું તે સર્વેને યમપુરીના અધિકારી પણ મેં કર્યા છે.૧૪
માટે તમે સર્વે યજ્ઞોપવીતની પેઠે કંઠમાં ધારણ કરેલી કંઠીઓ કાઢી નાખો અને તમે જીવવા ઇચ્છતા હો તો અત્યારે જ મારા શિષ્યપણાને પામો.૧૫
જો એ પ્રમાણે નહિ કરો તો મારી આજ્ઞાની રાહ જોઇ રહેલા પહોળા મુખવાળા વીરો તમારું સર્વેનું અત્યારે જ ભક્ષણ કરી જશે.૧૬
તે સમયે પૂર્વે જેમની સિદ્ધાઇ વિષે બહુ સાંભળ્યું હતું તે જ પિબેકને આજે પોતાની આગળ પ્રત્યક્ષ ઊભેલો જોઇ નીલકંઠવર્ણી વિના સર્વે સિદ્ધો ભયભીત થઇ અત્યંત કંપવા લાગ્યા, અરે ! આપણે તેના અત્યારે જ જલદીથી શિષ્યો થઇ જઇએ નહિતર હમણાં જ આપણને એ મારી નાખશે અથવા પાગલ કરી દેશે, પરસ્પર એમ કહેવા લાગ્યા.૧૭-૧૮
હે રાજન્ ! ત્યારે કંઠમાં ધારેલી કંઠીઓને તોડવા તૈયાર થયેલા સિદ્ધોને જોઇ શ્રીહરિ તેમને કહેવા લાગ્યા કે, હે સિદ્ધો ! તમે આ શું કરી રહ્યા છો ? તમે કોઇ પણ પ્રકારની ચિંતા ન કરો. આ તુચ્છ પિબેક તમને શું કરી શકવાનો છે ? એ પિબેક પહેલાં મને તેનો શિષ્ય કરે, પછી ભલે તમે તેના શિષ્યો થાઓ.૧૯-૨૦
હે રાજન્ ! શ્રીહરિએ આ પ્રમાણે સૌને આશ્વાસન આપ્યું. છતાં પણ પિબેકથી અત્યંત ભયભીત થયેલા સિદ્ધો શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે હરિ ! આ પિબેક બીજા સિદ્ધો જેવો સામાન્ય સિદ્ધ નથી, આ તો બહુ બળવાન છે, તેથી ક્ષણવારમાં એ તમને પણ મારી નાખશે.૨૧
હે રાજન્ ! તે સમયે શ્રીહરિને પોતાના સિદ્ધ થતા કાર્યમાં અંતરાયરૂપ થતા જોઇને પિબેક વક્રદૃષ્ટિથી તેમની સામે જોવા લાગ્યો અને પોતાની સમીપે બોલાવવા લાગ્યો.૨૨
ત્યારે ભગવાન શ્રીનીલકંઠવર્ણી પણ તત્કાળ રસોઇ પકાવવાનું બંધ કરીને તેના મનના અભિપ્રાયને જાણી પિબેકની સમીપે આવી તેના સન્મુખ વીરાસને બેસી ગયા.૨૩
તે પિબેકના મુખ સામે જ એક દૃષ્ટિ રાખીને સર્વે સિદ્ધો પણ શ્રીહરિના પાછળના ભાગમાં બેઠા. ત્યારે પિબેક પોતાના મંત્રબળની સામર્થી દેખાડવા લાગ્યો.૨૪
પિબેકે ઘાટાં પાંદડાંઓથી લીલાછમ વડલાના વૃક્ષ ઉપર મલીન મંત્રોથી મંત્રેલા અડદની મુઠ્ઠી ફેંકી, કે તરત જ તે વૃક્ષનાં પાંદડાં સૂકીને પૃથ્વી પર હેઠાં પડયાં, અને વડનું વૃક્ષ સૂકાઇ ગયું, તે જોઇને વર્ણીના સિદ્ધો તો અત્યંત ભય પામવા લાગ્યા.૨૫
આવા પ્રકારનું આશ્ચર્ય જોવા છતાં શ્રીહરિના મનમાં લેશમાત્ર ક્ષોભ થયો નહિ અને સ્થિર બેસી રહ્યા. આ પ્રમાણે નિર્ભયપણે બેઠેલા વર્ણીને જોઇ પિબેકે તેમના પ્રાણ લેવા મંત્રેલા અડદની મુઠ્ઠી શ્રીહરિ ઉપર ફેંકી.૨૬
