પૂર્વછાયો
જળ ઉપર તે ચાલિયા, ઉતર્યા ગંગાને પાર । શું કરતા હવા હરિ તિયાં, સુણો કરી મન પ્યાર ।।૧।।
હજારો જન આવી મળ્યા, પુછેછે કરીને હામ । ક્યાં થકી આવ્યા ને કોણ છો, શું છે તમારું નામ ।।૨।।
કોણ માતાપિતા તમારાં, કિયો તમારો દેશ, શા કારણેથી વિચર્યા, છો વર્ણિ બાલુડે વેષ ।।૩।।
ચોપાઇ
એવાં સુણી સર્વનાં વચન, ધીરેથી બોલ્યા ધર્મના તન । અમે સરવરિયા પાંડે છૈયે, વળી છુપૈયાપુરમાં રૈયે ।।૪।।
ધર્મભક્તિતણા અમે તન, ઉદાસી થયું છે મુજ મન । અમારે તો થાવું છે વૈરાગી, ગઢીમાં રેવું છે થૈ ત્યાગી ।।૫।।
વાલે કહ્યો પોતાનો વિચાર, લોક કેવા લાગ્યાં તેણી વાર । હે ભાઇ હજુ વય છે નાની, માટે રેવા દ્યો આ વાત છાની ।।૬।।
નાની વયમાં ન થાવું ત્યાગી, અવસ્થાયે તે થાવું વૈરાગી । પરસ્પર કરે છે ત્યાં વાત, એવામાં આવ્યા બંધુ ને તાત ।।૭।।
નૌકામાંથી ઉતર્યા છે જોડી, મોટાભાઇ તો આવ્યા છે દોડી । મુક્યું મસ્તક શામ ચરણે, રક્ષા કરીને રાખો શરણે ।।૮।।
અતિ નિર્માની થઇ નમે છે, કોટિ શીર્ષાને ભાઇ કહે છે । પગે લાગી કરે છે પ્રણામ, તમે ભાઇ સુણો ઘનશ્યામ ।।૯।।
પ્રભુજી હવે પાછા પધારો, ઘેર આવીને વાલ વધારો । જુવો દાદા આવ્યા તવ પાસ, આપ વિના થયા છે ઉદાસ ।।૧૦।।
તમે કેશો તે કરશું અમે, પણ ઘેર ચાલો હવે તમે । દયા લાવો દિલમાં દયાળ, લ્યો આપું છું તમને રુમાલ ।।૧૧।।
કરે છે દીદી બહુ કલ્પાંત, તમો વિના નથી મન શાંત । થયા ગદ્ગદ કંઠે ધીર, ભાઇના નેત્રમાં ચાલ્યું નીર ।।૧૨।।
તેવારે આવ્યા સમીપ ધર્મ, પ્રભુ પ્રત્યે બોલ્યા રુડા મર્મ । હે હરિકૃષ્ણ હે સુખધામ, તમે ડાયા છો સુંદર શ્યામ ।।૧૩।।
પરમ વિવેકી પ્યારા પુત્ર, સાર અસાર સમજો સૂત્ર । દયા કરી પાછા ચાલો તમે, સત્ય વાણી કૈયે છૈયે અમે ।।૧૪।।
પિતા પુત્રનાં એવાં વચન, સુણી બોલ્યા અયોધ્યાના જન । અતિ સ્નેહ થયો છે અમને, કર જોડીને કૈયે તમને ।।૧૫।।
આવ્યા છે પિતા બંધુ તમારા, ઘણા દયાળુ છે અતિ સારા । તેની સાથે પધારો ઘેર, પછે વર્તજો આનંદભેર ।।૧૬।।
એવું સુણી ત્રિભુવન તાત, પિતા પ્રત્યે બોલ્યા રુડી વાત । ચાલો ઘેર આવું છું હું આજ, હવે થાય નહિ આવું કાજ ।।૧૭।।
ફરીથી થશે જો આવું કૃત્ય, તમારું કહ્યું ન માનું સત્ય । એવું કૈને ચાલ્યા અલબેલો, પિતાની સાથે સુંદર છેલો ।।૧૮।।
મોટાભાઇએ આપ્યો રુમાલ, કરમાં પકડી રહ્યા લાલ, ત્યાંથી ત્રૈણે ચાલ્યા મતિધીર, આવ્યા સર્જુગંગાતણે તીર ।।૧૯।।
