અધ્યાય - ૭૦- ભગવાન શ્રીહરિએ કહેલા પ્રાણ, ઇન્દ્રિયો અને અવસ્થાનાં ગુણરૂપ લક્ષણો.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:30pm

અધ્યાય - ૭૦- ભગવાન શ્રીહરિએ કહેલા પ્રાણ, ઇન્દ્રિયો અને અવસ્થાનાં ગુણરૂપ લક્ષણો.

ભગવાન શ્રીહરિએ કહેલા પ્રાણ, ઇન્દ્રિયો અને અવસ્થાનાં ગુણરૃપ લક્ષણો. દશ ઇન્દ્રિયોનાં લક્ષણો.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે નિત્યાનંદ મુનિ ! વૃક્ષાદિ સ્થાવર તેમજ મનુષ્ય, પશુ આદિ જંગમ જીવો તથા તેમના સ્થાન અને આજીવિકા, સૃષ્ટિ સમે સમાધિદ્વારા વૈરાજપુરુષની સાથે એકતા પામેલા બ્રહ્માજી થકી ઉત્પન્ન થાય છે.૧

જે જીવે પૂર્વ સૃષ્ટિમાં જે કર્મો કરેલાં હોય છે, તે જીવો આ કલ્પમાં બ્રહ્માજી થકી જન્મ પામ્યા પછી ફરી તેજ કર્મો કરવા લાગે છે.૨

તેની જરા વિસ્તારથી વાત કરું તો પૂર્વ કલ્પમાં કર્મો ભોગવતાં ભોગવતાં પ્રલય આવી જવાથી બાકી રહી ગયેલાં સુકૃત, દુષ્કૃત અથવા મિશ્ર એવાં ત્રિગુણાત્મક જે કર્મો હતાં, તે જ કર્મો જન્મતાં વેંત જીવો તત્કાળ પ્રાપ્ત કરે છે.૩

તે કર્મોને અનુસારે જ તેમને દેહ, બુદ્ધિ, આજીવિકા અને ભોગનાં સ્થાન પ્રાપ્ત થાય છે. અને તે બધુ તેને રુચિકર પણ લાગે છે, તેમાં કોઇ સંશય નથી.૪

હે મુનિવર્ય ! આ પ્રમાણે કર્મને વશ જીવો ફરી તેવા જ કર્મો કરવા લાગે છે. તે જીવોનાં સ્થૂળ શરીરો પંચભૂતથી ઉત્પન્ન થયેલાં જાણવા.૫

પંચભૂતોનું હરિઇચ્છાથી પરસ્પર મિલન થાય છે. ત્યારે તેમાંથી ઉત્પન્ન થયેલા સર્વે શરીરોને પણ પાંચભૌતિક શરીરો કહેવાય છે.૬

હે મુનિવર્ય ! સર્વે પ્રાણીઓના દેહમાં એક મહાભૂત પ્રધાન હોય છે. ને બાકીના ચારભૂત ગૌણ હોય છે.૭

તેમાં જ્યારે જે શરીરમાં પૃથ્વી તત્ત્વ પ્રધાન હોય તે શરીરમાં જળ, તેજ, વાયુ અને આકાશ એ ચાર તત્ત્વો ગૌણ હોય છે.૮

તથા જેમાં જળતત્ત્વ પ્રધાન હોય તેમાં પૃથ્વી, તેજ, વાયુ અને આકાશ આ ચાર ભૂતો અવ્યક્ત હોય છે.૧૦

તેમ જ જેમાં તેજ તત્ત્વ પ્રધાન હોય તેમાં પૃથ્વી આદિ ચારભૂતો અવ્યક્ત હોય છે.૧૧

તેવી જ રીતે જેમાં વાયુ તત્ત્વ પ્રધાન હોય તેમાં બીજા ચાર તત્ત્વો અવ્યક્ત હોય છે. અને જેમાં આકાશ તત્ત્વ પ્રધાન હોય તેમાં ચાર અન્ય ભૂતો અવ્યક્ત-ગૌણ હોય છે.૧૨

જે જીવાત્માઓના જેવા દેહો, તેને અનુસાર તેવા લોક પણ હોય છે. અને તેમના સર્વે વૈભવો, ભોગ પણ તેને અનુરૂપ જ હોય છે.૧૩

