તરંગ - ૭૭ - શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 6:54pm

 

 

પૂર્વછાયો

રામશરણજી સાંભળો, પાવન પુન્ય પવિત્ર । વિસ્તારીને વર્ણવું છું, પ્રભુજીનાં જે ચરિત્ર ।।૧।।

રામપ્રતાપજી દાદાને, દેખાડ્યો પૌઢ પ્રતાપ । ફણસના તરુમાં જણાવ્યું, અદ્ભુત ઐશ્વર્ય આપ ।।૨।।

પછે માયા પડદો મુક્યો, ભુલાવી દીધું એ જ્ઞાન । મનુષ્ય ચેષ્ટાને કરે છે, ભયહારી ભગવાન ।।૩।।

એકસમે પુરૂષોત્તમ, સખાનો લૈને સમાજ । વિશ્વામિત્રી ગૌઘાટે ગયા, નાવા સારૂં મહારાજ ।।૪।।

પ્રભુયે સરિતામાં કર્યું, સ્નેહવડેથી સ્નાન । બારે આવ્યા કાંઠા ઉપર, બહુનામી ભગવાન ।।૫।।

વાલમજીયે વસ્ત્ર પેર્યાં, સુખકારી ભગવાન । તે સમે એક મચ્છ મોટો, આવ્યો છે તેહ ઠામ ।।૬।।

 

ચોપાઇ

 

શ્રીહરિયે કર્યું છે જ્યાં સ્નાન, મચ્છ આવી ઠર્યો છે તે સ્થાન । ખુટે આયુષ્યે મૃત્યુ તે પામ્યો, હરિ ઇચ્છાથી સંકટ વામ્યો ।।૭।।

આવ્યા છે ત્યાં વેમાન અનેક, વ્યોમ માર્ગેથી તે વિશેક । મચ્છનો દેહ તો મટી ગયો, મહાઅદ્ભુતરૂપે તે થયો ।।૮।।

થઇ અદ્ભુત તેની આકૃતિ, શ્રીપતિની કરે છે એ સ્તુતિ । પ્રભુજીને કર્યો નમસ્કાર, બેઠો વેમાનમાં તેણી વાર ।।૯।।

બહુનામીની કૃપાને બળે, ગયો સત્યલોકમાં તે પળે । આવું અદ્ભુત ચરિત્ર જોયું, વેણીરામતણું મનમોયું ।।૧૦।।

પુછે ઘનશ્યામને તે સનેહ, ભાઇ તમો ટાળો આ સંદેહ । મોટો મચ્છ આંહી મરી ગયો, નિરાવર્ણરૂપે દિવ્ય થયો ।।૧૧।।

જે આવ્યાતા લઇને વેમાન, કોણ હતા તે કો ભગવાન । મહાપ્રભુ કહે સુણો મિત્ર, કહું વૃત્તાંત પુન્ય પવિત્ર ।।૧૨।।

અક્ષરાધિપતિ છૈયે અમે, મિત્ર સત્ય માની લેજ્યો તમે । પુરૂષોત્તમ અમારૂં નામ, અમે રૈયે તે અક્ષરધામ ।।૧૩।।

તમે અમારા છો સખા ભક્ત, અમવિષે થયા છો આશક્ત । આપણ સર્વ નાયા આ સ્થાન, તેમાં મચ્છ મુવો ભાગ્યવાન ।।૧૪।।

અમને રાજી કરવા કાજ, બ્રહ્માયે કર્યું છે તે આ કાજ । ૧પૃથુરોમા ઘણો ભાગ્યશાળી, આવ્યા પ્રજાપતિ એહ ભાળી ।।૧૫।।

સત્યલોકમાં લઇ ગયા વિધિ, આવી વાત સખા પ્રત્યે કીધી । એવું સુણી સખા શિરનામી, નમસ્કાર કરે કરભામી ।।૧૬।।

પછે ત્યાં થકી સર્વે સિધાવ્યા, ધોબીઘાટે અકળિત આવ્યા । ત્યાંથી વિચર્યા યોગીવનમાં, સખા સહિત રાજી મનમાં ।।૧૭।।

હજારો ગાયો ચરેછે જ્યાંયે, ત્રિભુવનપતિ ગયા ત્યાંયે । દેખ્યા ગાયોયે શ્રીઅવિનાશ, દોડી દોડી ને આવી છે પાસ ।।૧૮।।

ઘેરો દેઇને ઉભી રહી છે, પ્રભુને દેખી સ્થિર થઇ છે । રહી ગાયો સર્વે તદાકાર, એવા દેખીને પ્રાણઆધાર ।।૧૯।।

સખા સર્વે મનમાંહી કંપે, ભય પામીને થયા અજંપે । મારી નાખશે ગાયું આ ઠાર, એમ સખા કરે છે વિચાર ।।૨૦।।

એવું જાણીને પ્રાણજીવન, સખાની બીક મટાડી મન । કર અણસારો કર્યો જ્યારે, ધેનુ પાછી વળી ગઇ ત્યારે ।।૨૧।।

પછે ત્યાં થકી ચાલ્યા પ્રીતમ, આવ્યા ભેટીયે ગામ ઉત્તમ । રામસાગર નામે તડાગ, તેના તીરે બેઠા જોઇ લાગ ।।૨૨।।

વડવૃક્ષ હેઠે કીરતાર, થોડીવાર કર્યો છે વિહાર । ત્યાંથી ચાલિયા શ્રીઘનશ્યામ, આવ્યા છુપૈયે સુંદર શ્યામ ।।૨૩।।