પછે ઉતર્યા ગંગાની પાર, ચાલ્યા મારગમાં તેણીવાર । ત્યારે બોલ્યા ભૂધરભ્રાત, બડાબંધુ સુણો એક વાત ।।૨૦।।
તમે આપ્યો છે મને રુમાલ, નથી એમાં એવો કાંઇ માલ । તમોગુણી તમારો સ્વભાવ, માટે કરવો પડ્યો આ દાવ ।।૨૧।।
હવે લ્યો આ રુમાલ કૃપાળ, એવું કહીને આપ્યો તતકાળ । એમ કરે છે હાસ્ય વિનોદ, ચાલ્યા જાય માર્ગે મનમોદ ।।૨૨।।
મનોરમા નદી જે છે સાર, મખોડાઘાટ જ્યાં નિરધાર । ત્યાં આવ્યા છે ત્રૈણે બુદ્ધિમાન, તે સરિતામાં કર્યું છે સ્નાન ।।૨૩।।
પછે તો આવ્યા છુપૈયાપુર, અતિ આનંદ માય ન ઉર । ભક્તિમાતા સુવાસિની આપ, કર્તાં હતાં વિવિધ વિલાપ ।।૨૪।।
ઘેર આવ્યા જ્યારે ઘનશ્યામ, માતાને થયું સુખ આરામ । મીઠે વચને બોલાવ્યા પ્રીતે, પ્રેમવતીયે ત્યાં રૂડી રીતે ।।૨૫।।
પછે રસોઇ કરી તૈયાર, જમવા બેસાર્યા તેણીવાર । ધર્મ સહિત ત્રૈણે કુમાર, કર્યાં ભોજન સ્વાદ અપાર ।।૨૬।।
સુવાસિની અને પ્રેમવતી, જમતાં હવાં મહામતી । સુણો શ્રોતા થઇ સાવધાન, હવે શું કરે છે ભગવાન ।।૨૭।।
એક દિવસ સખા સહિત, ધેનુ ચારવાનું ધાર્યું હિત । સખા સર્વેને લીધા છે સાથ, ગાયો ચારવા ચાલ્યા છે નાથ ।।૨૮।।
ગૌઘાટે ગયા છે ગિરિધારી, ગાયું ચારે છે દેવ મોરારી । એમ કરતાં થયો મધ્યાન, પણ ઘેર ન આવ્યા મોહન ।।૨૯।।
ગાયો ચારે છે પુન્ય પવિત્ર, ઘેર બતાવ્યું બીજું ચરિત્ર । પ્રેમવતી સતી સુવાસિની, રાહ જુવે છે પ્યારા પુત્રની ।।૩૦।।
વન રહ્યા થકા કર્યું કામ, ઘેર દેખાણા શ્રીઘનશ્યામ । પોતાની જ્યેષ્ટિકાને ૧ઉપાન, ઘરમાં ઉતાર્યાં છે નિદાન ।।૩૧।।
માતા કહે સુવાસિનીબાઇ, આવ્યા છે શું ઘનશ્યામભાઇ । જ્યેષ્ઠિકા ને મોજડીયો જેહ, ઘરમાં ઉતારી જુવો તેહ ।।૩૨।।
સુવાસિની ઉઠ્યાં તતખેવ, ચારે તરફ ફરી જોયું એવ । નથી દેખાતા કોઇ ઠેકાણે, પ્રભુની ગતિમાં એ શું જાણે ।।૩૩।।
ખબર પડે નહિ કોઇને, કરી લીલા પ્રભુયે જોઇને । હરિ વનમાં ગાયો ચારે છે, ઘરે દર્શન તે કેવાં દે છે ।।૩૪।।
સુંદરીના ઘરમાં વિહારી, દહીં ગોરસ લીધું છે ધારી । નીચે ઉતારી જમ્યા નીરાંતે, ગોરસ ફોડી નાખ્યું છે ખાંતે ।।૩૫।।
જમ્યા તે તો ભલે જમ્યા ઝાઝું, પાત્ર રેવા દીધું નહિ સાજું । પ્રભુ પછી નીકળ્યા બહાર, સુંદરીયે દેખ્યા તેણીવાર ।।૩૬।।
ભક્તિમાતા પાસે આવી કેછે, દીલ દેખી ઠપકો તે દેછે । ત્યાંતો ઓચીંતાં સુરજાબાઇ, ઠપકો દેવા આવ્યાં તે ધાઇ ।।૩૭।।