જેમ કે, પૃથ્વી તત્ત્વ જે જીવાત્માઓના દેહોમાં મુખ્ય હોય તેવા સ્થાવર, જંગમ શરીરો આ પૃથ્વીપર રહે છે, અને જે જીવાત્માઓના શરીરો જળતત્ત્વ પ્રધાન હોય તે વરુણ લોકમાં રહે છે.૧૪

દેવોના સ્વર્ગલોકમાં જે જીવોના દેહો રહેલા છે, તે તેજતત્ત્વપ્રધાન છે, ને વાયુપ્રધાન શરીરવાળા જીવો વાયુલોકમાં રહે છે.૧૫

અને જે જીવોના આકાશતત્ત્વ પ્રધાન શરીરો હોય તે જીવો આકાશમાં ભમે છે. આવા જુદી જુદી પ્રકારના દેહો પ્રાપ્ત થવાનું કારણ એ છે કે, જે જીવનાં જેવાં કર્મ હોય તે જીવને તેવું શરીર પ્રાપ્ત થાય છે.૧૬

સ્થૂલ શરીરનું વિવરણ :- શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છાથી પરસ્પર ભેળા મળેલા પંચમહાભૂતોના પાંચ પ્રકારના વિકારો સર્વે પાંચભૌતિક શરીરોને વિષે જોવા મળે છે. તેને યુક્તિથી જાણવા.૧૭

તે શરીરમાં ચામડી, માંસ, મજ્જા, અસ્થિ અને સ્નાયુ આ પાંચ વિકારો પૃથ્વીના છે. કફ, પિત્ત, વસા-માંસનો ચિકાશ, પરસેવો અને રૂધિર આ પાંચ વિકારો જળના છે.૧૮

ચક્ષુ, ક્રોધ, જઠરાનલ વીર્ય, ને ઉષ્ણતા-ગરમી, આ પાંચ વિકારો તેજના છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પંચપ્રાણ તે વાયુના વિકારો છે.૧૯

શ્રોત્ર, ઘ્રાણ, મુખ, અન્નકોષ્ટ અને હૃદય આ પાંચ વિકારો આકાશના છે. આ પ્રમાણે પંચમહાભૂતોના પચીશ વિકારો શરીરમાં રહેલા છે.૨૦

આવા પચીશ વિકારવાળા શરીરને સ્થૂલ શરીર કહેવામાં આવે છે, તે મળ-મૂત્રથી ભરેલું અપવિત્ર છે. છતાં તેમાં સર્વેને સ્નેહ થાય છે, તેનું કારણ જીવ સત્તાનો સંબંધ છે. જીવ જાય પછી તો કોઇ સ્નેહ કરતું નથી.૨૧

સૂક્ષ્મ શરીરનું વિવરણ :- જીવાત્માના આ સ્થૂલ શરીરને મધ્યે પંચપ્રાણ, દશ ઇન્દ્રિયો તથા મન અને બુદ્ધિનો જે સમૂહ તેને બીજું સૂક્ષ્મ શરીર કહેલું છે.૨૨

આ સૂક્ષ્મ શરીરના તત્ત્વોનું વિવરણ કરીએ, તેમાં પ્રથમ પ્રાણનું વિવરણ કરીએ શરીરમાં એક જ પ્રાણ છે તે ક્રિયાના ભેદથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આમ પાંચ નામથી કહેવાય છે.૨૩

તેવી જ રીતે નાગ, કૂર્મ, કુકલ, દેવદત્ત, ધનંજય, આ પ્રકારના પાંચ અન્ય ભેદો રહેલા છે, તે પ્રાણાદિ પાંચને વિષે સાથે મળીને રહેલા છે.૨૪

તેમાં પ્રાણ હૃદયમાં રહેલો છે, અપાન ગુદામાં, સમાન નાભિમા, ઉદાન કંઠપ્રદેશમાં અને વ્યાન આખા શરીરમાં રહેલો છે.૨૫