તેમ છતાં પૂર્વની માફક સ્થિર બેઠેલા શ્રીહરિને જોઇ પિબેક કહેવા લાગ્યો કે, હે વર્ણી ! હું કાળભૈરવની મુઠથી હમણાં તમારો વિનાશ કરું છું. તું તારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લે.૨૭
હે રાજન્ ! આ પ્રમાણે પિબેકે કહ્યું ત્યારે ફાટેલા નેત્રોવાળા અને દુષ્ટબુદ્ધિવાળા પિબેક પ્રત્યે વર્ણીરાજ કહેવા લાગ્યા કે, હે પિબેક ! મને કોઇ ચિંતા નથી. તારામાં જેટલી મંત્રબળની શક્તિ હોય તેટલો પ્રયાસ તું કરી લે.૨૮
હે રાજન્ ! શ્રીહરિનું આવું નિર્ભય વચન સાંભળી પિબેક તેને મારવા કાળભૈરવના વીરોને પ્રેરણા કરી. તે ભૈરવવીરો તો શ્રીહરિની સામે દૃષ્ટિમાંડીને જોવા પણ સમર્થ થયા નહિ. ઉલટાના પ્રેરણા કરનાર પિબેકને જઇને વળગ્યા. તેથી પિબેક મુખમાંથી રુધીરનું વમન કરતો મૂર્છા ખાઇને ધરણીપર ઢળી પડયો, થોડી વાર પછી ફરી સ્વસ્થ થઇને ક્રોધના અતિશય આવેગમાં આવી ઊભો થયો.૨૯-૩૦
હે રાજન્ ! પાણીના કોગળા કરી ફરી પિબેક શ્રીહરિને કહેવા લાગ્યો કે, હે વર્ણી ! તું ધીરો રહે, હમણાંજ બટુક ભૈરવના વીરો તારો વિનાશ કરશે.૩૧
ત્યારે શ્રીહરિએ ફરી કહ્યું કે, મને કોઇ ચિંતા નથી, તારે જે કરવું હોય તે કરી લે. ત્યારે પિબેકે બટુક ભૈરવના વીરોને પ્રેરણા કરી. તે વીરો પણ શ્રીહરિને જોવા સમર્થ થયા નહિ, તેથી તત્કાળ પ્રેરણા કરનાર પિબેક ઉપર જઇને પળ્યા ને ખૂબજ માર્યો.૩૨
તેથી પૂર્વવત્ મૂર્છા ખાઇ પૃથ્વી પર ઢળી પડયો. થોડીવારે ફરી ઊભો થઇ ક્રોધ કરીને શ્રીહરિને કહેવા લાગ્યો કે, હમણાં જ હું મહાકાલિના વીરો મોકલીને તારો ઘાત કરાવું છું, તું ધીરો રહે જે.૩૩
હે રાજન્ ! આ પ્રમાણે કહીને પિબેકે મહાકાલિના વીરોને પ્રેરણા કરી તે પણ તેવી જ રીતે શ્રીહરિની સામે નજર કરવા સમર્થ નહિ થયેલા મહાકાલિના વીરો પાછા વળી પિબેકને વળગ્યા. તેથી તે પૂર્વની જેમ જ મૂર્છા ખાઇ પૃથ્વી પર ઢળી પડયો.૩૪
ફરી ક્ષણવાર રહી ઊભો થયો ને ક્રોધ કરતો શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યો કે, હે વર્ણી તું બેઠો રહેજે, હું હમણાં જ હનુમાનજીના વીરોને મોકલું છું. તે તારો અવશ્ય ઘાત કરશે.૩૫
એમ કહીને પિબેકે શ્રીહરિને મારવા હનુમાનજીના વીરોને પ્રેરણા કરી. તે વીરોએ તો શ્રીહરિને પોતાના સ્વામી શ્રીહનુમાનજીના પ્રાણપ્રિય ઇષ્ટદેવ જાણી નમસ્કાર કરીને ત્યાંથી પાછા વળ્યા; તે પિબેકને ભૂમિ ઉપર પછાડયો.૩૬
ત્યારે પિબેકના મુખમાંથી ઊલટી થવા લાગી ને અતિશય આકુળ વ્યાકુળ થતો મૂર્છા ખાઇ પૃથ્વી પર ઢળી પડયો. તે ફરી બેઠો થવા સમર્થ થયો નહિ. તેના પ્રાણ કંઠે આવી ગયા અને નેત્રો પણ ફાટી ગયાં.૩૭
