સામેરી
એકસમે એકાદશીએ, ઉત્તમ વ્રત કેવાય । ઘનશ્યામને સંગે લઇને, ધર્મદેવ તે નાવા જાય ।।૧।।
રામસાગરે ગયા પોતે, કરીને દિલમાં ભાવ । તેસમે નવરંગા આંબે, બેઠા નટવર નાવ ।।૨।।
ધર્મદેવ સરોવરમાં, સુખે કરે છે સ્નાન । પછે પિતાની પાસે ગયા, નાવા સારું ભગવાન ।।૩।।
એસમે એક અસુર આવ્યો, પાપી અઘનું ધામ । પૂર્વનું વૈર સંભારતો, કરવા તે કુડું કામ ।।૪।।
શ્રીઘનશ્યામને મારવા, સંકલ્પ કર્યો છે મન । કપટથી આવ્યો જળમાં, ધરી મઘરનું તન ।।૫।।
અંતરજામીએ જાણ્યો એને, વ્હાલે કર્યો છે વિચાર । ઉતાવળથી સ્નાન કરી, બહુનામી આવ્યા છે બહાર ।।૬।।
પીરોજપુરના બઇજુ, આવ્યા તે સમે ત્યાંય । વસ્ત્ર ઉતારીને વારિમાં, સ્નાન કરેછે જ્યાંય ।।૭।।
શ્રીઘનશ્યામની ભ્રાંતિયે, મઘરે ઝાલ્યો છે ચરણ । બૈજુ ત્રવાડી બુમ પાડી, મારું આવ્યું જાણે મરણ ।।૮।।
ભાઇ મુને ઝાલ્યો મઘરે, ખેંચીને જાશે આજ । કોઇ છોડાવો આસમે તો, થાય માહેરું કાજ ।।૯।।
એવું સુણી જન સઘળા, બારે ઉભા હતા જેહ । હરિપ્રસાદને બોલાવ્યા, જળથી બારણે તેહ ।।૧૦।।
બૈજુ ત્રવાડીનો બાપછે, ત્રવાડી આનંદ નામ । તળાવને કાંઠે ઉભા છે, પાસે રહ્યા ઘનશ્યામ ।।૧૧।।
કરજોડીને કેવા લાગ્યા, અવિનાશીને આનંદ । ઘનશ્યામ મુજ સુતને, છોડાવો સુખકંદ ।।૧૨।।
મઘરથી મુકાવો એને, રક્ષા કરો મહારાજ । તમે જીવાડો ત્યારે જીવે, નહિ તો મરશે આજ ।।૧૩।।
એમ સાંભળતાં ઉભા છે, સોટી ગ્રહીછે પાણ । દયા આવીછે દયાળુને, સુણી આનંદની વાણ ।।૧૪।।
શ્રીહરિયે હાથ વધાર્યો, ઉભા થકા તતખેવ । બૈજુ ત્રવાડીને નક્ર સાથે, બારે તાંણી લીધા એવ ।।૧૫।।
બૈજુ ઉભો બે કર જોડી, પ્રભુને કરે પ્રણામ । વિનય વચને સ્તુતિ કરે, જય જય સુખધામ ।।૧૬।।
મરણમાંથી મુકાવ્યો મુને, મેર કરી મહારાજ । નહિ તો મારો કાળ હતો, એમ જાણો તમે સૌ આજ ।।૧૭।।
ઇશ્વર કેરા ઇશ્વર છોે, દેવ તણા વળી દેવ । કર્તુમકર્તું અન્યથા કર્તું, સમર્થ શ્રીપતિભેવ ।।૧૮।।
લોક સર્વે ત્યાં કેવા લાગ્યાં, શ્રીહરિ છે બળસૂત્ર । સાક્ષાત શ્રીભગવાન છે, હરિપ્રસાદજીના પુત્ર ।।૧૯।।
મનુષ્યથી તો બને નહી, કઠીન કર્યું આ કામ । સોટી મારી છોડાવી લીધો, બ્રાહ્મણને આ ઠામ ।।૨૦।।
એમ કહે છે સર્વ લોક, પ્રેમે કરેછે પ્રણામ । હરિને નમસ્કાર કરી, ગયા પોતપોતાને ધામ ।।૨૧।।
હે રામશરણ સુણી લેજ્યો, સત્ય કહું છું સાર । આજે રામસાગરનો, મોટો મહિમા અપાર ।।૨૨।।
પૂર્વે રઘુપતિ પ્રગટ્યા, ગળાવ્યું છે આ તડાગ । માટે તે તળાવનું નામ, રામસાગર સુહાગ ।।૨૩।।