શ્વાસોશ્વાસના રૂપમાં આગળ ગતિ કરતો વાયુ પ્રાણ જાણવો. મળ મૂત્રના વિસર્જનમાં નીચે ગતિ કરતો વાયુ ''અપાન'' જાણવો. ખાધેલા અન્નને અને પીધેલા જળાદિકને પોતપોતાના માર્ગ પ્રત્યે લઇ જતો વાયુ ''સમાન'' કહેવાય છે. એક દેહમાંથી બીજા દેહમાં ગતિ કરાવવામાં ઉત્ક્રાંતિ કરાવનારો વાયુ 'ઉદાન' કહેલો છે. અને નખથી શિખા પર્યંત આખા શરીરમાં અવયવોને ચેષ્ટા કરાવતો વ્યાન કહેલો છે, ઓડકાર ખાવાની ક્રિયા કરાવનારો વાયુ 'નાગ' કહેલો છે.નેત્રોને વાયુ મિલન-ઉન્મૂલન કરાવનારો વાયુ 'કુર્મ'કહેલો છે.૨૭

ભૂખને ઉઘાડનારો વાયુ'કુકલ' કહેલો છે. બગાસું ખાવાની ક્રિયા કરાવનારો વાયુ 'દેવદત્ત' કહેલો છે, તથા શરીરનું પોષણ કરવામાં ઉપકાર વાયુ 'ધનંજય' કહેલો છે. આવો સાંખ્ય વિશારદોનો મત છે.૨૮

દેવદત્ત નામનો વાયુ પ્રાણમાં અંતર્લીન થઇને રહેલો છે. કુકલ વાયુ અપાનમાં, ધનંજય વાયુ સમાનમાં, કૂર્મવાયુ વ્યાનમાં અને નાગ વાયુ ઉદાનમાં અંતર્લીન થઇને રહેલો છે. આ પ્રમાણે પાંચ પ્રકારના પ્રાણ કહ્યા તેમજ દશ ઇન્દ્રિયોની વ્યાખ્યા પણ પૂર્વ અધ્યાયમાં જણાવીને હવે તેના લક્ષણો કહીએ છીએ.૨૯-૩૦

દશ ઇન્દ્રિયોનાં લક્ષણો :- જે કર્ણના માધ્યમથી શબ્દ સાંભળી શકાય તેને શ્રોત્ર કહેવાય છે. જેનાથી સ્પર્શનો અનુભવ કરી શકાય તેને ત્વક્-ચામડી કહેવાય છે. જેના માધ્યમથી જીવ રૂપ નિહાળી શકે તેને નેત્ર કહેવાય છે. જેના વડે જીવ રસનો સ્વાદ માણી શકે તેને જીહ્વા કહેવાય છે.૩૧

અને જેનાવડે ગંધ ગ્રહણ કરી શકે તેને નાસિકા કહેવાય છે. અને જેનાથી વચન બોલી શકાય તે ઇન્દ્રિયને વાક્, કહેલી છે. જેનાથી જીવ આદાન-પ્રદાનનો વ્યવહાર કરી શકે તેને પાણિ-હાથ, કહેવાય છે. જેના વડે આવાગમન કરી શકાય તે ઇન્દ્રિયને પાદ-પગ કહેલા છે.૩૨

જે ઇન્દ્રિયથી મળ વિસર્જન થાય તેને ગુદા કહેલી છે. અને જેનાથી મૂત્ર વિસર્જન થાય તેને ઉપસ્થ- શિશ્ન ઇન્દ્રિય કહેલી છે. આ દશે ઇન્દ્રિયોને બાહ્ય કરણ કહેવાય છે.૩૩

અને જે સૂક્ષ્મ શરીરમાં મન કહ્યું, તેને અંતઃકરણ કહેવાય છે. તેવી જ રીતે બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ત્રણને પણ અંતઃકરણ કહેવાય છે.૩૪

હે મુનિવર્ય ! કેટલાક પંડિતો મન અને બુદ્ધિને અભિન્ન કહે છે. જીવ મનથી સંશય અને બુદ્ધિથી નિશ્ચય કરે છે, તેથી તે ભિન્ન છે.૩૫

અહંકાર અને ચિત્તનો પણ મન અને બુદ્ધિમાં અંતર્ભાવ જાણવો. તેમાં અહંકારનો મનમાં અને ચિત્તનો બુદ્ધિમાં અંતર્ભાવ જાણવો. જીવ અહંકારથી દેહમાં હુંપણું ને ચિત્તથી ચેતના પ્રાપ્ત કરે છે.૩૬

