તરંગ - ૧૧ - માર્કંડેય મુનિએ શ્રીહરિનાં નામકરણ કહ્યાં

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:23pm

 

પૂર્વછાયો- એક સમે માર્કન્ડેય મુનિ, આવ્યા છુપૈયા મોઝાર । દર્શન કાજે દયાળનાં, ધર્મદેવ તણે દ્વાર ।।૧।।

હરિપ્રસાદજી હર્ષથી, ઉભા થયા તેહવાર । આસન આપી પૂજા કરી, બહુ કર્યો સત્કાર ।।૨।।

જ્યોતિર્વિદ જાણ્યા પછે, કહે ધર્મ સુખધામ । મુનિવર મુજ પુત્રનું, નામકરણ કરો આજ ।।૩।।

ત્રણ્ય વર્ષના તે થયા, પુત્ર અમારા આજ । માટે ભવિષ્ય ભાખો તમે, એ નક્કી કરો મહારાજ ।।૪।।

ચોપાઇ- એ વચન સુણી મુનિજનરે, પ્રેમ સહિત થયા પ્રસન્નરે । નામકર્ણ કરે ઋષિરાજરે, તમો સુણો કહું ધર્મ આજરે ।।૫।।

ધર્મનું સ્થાપન આ કરશેરે, તમારી આપદાને હરશેરે । જે કોઇ એનો આશ્રય ધર્શેરે, તેની પણ રુડી રક્ષા કરશેરે ।।૬।।

કર્ક રાશિમાં જન્મ નિવાસેરે, માટે હરિ એવું નામ થાશેરે । તવ પુત્રનોછે કૃષ્નવર્ણરે, સૌનાં મન કરી લેશે હર્ણરે ।।૭।।

૧મધુમાસમાં જન્મનાં દ્રશ્નરે, કેવાશે તેથી પ્રખ્યાત કૃષ્નરે । જ્યારે બે નામ ભેગાં તે થાશેરે, ત્યારે હરિકૃષ્ન તે કેવાશેરે ।।૮।।

એના હાથમાં પદ્મનું ચિહ્નરે, મોટા મુનિ તે થાશે આધીનરે । બેઉ ચર્ણવિષે રંગચોળરે, ઉર્ધ્વરેખા આદિ ચિહ્ન સોળરે ।।૯।।

માટે થાશે તે જક્ત નિયંતારે, બહુનામી એ છે બળવંતારે । તપ ત્યાગ જોગ ધર્મ જ્ઞાનરે, તેમાં થશે ૨પિનાકી સમાનરે ।।૧૦।।

માટે નિલકંઠ એવું નામરે, કેવાશે જક્તમાં ઠામોઠામરે। વળી અનંત કલ્યાણકારીરે, ગુણવંત થાશે ગિરધારીરે ।।૧૧।।

અનેક જીવને ભગવાનરે, નિશ્ચે કરશે સમાધિવાનરે । નિજ ધામ દેખાડી અજીતરે, સુખી કરશે જન અમિતરે ।।૧૨।।

વળી બીજાં તમારાં જે કષ્ટરે, નટવર કરશે તે નષ્ટરે । એવું કહી માર્કન્ડેય ઋષિરે, પામ્યા વિરામને પામ્યા ખુશીરે ।।૧૩।।

પછે હરિપ્રસાદજી પ્રીતેરે, દિધિ દક્ષિણાઓ રૂડિરીતેરે । વસ્ત્રાભૂષણ નાનાપ્રકારરે, આપ્યાં આનંદે પર્મ ઉદારરે ।।૧૪।।

થયા પ્રસન્ન ત્યાં મુનિરાજરે, ચાલ્યા શિષ્ય સાથે કરી કાજરે । તારે હરિ ઇચ્છા બળવાનરે, ઋષિને થયું સમાધિ જ્ઞાનરે ।।૧૫।।

તે સમાધિમાં એમ જણાવ્યુંરે, મુનિવરને તે મન ભાવ્યુંરે । આગે કાળે કરી સોહાવજ્યોરે, ગુર્જરધર દેશ આવજ્યોરે ।।૧૬।।

મહાનુભાવ અક્ષરમુક્તરે, તેમાં રાખીશું તમોને જુક્તરે । થાશે ત્યાં અમારો સમાગમરે, રાખીશું તમોને ત્યાં અનુક્રમરે ।।૧૭।।

એવી રીતે શ્રીહરિ સાક્ષાતરે, સમાધિમાં જણાવી છે વાતરે । પછે ચાલ્યા તે થઇ તૈયારરે, ધર્માદિકે વળાવ્યા છે સારરે ।।૧૮।।

નારાયણસરોવર તીરરે, બોલ્યા ધર્મસાથે મતિ ધીરરે । તમારા પુત્રજે ઘનશ્યામરે, સુણો તેના કહું ગુણ-ગ્રામરે ।।૧૯।।