સર્વ કારણના કારણ છે, શ્રીહરિ શ્રીઘનશ્યામ । લાલે અલૌકિક લીલા કરી, અતિ ઉત્તમ તેહ ઠામ ।।૨૪।।
બહુવિધે બાળપણામાં, આ સરોવરે ચોપાસ । ઘણી વખતે વિચર્યા છે, અક્ષરપતિ અવિનાશ ।।૨૫।।
પિતાજી સહિત પ્રેમથી, ઘણી વાર કર્યું સ્નાન । આ સરોવરના કિનારે, રમ્યા છે શ્રીભગવાન ।।૨૬।।
રમણભૂમિ શ્રીહરિની, પ્રસાદિનું છે સ્થાન । દુર્લભ છે બ્રહ્માદિકને, ભોગવશે ભાગ્યવાન ।।૨૭।।
જે કોઇ આમાં સ્નાન કરે, પિત્રિનું કરશે શ્રાદ્ધ । કલ્યાણમાં કોઇ રીતથી, આવી પડે નહિ બાધ ।।૨૮।।
રામસાગર ઉત્તમ છે, સહુને દર્શનરૂપ । ઉપવાસ કરે આવીને, તે મોક્ષ પામે અનૂપ ।।૨૯।।
આસ્થળે જે આવી કરશે, શ્રી ઘનશ્યામનું સ્મરણ । સાધુ વિપ્રને જમાડશે, તેનું મટે જન્મ મરણ ।।૩૦।।
પૂજન કરશે પ્રેમથી, સાધુ બ્રાહ્મણનું સાર । ઘણા જન્મનાં પાપ ટળે, નક્કી કહું છું આઠાર ।।૩૧।।
રામશરણજી સાંભળો, બીજું કહું છું ચરિત્ર । શ્રદ્ધા સહિત જે સાંભળે, તે થાશે પરમ પવિત્ર ।।૩૨।।
એક સમે રામપ્રતાપ, સાથે શ્રીઘનશ્યામ । અવધપુરીયે જાય છે, ત્યાં આવ્યું મખોડા ગામ ।।૩૩।।
તે ગામની ફેરફારી થૈ છે, દેશકાળથી સરત । વૈરાગી ત્યાં મંદિર કરે, ધારી મોટી ઇમારત ।।૩૪।।
પાયો ખોદે છે પૂર્ણ પ્રીતે, મનુષ્ય સઘળા જ્યાંય। પ્રાચીન તોપ હેમ કેરી, નિકળી છે તેહમાંય ।।૩૫।।
દર્શનસિંહરાયે જાણ્યું, તોપ તણું વર્તન । નિજદૂતને બોલાવીને, કેવા લાગ્યા દેઇ મન ।।૩૬।।
જે સાધન જોઇએ તમારે, તે લેઇ જાઓ આ વાર । મખોડાઘાટે જે તોપ છે, તે લઇ આવો આ ઠાર ।।૩૭।।
નહિ તો તમે નોકરીથી, પામશો અપમાન । સત્વર લાવો તોપ ત્યારે, હું જાણું બળવાન ।।૩૮।।
એવું સુણી તૈયાર થયા, સેવક જન પચાસ । લોહનું એક ગાડું લીધું, મજબુત અવકાશ ।।૩૯।।
બેલની દશ જોડ લીધી, બીજાં સાધન તે માટ । પંદર દિનની ખર્ચી લૈ, આવ્યા છે મખોડાઘાટ ।।૪૦।।
પાયામાંથી તોપ કાઢી છે, કરીને જોર અપાર । શકટ પર ચડે નહી, દૂત કરે છે વિચાર ।।૪૧।।
તે દેખીને ભાઇને પુછે, શ્રીહરિ સુંદરશ્યામ । હે ભાઇ આ સૌ ભેગા થઇને, કરતા હશે શું કામ ।।૪૨।।
એવું સુણી નક્કી કરવા, પાસે ગયા અહિનાથ । ખચિત ખાત્રી કરી લીધી, અનુચરની સાથ ।।૪૩।।
ત્યારે તે હરિને કહ્યું છે, સુણેલું જે વૃત્તાંત । બેઉ તે બંધુ ઉભા રહ્યા, વિચારે છે કમલાકાંત ।।૪૪।।
શ્રીહરિને દયા આવી, દેખીને બહુ પ્રયાસ । વિપ્ર ઘણાક દૂત છે, જુવે છે શ્રીઅવિનાશ ।।૪૫।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે બૈજુ ત્રવાડીની મઘરથી રક્ષા કરી એ નામે બાણુંમો તરંગઃ ।।૯૨।।