આ પ્રમાણે પ્રાણ ઇન્દ્રિયો અને મન બુદ્ધિના સંઘાથવાળા સૂક્ષ્મ શરીરનું વિવેચન કર્યું. હવે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પરસ્પર એક બીજાના આધારે રહે છે. અને એ સૂક્ષ્મ શરીરની મધ્યે કારણ શરીર રહેલું છે.૩૭

તે અવિદ્યામય છે. અને સંચિત કર્મોથી યુક્ત કહ્યું છે. જેમ બીજ ત્વચાથી આવૃત છે. તેમ જીવ અનાદિ બંધનરૂપ તે કારણ શરીરથી આવૃત્ત છે. અહીં જીવ શબ્દ એક વચનમાં કહ્યો છે. તે જીવસમૂહનો જાતિવાચક છે. બાકી જીવોની કોઇ ગણના થઇ શકે નહિ.૩૮

જેમ ગંધ અને પૃથ્વી છૂટા પડતા નથી, તેમ જીવ અને કારણ શરીર છૂટા પડતા નથી. જ્યાં સુધી જીવ મુક્તદશાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે બન્ને અપૃથક્ રહે છે.૩૯

જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાનું નિરૂપણ :- જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે, તે પરસ્પર નહીં મળેલા સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણના કાર્યરૂપ છે. અને પરસ્પર મળી ગયેલા ત્રણ ગુણના કાર્યરૂપ પણ છે.૪૦

વૈરાજપુરુષની સ્થિતિ અવસ્થાના કાર્યરૂપે રહેલી તથા સત્ત્વગુણાત્મિકા તેમજ નેત્રના સ્થાનમાં વાસ કરનારી આ અવસ્થાને જીવની જાગ્રત અવસ્થા કહેલી છે.૪૧

તેમાં પણ વિશ્વાભિમાની નામના આત્માના સ્થૂળદેહના અભિમાને સહિત નેત્રાદિ બ્રાહ્ય ઇન્દ્રિયો દ્વારા તથા મન આદિ આંતર ઇન્દ્રિયોદ્વારા વિવેક પૂર્વક સાન-ભાન સાથે પૂર્વકર્મને અનુસારે શબ્દાદિ પંચ વિષયોને ભોગવવા તે સત્ત્વપ્રધાન જાગ્રત અવસ્થા કહી છે.૪૨-૪૩

જાગ્રત અવસ્થામાં જીવ જ્યારે ભ્રાંતિપૂર્વક અયથાર્થપણે વિષયભોગનો અનુભવ કરે છે. ત્યારે તે રજોગુણ પ્રધાન સત્ત્વગુણવાળી જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અવસ્થા જાણવી.૪૪

જાગ્રત અવસ્થામાં પણ શબ્દાદિ પંચ વિષયોને ભોગવતો જીવ શોક અને પરિશ્રમના કારણે સદ્-અસદ્ના વિવેકે રહિત થઇ મેં આ ભોગવેલું છે, એમ જાણે નહિ તેને તમોગુણ પ્રધાન સત્ત્વગુણવાળી જાગ્રત અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા રહેલી છે, એમ જાણવું. હે મુનિવર્ય ! જાગ્રત અવસ્થામાં કર્મફળપ્રદાતા પણે વૈશ્વાનર નામે વૈરાજપુરુષરૂપે રહેલા શ્રીવાસુદેવ ભગવાન છે.૪૫-૪૬

સત્પુરુષ અને સત્શાસ્ત્રના પ્રસંગથી તથા બ્રહ્મવિદ્યાના અભ્યાસથી જીવને આ પૂર્વોક્ત જાગ્રત અવસ્થાના ત્રણ ભેદથી અલગ રહેલા પોતાના આત્માનું જ્ઞાન જે પદથી થાય છે. તે પદ કર્મફલપ્રદાતારૂપે અંતર્યામીપણે રહેલું છે, તે પદ શ્રીવાસુદેવ ભગવાનના સ્વરૂપને તૂર્ય નામથી કહેવાય છે.૪૭

