તરંગ - ૧૨ - શ્રી હરિએ ધર્માદિકને બદ્રિકાશ્રમ સહિત નર-નારાયણનાં દર્શન કરાવ્યાં

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:24pm

 

પૂર્વછાયો- એક સમે ગૌરી મામીને, ચમક મુંઝારો થયો । સગા સંબંધી સર્વે મળી,સમૂહ વિટાઇને રહ્યો ।।૧।।

પારણું લાવ્યા ઓશરીમાં, પોઢાડયા પ્રાણજીવન । ભક્તિ પોતાની ભાભી પાસે, ગયાં ઉદાસી મન ।।૨।।

ભજન કરે ત્યાં ભાવથી, એમ થઇ ઘણીવાર । ક્ષુધા લાગી ઘનશ્યામને, કરે છે મન વિચાર ।।૩।।

ચોપાઇ- માતાને તો ઘણી થઇ વાર, હાલ આવશે નહિ નિરધાર । મુને ક્ષુધા લાગી આજ ઘણી, ચાલો જઇએ માતુશ્રીના ભણી ।।૪।।

એમ ધારીને ઝબકી જાગ્યા, ઉંચે સ્વરવડે રોવા લાગ્યા । શબ્દ સુણ્યો માતાયે શ્રવણે, પણ તે વાત મન ન ગણે ।।૫।।

ભક્તિ આવ્યાં નહિ ત્યાંથી ઘેર, પ્રભુ સમજી ગયા તે પેર । ઉઠયા પારણેથી અવિનાશ, તર્ત આવ્યા માતાજીને પાસ ।।૬।।

બાયું બેઠી માજીને ભુવન, જઇ બેઠા તે મધ્યે જીવન । માંદગીથી ઉદાસી છે મન, બોલ્યાં માતાજી નર્મ વચન ।।૭।।

સુણો હે પુત્ર લાડીલા સાર, જણાવો છો પ્રભુતા અપાર; નિત્ય નિત્ય પ્રતાપ દેખાડો, મામીને કેમ નવ જીવાડો ।।૮।।

એવું વચન સુણી તત્કાળ, જોયું મામીના સામું દયાળ । કરી છે અમૃત દૃષ્ટિ જ્યાંયે, તર્ત મામી બેઠાં થયાં ત્યાંયે ।।૯।।

જુવો હરિએ કર્યો છે જોગ, મટી ગયો મામીનોતો રોગ । જોઇ પ્રતાપ જોડયા છે પાણ, કરે પ્રારથના મિષ્ટ વાણ ।।૧૦।।

સુણો ઘનશ્યામભાઇ મર્મ, તમેતો દિશો પૂરણબ્રહ્મ । પુરૂષોત્તમજી બળવાન, અક્ષરાધિપતિ છો નિદાન ।।૧૧।।

હું તો ગઇતી અક્ષરમાંયે, દિઠું દિવ્ય સિંહાસન ત્યાંયે । તેના ઉપર વિરાજ્યા તમે, હાલ નજરે જોયું તે અમે ।।૧૨।।

અનંત કોટી મુક્તે સહિત, તેમાં છો તમે અક્ષરાતીત । ત્યાં કરતી હતી દરશન, ધન્ય ભાગ્ય માન્યું તું મેં મન ।।૧૩।।

તેવામાં મુને આંહિ બોલાવી, આપની આજ્ઞા પ્રમાણે આવી । ત્યાંનું સુખ અલૌકિક જોયું, તવ મૂર્તિ વિષે મન મોહ્યું ।।૧૪।।

આવી વાત સુણિ છે તે ટાંણે, છુપૈયાપુરવાસી વખાણે; પ્રેમવતી થયાં પ્રેમવાન, તેડિને કરાવે સ્તનપાન ।।૧૫।।

ફેરવે હરિને શિર હાથ, એમ સર્વેને કર્યાં સનાથ । સુખ પામ્યાં છે માતાપિતાય, કેતાં પાર ન પામી શકાય ।।૧૬।।

હવે માતાજી પુરણ ભાવે, પ્રભુને ચાલતાં તે શિખાવે; કરની આંગળીયો ઝલાવે, પ્રાણજીવનને તે ચલાવે ।।૧૭।।

કર પકડીને લાવ્યાં બાર, ચોક સુધી ચલાવ્યા તે ઠાર । થોડો લેવા દીધો છે વિશ્રામ, પાછા લાવ્યાં જ્યાં પોતાનું ધામ ।।૧૮।।