ઘરમાં ઉડાડી રંગતાળી, વળી નાસી ગયા વનમાળી । ગોરસ ઘરમાં ભાંગી નાખ્યાં, કોઇ પાત્ર આખાં નથી રાખ્યાં ।।૩૮।।
એમાં કેટલાનાં દહીં ચાખ્યાં, ઘણાનાં ગોરસ ફોડી નાખ્યાં । સર્વેની આવી સામટી રાડ, છેલાયે કર્યો બહુ બગાડ ।।૩૯।।
ત્યારે પ્રેમવતી બોલ્યાં જાણ, તમો બાઇ સુણો મુજ વાણ । ઠપકો દેવા આવ્યાં શું જોઇ, કરો વિચાર મનમાં કોઇ ।।૪૦।।
ગયા છે એતો ચારવા ધેનો, હજુ ઘેર નથી આવ્યા બેનો । બાઇ એવા નથી મુજ બાળ, તમે ખોટું ચડાવો છો આળ ।।૪૧।।
એમ કહીને ઉઘાડ્યાં દ્વાર, ત્યાંતો ઘરમાં દેખ્યા કુમાર । દહીનું પાત્ર લીધું છે હાથ, નિરાંતે જમે છે જોગિનાથ ।।૪૨।।
માતા કે સુણો અંતર્યામી, ઠપકો દેવા આવી છે મામી । દધિ ખાધાં પીધાં ઢોળી દીધાં, વળી ગોરસ ભંગાર કીધાં ।।૪૩।।
એવું સુણી બોલ્યા અવિનાશી, માતા સુણો તમે સુખરાશી । મુને ભાભી દધિ નથી દેતાં, કોઇ દિન મુને નથી કેતાં ।।૪૪।।
દધિ વિના અમે શું ખઇયે, બીજે ખાધા વિના કેમ રઇયે । ગાયું ચારવાને જૈયે છૈયે, દુધ તો દોઇને પીયે છૈયે ।।૪૫।।
દધિ વિના ચાલે કેઇ પેર, માટે ખાધું છે એટલે ઘેર । એમ કેતાં છતાં અલબેલ, કરે ૧ખલકપતિ ત્યાં ખેલ ।।૪૬।।
જેષ્ટિકા ને ઉપાન સહિત, થયા અદર્શ માયા રહિત । પછે ધર્મ ભક્તિ ને જોખન, મંછારામ આદિ શુભ મન ।।૪૭।।
પોતાના ઘરની પછવાડે, એક વાંસ કપાવે છે દાડે । કાપનારા મંગલ આહીર, જોડે મોતીત્રવાડી છે ધીર ।।૪૮।।
બે જણને ત્યાં થૈછે લડાઇ, ભક્તિમાતા ગયાં છે ત્યાં ધાઇ । સમાધાન કરી સમજાવ્યા, ત્યાં તો ગાયો ચારી વાલો આવ્યા ।।૪૯।।
સખા સુરભી સાથે સુખકારી, ઘેર આવ્યા છે દેવ મુરારી । ત્યારે સતી સુવાસિનીબાઇ, પુછે છે વેણીને સમજાઇ ।।૫૦।।
તમે સુંણો ભાઇ વેણીરામ, તવ સાથે હતા ઘનશ્યામ । ક્યાંઇ ગયા હતા મહારાજ, સાચી વાત કહો મુને આજ ।।૫૧।।
ત્યારે કે ના નથી ગયા ક્યાંયે, નોખા પડ્યા નથી પળ ત્યાંયે । અમ સાથે સાથે વિચર્યા છે, આખો દિન વનમાં ફર્યા છે ।।૫૨।।
એવું સુણી સુવાસિની સતી, માતા પાસે આવ્યાં ભાગ્યવતી । કહી વિસ્તારી સઘળી વાત, સર્વે મનમાં સમજ્યાં ખ્યાત ।।૫૩।।
પ્રભુપણાનો નિશ્ચય થયો, વળી સર્વે સંશે ટળી ગયો । શ્રદ્ધા સહિત જે સાંભળશે, તેને અક્ષયસુખ મળશે ।।૫૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ સખાઓ સાથે ગૌધાટ ગાયો ચારવા ગયા ને મામીઓના ઘરમાંથી દહીં ખાધું એ નામે અઠ્યોતેરમો તરંગઃ ।।૭૮।।