ત્રણ ભેદવાળી આ જાગ્રત અવસ્થામાં જે ગુણોની પ્રધાનતા કહી અને કહેવાશે તે પ્રધાનતા તો જીવના કર્માનુસાર જાણવી, અર્થાત્ જીવ જેવું કર્મ કરે છે, અંતર્યામીપણે રહેલા ભગવાન તેને તેવું ફળ આપે છે.૪૮

હે મુનિ ! હવે સ્વપ્નાવસ્થા કહું છું. હિરણ્યગર્ભની ઉત્પત્તિ અવસ્થાના કાર્યરૂપે કંઠપ્રદેશમાં રહેલી રજોગુણી અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેલી છે. ૪૯

તેનું લક્ષણ એ છે કે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત તૈજસ નામે જીવાત્મા પૂર્વકર્માનુ સારે ઇન્દ્રિય મન અને બુદ્ધિથી પ્રિય અપ્રિય તેમજ ક્ષણે ક્ષણે વિનાશ પામતા જેથી અસ્થિર એવા ભોગોને જે અવસ્થામાં રહીને ભોગવે છે, એ પદને રજોગુણ પ્રધાન સ્વપ્નાવસ્થા કહેલી છે.૫૦-૫૧

હવે સ્વપ્નમાં જાગ્રત કહું છું કે, જ્યારે જીવ જાગ્રત અવસ્થાની પેઠે વિવેકજ્ઞાને સહિત જાણતો થકો સ્વપ્નામાં પણ શબ્દાદિ પંચવિષયોને ભોગવે છે, ત્યારે તે સત્વગુણ પ્રધાન રજોગુણાત્મક સ્વપ્નાવસ્થામાં જાગ્રત અવસ્થા કહી છે. હવે સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા કહું છું, સ્વપ્નાવસ્થામાં ભોગ ભોગવવા છતાં જીવ જડતાના કારણે સ્વપ્નમાં ભોગવેલા ભોગનું પ્રિય અપ્રિયપણું જાણી શક્તો નથી તેથી એ અવસ્થાને તમોગુણ પ્રધાન રજોગુણાત્મિકા સ્વપ્ન અવસ્થામાં રહેલી સુષુપ્તિ અવસ્થા જાણવી. આ સ્વપ્નાવસ્થામાં જીવને કર્મ પ્રમાણે શુભ-અશુભ ફળ આપનારા હિરણ્યગર્ભનારૂપમાં રહેલા શ્રીવાસુદેવ છે.૫૨-૫૪

સ્વપ્નાવસ્થામાંથી નીકળી જાગ્રતની પ્રબુદ્ધ દશામાં આવી ગયેલા જીવાત્માને પૂર્વોક્ત સંત તથા સત્શાસ્ત્રના પ્રસંગથી અને બ્રહ્મવિદ્યાના અભ્યાસથી આ સ્વપ્નાની ત્રણે અવસ્થાથી પર રહેલા પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન જે પદથી થાય છે, તેને તુરીયપદ કહે છે, તે પદ સદાય પ્રકાશમાન છે.૫૫

હે મુનિ ! હવે સુષુપ્તિ અવસ્થા કહીએ છીએ, ઇશ્વરની પ્રલયાવસ્થાના કાર્યરૂપ તથા તમોગુણાત્મક ને હૃદયસ્થાનમાં રહેલી અવસ્થાને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે.૫૬

આ અવસ્થામાં જ્યારે બ્રાહ્ય ઇન્દ્રિયોની વૃત્તિ અને અંતઃકરણની વૃત્તિ તથા ભોગવાસના તથા જીવની જ્ઞાતૃત્વ અને કર્તૃત્વ શક્તિ પણ કારણ શરીરમાં લીન થઇ જાય છે.૫૭

ત્યારે તે કારણ દેહનો અભિમાની પ્રાજ્ઞા નામે જીવાત્મા સગુણ બ્રાહ્મના સુખલેશમાં અતિશયલીન થઇને રહે છે. તે અવસ્થાને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહેલી છે.૫૮