બ્રહ્મમોલના એ છે નિવાસીરે, અક્ષરાધિપતિ અવિનાશીરે । અનંત કોટી બ્રહ્માંડ ધારીરે, અવતારના છે અવતારીરે ।।૨૦।।

જેની કટાક્ષે કંપે છે કાળરે, તેની ભક્તિ કરે લોકપાલરે । એની આજ્ઞાથી વૃત્તિ વિરામેરે, ચંદ્ર સૂર્ય ઉદે અસ્ત પામેરે ।।૨૧।।

શેષ મહેશને સરસ્વતીરે, કરે નિત્ય સ્મરણ શુદ્ધ મતિરે । જેની બીક ધરે યમરાયરે, એની મરજીયે સહુ થાયરે ।।૨૨।।

એમ કહીને ત્યાંથી સિધાવ્યારે, મીન સાગર ઉપર આવ્યારે । ઉત્તર દિશે મધુનું વૃક્ષરે, તેના હેઠે છે ઓટો પ્રત્યક્ષરે ।।૨૩।।

તે જગ્યા પર શિષ્ય સહિતરે, રહ્યા મુનિ ત્યાં ભેદ રહિતરે । એક રજની દિન તેસ્થાનરે, ધર્યું શ્રીઘનશ્યામનું ત્યાં ધ્યાનરે ।।૨૪।।

ત્યાંથી અયોધ્યાપુરી થઇનેરે, રયા પ્રયાગ વિષે જઇનેરે । સમાધિમાં પામ્યા ઉપદેશરે, મારકંડેય મોટા મુનિશરે ।।૨૫।।

ત્યાર પછે ગયાં ઘણાં વર્ષરે, ભેટયા છે શ્રીહરિ ઉત્કર્ષરે । ગુજરાત મધ્યે ઉંઝા ગામરે, મળ્યા મહાપ્રભુને તે ઠામરે ।।૨૬।।

પરમહંસ થયા ત્યાં પવિત્રરે, જોગ લીધો થયા પ્રભુ મિત્રરે। કરુણા કરીને સુખકંદરે, નામ પાડયું મહાનુભાવાનંદરે ।।૨૭।।

હવે સુણો થઇ સાવધાનરે, સાત માસના છે ભગવાનરે । માતાએ કર્યો મન વિચારરે, કાન વિંધાવા કર્યા તૈયારરે ।।૨૮।।

દ્વાર આગળ ચોતરો જેહરે, આંબલીના તરૂતળે તેહરે । બેઠાં ત્યાં જઇને મૂર્તિમાતારે, લીધા ઉત્સંગમાં ભયત્રાતારે ।।૨૯।।

કાન વિંધાવે છે જેણી વારરે, તેજ નિકળ્યું અપરમપારરે । વિંધનારાની આંખો અંજાઇરે, ભય પામ્યો પાડી ચીસ ત્યાંઇરે ।।૩૦।।

જુવે આજુ બાજુમાંય ત્યાંઇરે, નથી દેખતો બી તે કાંઇરે । એટલામાં થયા છે અદર્શરે, કરે આંબલી ડાળનો સ્પર્શરે ।।૩૧।।

બેઠા તે પર જઇ અભિરામરે, માતા સામું જુવે ઘનશ્યામરે । મોટાભાઇને માતા બોલાવેરે, કર લાંબો કરીને બતાવેરે ।।૩૨।।

જુવો હરિ બેઠા છે જૈ ડાળેરે, એણે તેડી લાવો આણે કાળેરે । એવું સુણતામાં મોટાભાઇરે, ચડયા ડાળપર ધીરા રઇરે ।।૩૩।।

ત્યાંતો નટવર આવ્યા નીચેરે, બેઠા માતુના ઉત્સંગ વચેરે । પ્રેમવતીના ખોળામાં બેઠારે, ભાઇ ડાળ પરથી આવ્યા હેઠારે ।।૩૪।।

નીચે જુવે તો માતાની પાસરે, બેઠા ઉત્સંગમાં અવિનાશરે । વળી ઉંચું જુવે છે તો ડાળરે, બીજે રૂપે દિઠા ત્યાં દયાળરે ।।૩૫।।

વૃષમૂર્તિ ૧ચક્રિપતિ જેહરે, કાનનો વિંધનારો છે તેહરે । એ આદિને બતાવ્યો પ્રતાપરે, બોલ્યા અદૃષ્ય રુપેથી આપરે ।।૩૬।।

દીદી ગોળ આપો સાચું કૈયેરે, ત્યારે તો કાન વિંધાવા દૈયેરે । ગોળ લાવો તેવુંજ સાંભળીરે, કહે છે ઘનશ્યામને વળીરે ।।૩૭।।