ભક્તિ ધર્મ આદિ બીજા જન, છુપૈયાપુરવાસી પાવન । સહુને વાત કરી વેણીરામે, અથ ઇતિ થઇ જે જે ઠામે ।।૨૪।।

બોલ્યા અવધપ્રસાદ વાણ, સુણો રામશરણજી પ્રમાણ । મચ્છ પળનો સંબંધ પામ્યો, પણ ભવજળ દુઃખ વામ્યો ।।૨૫।।

દિવ્યરૂપે થયો આ સંસર્ગે, સત્યલોકે ગયો અપવર્ગે । એવી વિશ્વામિત્રી નદી સ્થાને, જ્યાં લીલા કરી છે ભગવાને ।।૨૬।।

જેહ કરશે ત્યાં જળપાન, વળી આચરશે તેમાં સ્નાન । માતાપિતાનું કરશે ત્યાં શ્રાદ્ધ, તેના મોક્ષમાં ન આવે બાધ ।।૨૭।।

મરણ પામેલાનાં અસ્થિ જેહ, તે જગ્યાએ લાવી નાખે એહ । મોક્ષ પામશે તે સર્વે જન, એમ નિશ્ચે માની લેજ્યો મન ।।૨૮।।

વળી એક સમયની વાત, સુણો સંત હરિજન ભ્રાત । ચક્રીપતિ જે જક્ત આધાર, બે બંધુમાં થયો તકરાર ।।૨૯।।

રીસાણા એક રૂમાલ માટ, પછી શ્યામ શો ઘડે છે ઘાટ । રીસાઇ જાવા થયા તૈયાર, નવ કયો કોઇને વિચાર ।।૩૦।।

અયોધ્યાપુરીયે જાવા કાજ, ચાલી નિકળિયા મહારાજ । વેણીરામે જાણ્યું એતો ગયા, સમાચાર એ ધર્મને કહ્યા ।।૩૧।।

હે ફુવા ઘનશ્યામ જરૂર, રીસાઇ ગયા અયોધ્યાપુર । શા કારણે રસીલો રીસાયા, મનથી જાણે ઉતારી માયા ।।૩૨।।

હરિપ્રસાદ કહે છે ભાઇ, નથી માલમ મુજને કાંઇ । પછે નક્કી કર્યું એમ કૈને, રામપ્રતાપને ભેગા થઇને ।।૩૩।।

મોટાભાઇને ૧શીખજ દીધી, કેવાની હતી તે વાત કીધી । તમે મોટા થયા છો કુમાર, થોડી વાતે કર્યો તકરાર ।।૩૪।।

પછે પિતા કહે ચાલો જૈયે, ઘનશ્યામની ખબર લૈયે । વારે વારે તે મન વિમાસે, ચાલ્યા બન્ને વાલાજીને વાંસે ।।૩૫।।

ચાલ્યા ચાલ્યા ગયા સુરવાળ, ત્યાંના બગીચામાં મળ્યો ૨ભાળ । ભોઇ ગામના માણસ કૈયે, પ્રાગમલ ચોબા નામે લૈયે ।।૩૬।।

તે મળ્યા છે બગીચામાં નક્કી, આવે છે અયોધ્યાપુરી થકી । તેને ધર્મ કેહેછે રે ભાઇ, મારા ઘનશ્યામ દેખ્યા ક્યાંઇ ।।૩૭।।

જાતાં મારગમાં દીઠા હોય, અમને સત્ય બતાવો જોય । પ્રાગમલ્લ કે હા મેં ભાળ્યા છે, મારી નજરે નક્કી જોયા છે ।।૩૮।।

પરશુરામપુરી છે જ્યાંયે, જોયા છે તેની બજારમાંયે । વાયુવેગે એતો ચાલ્યા જાય, તમોથી પોકી નહી શકાય ।।૩૯।।

એવું સુણી પિતાજીને પુત્ર, ચાલ્યા ઉતાવળા બલસૂત્ર । એટલામાં પોક્યા બેઉ ધીર, લાલ બેઠા છે સર્જુને તીર ।।૪૦।।

ગંગાપાર ઉતરવા માટ, વ્હાલો જુવે છે વાણની વાટ । જેના નામે સકલ સંસાર, કોટિ કોટિ પામે ભવપાર ।।૪૧।।

તેને નૌકાતણું શું છે કામ, લીલાયો કરે છે ઘનશ્યામ । પિતાબંધુને આવતા ભાળ્યા, પ્રભુયે નજરેથી નિહાળ્યા ।।૪૨।।

જુવો ચરિત્ર કેવાં કરે છે, પિતા બંધુની બીક ધરે છે । ઉભા થયા છે શ્રીજગદાત્મા, પાણી પર ચાલ્યા પરમાત્મા ।।૪૩।।

ઘણા લોક કહે છે રે ભાઇ, તમે જાશો નહિ જલમાંઇ । નક્ર આવશે મહાબલમાં, તમને લેઇ જાશે જળમાં ।।૪૪।।

સુણ્યાં છે એવાં સૌનાં વચન, પણ માને નહિ ભગવન । જળ ઉપર તે ચાલ્યા જાય, લોક દેખીને વિસ્મિત થાય ।।૪૫।।

જેમ પૃથ્વી પર ધરે પાવ, એમ ચાલે નટવર નાવ । હજારો જન જુવે તે ઠાર, પળ માત્રમાં ઉતર્યા પાર ।।૪૬।।

લક્ષ્મણઘાટે જૈ ઉભા રહ્યા, હજારો જન ત્યાં ભેગા થયા । ચારે તરફ વિંટીને ઉભા, ભાળી ભાળી મનમાં તે લોભા ।।૪૭।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામ-લીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા એ નામે સત્યોતેરમો તરંગ ।।૭૭।।