એવે સમે લક્ષ્મીજી ત્યાં આવ્યાં, નિજ સાહેલીને સંગ લાવ્યાં । શ્રીહરિની લીલાને ત્યાં જોવા, પ્રાણપતિ વિષે મન મોવા ।।૧૯।।

બેઠાં અદૃષ્ય થઇને કમલા, જુવે ચોતરે રહી વિમલા । જોઇ નટવરજીની ચાલ, નિરખી નિરખી થયાં ન્યાલ ।।૨૦।।

સખીને કેછે પ્રેમ કરીને, જા ચકલીનું રૂપ ધરીને । ઘરદ્વારનો ટોડલો એશ, તેના ઉપર જૈને તું બેસ ।।૨૧।।

ત્યાંથી ઉડી જાજે તત્કાળ, જોને શું કરે છે એ કૃપાળ । સખી થઇ છે ચકલી રૂપ, રંગ કુંદન જેવો અનુપ ।।૨૨।।

ત્યાંથી ઉડીને આવે છે ચાલી, કર વધારી હરિએ ઝાલી । બાળ લીલા કરી ભગવાન, પડયા પૃથ્વી ઉપર તે સ્થાન ।।૨૩।।

ઝાલી રહ્યા છે શ્રી જગદીશ, પાડે ચકલી ત્યાં ઘણી ચીશ । જોઇ માતા કરેછે વિચાર, કરશે ચકલી ચંચુનો પ્રહાર ।।૨૪।।

એમ જાણીને ઝાલે છે જ્યારે, ચકલી મટી સ્ત્રી થઇ ત્યારે । વસ્ત્ર ઘરેણાં જુક્ત અનુપ, તેજોમયને અદ્બુત રૂપ ।।૨૫।।

ઉભાં શ્રીહરિ સન્મુખ નારી, કર જોડીને સ્તુતી ઉચારી । ૧ઇંદીરાયે કહ્યું મને આજ, માટે ચકલી થઇ મહારાજ ।।૨૬।।

મેં કર્યો ચંચુ તણો પ્રહાર, તમને વાગ્યું હશે નિરધાર । મેં તો ગુનો કર્યો છે તમારો, ક્ષમા કરો અપરાધ મારો ।।૨૭।।

એવું સાંભળી સુંદર છેલે, આશીર્વાદ આપ્યો અલબેલે । પછે લક્ષ્મી થયાં છે પ્રકાશ, આવ્યાં જ્યાં બેઠા છે અવિનાશ ।।૨૮।।

સર્વે ઉભી રહિ છે નમતી, કરે છે કર જોડી વિનતિ । હરિ બોલ્યા કૃપાકરી ત્યાંયે, આવજ્યો કાઠીયાવાડમાંયે ।।૨૯।।

અમારો સારો જોગ ત્યાં થાશે, તમારી ચિંતા તે ટળી જાશે । એવું સુણી લક્ષ્મી ઉત્કર્ષ, થયાં આકાશમાંયે અદર્શ ।।૩૦।।

એમ પામ્યાં છે આનંદ મન, ગયાં કમલા નિજ સદન । એવાં કરે છે કૃષ્ણ ચરિત્ર, શિખે સુણે તે થાય પવિત્ર ।।૩૧।।

પ્રેમવતી જોખન ને ધર્મ; સુરજાબાઇ આદિક પર્મ । બેઠાં છે નિજ ઓસરી જ્યાંયે, પુત્રને લઇ ઉત્સંગમાંયે ।।૩૨।।

હરિનો હાથ ઝાલી પાવન, જુવે માતા રેખાઓ નયન । એટલામાં નિસરીયું તેજ, શ્રીહરિની હથેળીમાં એજ ।।૩૩।।

ચારે દિશાઓમાંહિ ભરાયું, તેમાં બદ્રિકાશ્રમ દેખાયું । મુક્તમંડળ સહિતમેવ, દિઠા નરનારાયણ દેવ ।।૩૪।।

વળી કલાપ ગ્રામના વાસી, જોયા ઋષિજનો યોગાભ્યાસી । નરવીરે કર્યો સતકાર, ભક્તિ ધર્મ આદિને તે ઠાર ।।૩૫।।

બેસાર્યા પછે દર્ભ આસન, માતાના ખોળામાં ભગવન । ઘનશ્યામનું કરે સ્તવન, નરસખા નિરમળ મન ।।૩૬।।