આપ્રમાણે એમનું મૃત્યુ નજીકમાં આવ્યું હોય તેવા ચેષ્ટારહિત પિબેકને જોઇ તેનાં સંબંધીજનો હાય ! હાય ! અમે મરી ગયાં. તારા વિના અમે કેમ જીવશું ? આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યાં.૩૮
ત્યારપછી તે સર્વે સંબંધીજનો રુદન કરતાં નીલકંઠવર્ણીને વારંવાર પ્રણામ કરી કહેવા લાગ્યાં કે, હે સ્વામી ! અમારા ઉપર દયા કરીને પિબેકને જીવતદાન આપો. કારણ કે તમે સાક્ષાત્ પરમેશ્વર છો. ફરીને તે આવું લોકશાસ્ત્ર-નિંદિત કર્મ ક્યારેય નહિ કરે.૩૯-૪૦
હે રાજન્ ! આ પ્રમાણે વિનંતી કરીને શ્રીહરિની આગળ ચરણર્મં ખૂબ જ ધનનો ઢગલો કર્યો. સર્વે સિદ્ધોને સુંદર ઘી, સાકર તથા અન્નનાં કાચાં સીધાં આપ્યાં. ત્યારે દયાળુ ભગવાન શ્રીહરિએ કૃપા કરીને તે પિબેકની સામે દૃષ્ટિ કરી. શ્રીહરિની કૃપાદૃષ્ટિ થવાથી પિબેક જાગ્રત થયો અને અતિ પ્રેમથી શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ફરી હું આવું કર્મ કદી નહિ કરું, એમ કહીને પોતાના પરિવાર સાથે ઘેર ગયો. હે રાજન્ ! શ્રીહરિએ તે ધન બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. પોતે તો નિઃસ્પૃહ જ રહેતા.૪૧-૪૨
હે રાજન્ ! શ્રીહરિની સાથે આવેલા તે સર્વે સિદ્ધોએ મહા અપરાધી પિબેકને જીવનદાન આપનારા વર્ણીને જગદીશ્વર જાણી આશ્ચર્યની સાથે સાષ્ટાંગ પ્રણામ કરી શ્રીહરિના શિષ્યો થયા.૪૩
પછી તે સર્વેએ રસોઇ બનાવી ભોજન કર્યું અને રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરતા ત્યાં જ રાત્રી વિતાવી.૪૪
પરંતુ શ્રીહરિથી માનભંગ થયેલા પિબેકને પગથી દબાએલા સર્પની જેમ ક્યાંય ચેન ન પડયું, અને તેના સર્વે અંગો ક્રોધાગ્નિમાં બળવા લાગ્યાં, મધ્યરાત્રીએ કાળભૈરવને મહામાંસનું બલિદાન આપી પૂજન કર્યું, અને તેને ત્રણ પ્રકારની સુરા અને પુષ્કળ રુધિરનું પાન કરાવી વર્ણીરાજ શ્રીહરિને મારવાની પ્રેરણા કરી.૪૫-૪૬
તે કાળભૈરવ ભયંકર મુખવાળો, સર્વે અંગે નિવસ્ત્ર, નગ્ન દશામાં રહેતો તેનાં નેત્રો લાલ હતાં, મસ્તક ઉપર વાળ વિખરાયેલાં હતાં, કાજળજેવો કાળોતે કાળભૈરવ હાથમાં ત્રિશૂલ ધારણ કરીને શ્રીહરિને મારવા રાત્રીમાં તેમની સમીપે આવ્યો. પણ શ્રીહરિની નજીક ઊભો રહેવા એક ક્ષણવાર પણ સમર્થ થયો નહિ, તેથી દૂર જઇને ઊભો રહ્યો. ત્યારે નીલકંઠવર્ણી તેમને જોઇને જરા પણ ભય પામ્યા નહિ, પરંતુ પિબેકની દુર્જનતા અને કાળભૈરવની સ્થિતિ જોઇને આશ્ચર્ય સાથે મંદમંદ હસવા લાગ્યા.૪૭-૪૮