હવે એ સુષુપ્તિમાં સ્વપ્ન કહીએ છીએ. આ સુષુપ્તિમાં પૂર્વ જાગ્રત અવસ્થામાં અતિશય તીક્ષ્ણપણે કહેલા કર્મના સંસ્કારને વશવર્તીને કર્મ કરનાર જીવની વૃત્તિનું જે ઉત્થાન થાય છે. તેને રજોગુણપ્રધાન તમોગુણવાળી સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થા કહેલી છે.૫૯

હવે સુષુપ્તિમાં જાગ્રત કહીએ છીએ. જાગ્રત ને સ્વપ્નાવસ્થામાં ભોગવેલી વ્યથાના સંતાપને કારણે સુષુપ્તિ અવસ્થામાં અનુભવેલા સુખમાં ફરી પ્રવેશ કરતી કર્તૃવૃત્તિના પ્રતિલોમપણાનું સુષુપ્તિ અવસ્થામાં જે જ્ઞાન વર્તે છે, તે જ્ઞાનને સત્ત્વગુણપ્રધાન તમોગુણાત્મિકા સુષુપ્તિ અવસ્થામાં રહેલી જાગ્રત અવસ્થા કહે છે. આ સુષુપ્તિ અવસ્થામાં જીવના શુભ અશુભ કર્મનું ફળ આપનારા ઇશ્વર નામે શ્રીવાસુદેવ મનાયેલા છે.૬૦-૬૧

સુષુપ્તિ અવસ્થામાંથી બહાર નીકળી પ્રબુદ્ધદશામાં આવેલા જીવને પૂર્વોક્ત સંત તથા સત્શાસ્ત્રના પ્રસંગથી અને બ્રહ્મવિદ્યાના અભ્યાસથી આ સુષુપ્તિ અવસ્થાની ત્રણે અવસ્થાથી પર રહેલા સ્વસ્વરૂપનું જ્ઞાન જે પદથકી પ્રાપ્ત થાય તે શ્રીવાસુદેવના પદને તુરીયપદ કહેલું છે. તે પદને સૂક્ષ્મ જ્ઞાનદૃષ્ટિથી જાણવું.૬૨

સત્ત્વ, રજ અને તમ,આ ત્રણ ગુણોનાં લક્ષણોનું નિરૂપણ :- હે મુનિ ! સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો કહેલા છે. તે ગુણો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થાના મૂળભૂત કારણ છે, તેમને તેમનાં લક્ષણોથી જાણવા.૬૩

પ્રથમ સત્ત્વગુણનાં લક્ષણ કહીએ છીએ. સત્ત્વ, ધૈર્ય, આનંદ, ઐશ્વર્ય, પ્રીતિ, પ્રાકાશ્ય, વસ્તુનું યથાર્થ જ્ઞાન, સજ્જનોનો સંગ, આરોગ્ય, સંતોષ, શ્રદ્ધા, અકાર્પણ્ય, અદીનપણું, અક્રોધ, ક્ષમા, ધીરજ, અહિંસા, સમતા, સત્યભાષણ, ઋણરહિતતા, મૃદુતા, લજ્જા, અચપળતા, પવિત્રતા, સરળતા, સદાચરણ, અતૃષ્ણા, હૃદયમાં આકુળતા રહિતપણું, ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર કર્મોની પ્રશંસાનો ત્યાગ, દાનથી થતો અનુગ્રહ, અસ્પૃહા, વૈરાગ્ય, યથાશક્તિ પરનું હિત, સર્વજીવપ્રાણીમાત્ર ઉપર દયા આ સર્વે તથા શમ, દમ, તપ, સ્મૃતિ, આત્મસુખનો અનુભવ વગેરે સત્ત્વગુણના લક્ષણો છે.૬૪-૬૭