સોળ પ્રકારે કર્યું પૂજન, કરાવ્યાં બદ્રિફલ પ્રાશન । એમ સર્વેનું પૂજન કીધું, નરનારાયણે સુખ લીધું ।।૩૭।।

પછે બોલ્યા પોતે ઘનશ્યામ, સુણો નરવીરાદિ તમામ । આ તમારો છે જે ભર્તખંડ, સ્થાપિશું તમનેજ અખંડ ।।૩૮।।

ગુરજરધરમાં રૂડીપેર, તે મધ્યે અમદાવાદ શેર । રિદ્ધિ સિદ્ધિવાળું છે શ્રીનગ્ર, તેમાં માનશે લોક સમગ્ર ।।૩૯।।

તે સમે ભક્તિધર્મને ચિત્ત, પૂર્વની સ્મૃતિ આવી અમિત । બદ્રિપતિ સમજ્યા વિખ્યાત, મારાં પૂર્વનાં આ માતતાત ।।૪૦।।

કરી પ્રારથના જોડી હાથ, સુણો માતપિતાજી સનાથ । તમ થકી થયા ઉતપન્ન, પુરૂષોત્તમજી ભગવન ।।૪૧।।

હરિકૃષ્ણને શ્રી ઘનશ્યામ, વર્તે છે પોતાનાં બેઉ નામ । કર્યાં તેમનાં દર્શન આજ, થયાં અમારાં પૂરણ કાજ ।।૪૨।।

એવું સુણી સહુ થયાં રાજી, સુખ પામ્યાં છે અપાર માજી । જુવો કૃષ્ણે એ કારજ કીધું, તેજ પોતામાં સમાવી લીધું ।।૪૩।।

આવાં અદ્બુત જોઇ ચરિત્ર, થયાં માતાપિતાદિ પવિત્ર । માયાભાવ મટી ગયો મન, સર્વેયે જાણ્યા છે ભગવન ।।૪૪।।

ત્યાર પછે કેટલેક દિન, કર્યું બીજું ચરિત્ર નવીન । શર્દપૂન્યમની ખીલી રાત, લઇ ઉત્સંગમાં ભક્તિમાત ।।૪૫।।

બારણે કુવાનો પરથાર, તેના ઉપર બેઠાં છે સાર । જોયું આકાશમાં ઘનશ્યામ, દિઠો ચન્દ્રમા પૂરણકામ ।।૪૬।।

કહેછે દીદીને જુવો ઇન્દુ, જાણે અમૃતનો હોય બિન્દુ । લાવી આપો અમોને તે આજ, માગે છે એમ શ્રીમહારાજ ।।૪૭।।

કહે માતાજી સુણો લાડીલા, હરિ એવા ન થાઓ હઠિલા । એતો આ લોકમાં નવ આવે, ફરી બોલ્યા હરિ કરી ભાવે ।।૪૮।।

તમે એમને આંહી બોલાવો, ગમે તેમ કરી હાથમાં લાવો । બોલ્યાં છે માતા કરીને રીશ, કેમ કરીને લાવું આ દિશ ।।૪૯।।

ભક્તિ કે ખપ હોય તો લાવો, ચંદ્રમાને આહિંજ બોલાવો । એવું સાંભળી હરિ બોલાવે, હાથ લાંબો કરીને હલાવે ।।૫૦।।

હે ચંદ્રમા આવો મુજપાસ, એમ બોલ્યા મુખે અવિનાશ । એમ કેતામાં ચંદ્રમા આવ્યા,પોતાની સ્ત્રીઓને સંગ લાવ્યા ।।૫૧।।

પૂજા સામગ્રી નાના પ્રકાર, ચંદન પાત્ર પુષ્પના હાર । તેણે સહિત પૂજા તો કીધી, ભેટ સામગ્રી પ્રભુને દીધી ।।૫૨।।

ચંદન ચર્ચી હાર પેરાવ્યા, વસ્ત્રાલંકાર હેતે ધરાવ્યા । પ્રીતે ઉભા કરીને પ્રણામ, એમ રાજી કર્યા ઘનશ્યામ ।।૫૩।।

હરિના ચર્ણનો કર્યો સ્પર્શ, આજ્ઞા માગીને થયા અદર્શ । એ અદ્બુત જોઇ પરાક્રમ, સર્વે રાજી થયા અનુક્રમ ।।૫૪।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિએ ધર્માદિકને બદ્રિકાશ્રમ સહિત નર-નારાયણનાં દર્શન કરાવ્યાં એ નામે બારમો તરંગઃ ।।૧૨ ।।