લ્યો આ ગોળ જમો આંહિ આવોરે, ડાહ્યા થઇને કર્ણ વિંધાવોરે । એટલે આવ્યા કૃષ્ણજી તર્તરે, માતા પાસે ઉભા બાંધી સર્તરે ।।૩૮।।

લાવી ગોળ આપ્યો તે હરિનેરે, કર ફેરવે શિર ફરીનેરે । વાલિડે ત્યારે કાન વિંધાવ્યારે, માતાપિતાતણે મનભાવ્યારે ।।૩૯।।

એમ અદ્ભુત લીલા અપારરે, કરે પ્રીતમ વારમવારરે । પામ્યા આશ્ચર્ય સર્વે તે મનરે, છુપૈયાપુરના વાસી જનરે ।।૪૦।।

વળી કોઇક એક અસુરરે, પોતાનું વૈર સંભારી ઉરરે । ભુંડો ભારે ભયંકર ભ્રષ્ટરે, મહામલિન મતિ છે નષ્ટરે ।।૪૧।।

ઘણો ક્રોધી વિરોધી ગમારરે, છાનો આવ્યો છુપૈયા મોઝારરે ।।૪૨।।

એવા ઘડતો તે મન ઘાટરે, આવ્યો અભાગી વ્યોમની વાટરે । દૈત્યનો દેહ ધારણ કીધોરે, મોટો પથ્થર કરમાં લીધોરે ।।૪૩।।

આવે આકાશમારગે ચાલ્યોરે, તેને ભૂધરભ્રાતાએ ભાળ્યોરે । પ્રભુ પોઢયા છે પલંગમાંયરે, જાણ્યું અંતરયામીએ ત્યાંયરે ।।૪૪।।

વાલિડો કરે મન વિચારરે, હવે શું કરવું નિરધારરે । માતાપિતા વળી વડાભ્રાતરે, નથી જાણતા કોઇ આ વાતરે ।।૪૫।।

નાખશે શિલા જો પાપી જનરે, તર્ત ભાંગી પડશે ભવનરે । રામપ્રતાપ મૂર્તિને ધર્મરે, ગોમતી ગાય ઘરમાં પરમરે ।।૪૬।।

એઆદિ સર્વે દબાઇ મરશેરે, પછે કેમ કરી ઉગરશેરે । એમ જાણી આળશ મરડીરે, કરી દુષ્ટને દૃષ્ટિ કરડીરે ।।૪૭।।

કર્યો સંકલ્પ પાછો ફરજ્યોરે, પાપી એની માયામાં મરજ્યોરે । એવો વિચાર કર્યો છે જ્યાંયરે, ભમે અસુર તે નભમાંયરે ।।૪૮।।

ફરે આકાશમાં એમ ફેલીરે, છુપૈયાપુરની હદ મેલીરે । ઘણો આકુળ વ્યાકુળ થાયરે, ગતિભંગ થયો ગભરાયરે ।।૪૯।।

એમ ભમતો થકો અસુરરે, ગયો અંત્રિક્ષ મારગે દૂરરે । ધોળા પર્વતની તળેટીમાંરે, પડયો આવી તે મર્ણ ઘાંટીમાંરે ।।૫૦।।

તેણે કરીને કેટલાં વૃક્ષરે, ભાંગી ચૂર્ણ થયાં છે પ્રત્યક્ષરે । શિલા નીચે દબાણો વિકારીરે, મર્ણ પામી પડયો તે સુરારીરે ।।૫૧।।

એનું મર્ણ થયું એમ જાણીરે, દેવતા કહે વાત વખાણીરે । કરે પુષ્પની વૃષ્ટિ અપારરે, મુખે બોલે જયજયકારરે ।।૫૨।।

વર્ષે ચંદનનો વરસાદરે, કરે હર્ષથી દુંદુભી નાદરે । સહુ અમર અંત્રિક્ષ રૈનેરે, બોલે સ્તુતિ ગદગદ થૈનેરે ।।૫૩।।

પ્રેમ સહિત કરે પ્રણામરે, ગયા ૧ત્રિદશ પોતાને ઠામરે । આવું અદ્બુત આશ્ચર્ય જોઇરે, પુરવાસી પુછે પ્રીતપ્રોઇરે ।।૫૪।।

પરસ્પર કહે છે તે વાતરે, સહુ રાજી થયાં છે સાક્ષાતરે । શ્રીઘનશ્યામની ઇચ્છા જાણીરે, થઇ આકાશે ગંભીર વાણીરે ।।૫૫।।

કહ્યું અથ ઇતિ વરતાંતરે, ધર્માદિક થયા સહુ શાંતરે । પામ્યાં સર્વ તે આનંદ મનરે, જનભાગ્ય વખાણે છે ધન્યરે ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે માર્કંડેય મુનિએ શ્રીહરિનાં નામકરણ કહ્યાં એ નામે અગિયારમો તરંગઃ ।।૧૧ ।।