હવે રજોગુણનાં લક્ષણ કહીએ છીએ, અનેક પ્રકારના રસની ઇચ્છા, અસ્થિરતા, રૂપનું નિરૂપણ, ઐશ્વર્ય, પ્રભાવ દેખાડવાની ઇચ્છા, વિગ્રહ- વિરોધી કર્મ દ્વારા યુદ્ધ કરવાની રૂચિ, સુપાત્રમાં પણ દાન ન કરવું, દયાનો અભાવ, દુઃખમિક્ષિત સુખનું સેવન, સ્વાર્થની સિધ્ધિ માટે અન્ય ઉપર મિથ્યાપવાદની રૂચિ, વિવાદો કરવામાં પ્રીતિ, અહંકાર, કોઇનો પણ સત્કાર ન કરવો, ચિંતા, વેરનું સતત સેવન, લેવા દેવા વિના પરિતાપ કરવો, કોઇ પણ રીતે પરધન હરવાની વૃત્તિ, બેશરમીનું વર્તન, સરળતાનો અભાવ, પક્ષપાતપણાની બુદ્ધિ, કઠોરતા, હિંસા, કામ, ક્રોધ, મદ, અક્ષમા, અન્યની મશ્કરી કરવી, અસંતોષ, ઇચ્છિત લાભમાં છકી જવું, આ સર્વે રજોગુણનાં લક્ષણો છે. હવે તમોગુણના લક્ષણો કહીએ છીએ.૬૮-૭૧

તામિસ્ર, ક્રોધ, અંધતામિસ્ર, દુર્મરણ, તમ, અજ્ઞાન, મોહ, ગ્રામ્યભોગ ભોગવવાની ઇચ્છા, કાર્ય અકાર્યનો અવિવેક, પ્રમાદ, વ્યથા, ભય, અસમૃદ્ધિ, દીનતા, શોક, તંદ્રા, આળસ, વિષાદ, શરીરપર અત્તર લગાવવાનો શોખ, અનેક પ્રકારનાં વસ્ત્રો પહેરવાનો શોખ, હમેશાં રમતમાં રૂચિ, પુષ્પના હાર ધારણ કરવામાં તથા શયનમાં રૂચિ, દિવસે સુવાની રૂચિ, પરનિંદામાં રૂચિ, નૃત્ય કરવું, વાજિત્રો વગાડવાં, ગીત ગાવાં, એ આદિકમાં પોતાની કોઇ લાયકાત ન હોય છતાં તેમાં અતિશય શ્રદ્ધા દેખાડવી, ધાર્મિક જનોનો દ્વેષ કરવો, આ સર્વે તમોગુણનાં લક્ષણો છે. આ પ્રમાણે તમારે ત્રણે ગુણનાં લક્ષણો જાણી રાખવાં. આ લક્ષણોનો વિશેષ વિસ્તાર ભગવદ્ગીતા, મોક્ષધર્મ અને શ્રીમદ્ભાગવતના અગિયારમાં સ્કંધ થકી જાણી લેવો.૭૨-૭૫

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞાનાં લક્ષણોનું નિરૂપણ :- ક્ષેત્ર એટલે શું ? તો અધ્યાત્મ ને અધિદૈવ સહિત તથા ઇન્દ્રિયો અને તેના દેવતાઓએ સહિત સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ આ ત્રણ દેહો, સત્ત્વ, રજ અને તમ, આ ત્રણ ગુણો, તેમજ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાને ક્ષેત્ર કહેવાય છે.૭૬

આ ક્ષેત્રને જે જાણે છે તે જીવાત્માને ક્ષેત્રજ્ઞા કહેવાય છે. એ ક્ષેત્રજ્ઞા એવો જીવ સામાન્ય સત્તાથી આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે.૭૭

રત્નદીપની જેમ સદાય પ્રકાશિત, જ્ઞાતા, અણુ સરખો સૂક્ષ્મ અને નિત્ય એવો ક્ષેત્રજ્ઞા જીવ વિશેષ સત્તાએ કરીને હૃદયમાં નિવાસ કરીને રહેલો છે.૭૮

હે વિશુદ્ધબુદ્ધિવાળા નિત્યાનંદ મુનિ ! આ પ્રમાણે અમે જે જીવને ક્ષેત્રજ્ઞા કહ્યો, તે ક્ષેત્રજ્ઞા જીવનું સ્વરૂપ સારી રીતે જાણવા માટે ફરી મોક્ષધર્મમાં દેખાડેલા તેના અધ્યાત્મ આદિક ભેદો તમને કહીએ છીએ તેનું તમે શ્રવણ કરો.૭૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં પંચપ્રાણ, દશ ઇન્દ્રિયો, ત્રણ અવસ્થા અને ત્રણ ગુણના લક્ષણોનું નિરૂપણ કર્યું, એ નામે સીત્તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૭૦--