હે રાજન્ ! ક્રૂર તે કાળભૈરવ ઊંચા કરેલા હાથમાં ત્રિશૂલ ધારણ કરી પ્રાતઃકાળ સુધી ત્યાં ને ત્યાં ઊભો રહ્યો, સવારે સ્નાન કરવા જતા વર્ણીરાજે તે કાળભૈરવને જોયો, ત્યારે શ્રીહરિના જોવા માત્રથી તે કંપવા લાગ્યો અને પોતાને અહીં આવવાની પ્રેરણા કરનાર પિબેકને જ મારી નાખવાની ઇચ્છાથી શ્રીહરિથી ભય પામતો ત્યાંથી ભાગવા લાગ્યો.૪૯-૫૦
ત્યારે વર્ણીરાજ શ્રીહરિએ ભાગતા કાળભૈરવને કહ્યું કે, હે કાળભૈરવ ! તને અહીં મોકલનાર તે પિબેક બ્રાહ્મણને તું મારીશ નહિ. કારણ કે અમે સર્વે સિદ્ધો તેનું અન્ન જમ્યા છીએ. માટે તેનો વધ કરીશ નહિ.૫૧
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે જે વચનો કાળભૈરવને કહ્યાં તે તેણે પિબેકને આવીને સંભળાવ્યાં. તે સાંભળી પિબેક અતિશય વિસ્મય પામ્યો કે, આટલો બધો અપકાર કરનાર મને કાળભૈરવ થકી જીવતો રાખ્યો માટે તે વર્ણરાજ શ્રીહરિ સાક્ષાત્ પરમેશ્વર છે.૫૨
અંતે પિબેક શ્રીહરિને શરણે :- હે નૃપશ્રેષ્ઠ ! પોતાને જીવતદાન આપી ઉપકાર કરનાર શ્રીહરિનો કાળભૈરવને મારવા મૂકી અપકાર કરનાર પિબેકે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. કાળભૈરવ થકી પુનઃ જીવતદાન આપનાર શ્રીહરિને શરણે જઇ શિષ્યપણું સ્વીકાર્યું.૫૩
હે રાજન્ ! પિબેક પૂર્વે જેવો હતો તેવો જ ધર્મનિષ્ઠ થયો. પાપકર્મથી ભયપામનારો, અને વેદબાહ્ય તેમજ કલ્પિત કૌલાવર્ણ ગ્રંથનો ત્યાગ કરી અને શ્રીમદ્ ભાગવત પુરાણ તથા ભગવાને સ્વમુખે ગાયેલી ગીતાનો પાઠ અને શ્રવણ કરવા લાગ્યો. તેમજ ભગવાન શ્રીહરિને સાક્ષાત્ રાધિકેશ શ્રીકૃષ્ણ જાણી પ્રેમપૂર્વક તેમની ભક્તિ કરવા લાગ્યો.૫૪-૫૫
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિ પોતાની સાથે આવેલા સિદ્ધોને દેશાંતરોમાં વિચરણ કરવાની આજ્ઞા આપી અને એકલા સ્વયં શ્રીહરિએ નવલખા પર્વત તરફ પ્રયાણ કર્યું. હે ભૂપ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિ મનુષ્યનાટયને કરતા અને મનુષ્યોથી ન થઇ શકે તેવાં અનેક દિવ્ય ચરિત્રોને કરતા મહા અજ્ઞાની એવા પિબેક આદિ અનેક મહાગુરુઓમાં રહેલા અધર્મવંશનો પોતાના પ્રતાપથી ઉચ્છેદ કરી સ્વયં શ્રીકૃષ્ણ એવા પોતાની ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને યોગે યુક્ત પરાભક્તિનું પ્રવર્તન કરવા આ પૃથ્વી પર વિચરણ કરતા હતા. આ પ્રમાણે દિવ્યલીલાનો વિસ્તાર કરતા હે નીલકંઠ ભગવાન ! તમે સદાય અમને આનંદ આપનારા થાઓ.૫૬-૫૭
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શક્તિપંથી પિબેકનો પરાજય કરી તેને વૈદિક માર્ગે લાવ્યાનું નિરૂપણ કર્યું એ નામે સુડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૭--