તરંગ - ૯૩ - શ્રીહરિએ મખોડાઘાટે શકટમાં તોપ ચડાવી

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:44pm

 

પૂર્વછાયો

રામશરણજી બોલિયા, સુણો પિતા બંધુ સાર । શ્રીહરિએ પછે શું કર્યું, મખોડાઘાટ મોઝાર ।।૧।।

અવધપ્રસાદજી ઉચર્યા, આણી ઉર આહ્લાદ । વિસ્તારીને તે વર્ણવું, સુણો ભાઇ સંવાદ ।।૨।।

અદ્ભુત લીલા આ પ્રભુની, પાવન પુન્ય કથાય । સાંભળતાં સુખ ઉપજે, પાતક દૂર પળાય ।।૩।।

 

ચોપાઇ

મખોડાઘાટે સુંદર શ્યામ, બેઉ બંધુ ઉભા છે તે ઠામ । સોનાની તોપ પડી છે જેહ, ઘણી ભારે મજબુત એહ ।।૪।।

રાજદૂત કરે છે પ્રયાસ, શકટે ચડાવા માટે કાશ । બળ દાખવે છે તે અપાર, પણ ખસતી નથી લગાર ।।૫।।

બળહીન થયા ગતિભંગ, હાર્યા હિંમત સૌજન સંગ । અનુચર બ્રાહ્મણ છે જેહ, બોલ્યા દીન થઇને જ એહ ।।૬।।

બતાવે છે જાતિનો સ્વભાવ, હવે શું કરશું આંહિ દાવ । મને રેતી નથી હવે ધીર, લાજ રાખે જો શ્રી રઘુવીર ।।૭।।

એમ કહીને થયા ઉદાસ, નાખે છે મુખથી નિશ્વાસ । એવું દેખી બોલ્યા પ્રભુ એમ, કહો ભાઇ કરવું છે કેમ ।।૮।।

કો તો ચડાવીએ તોપ અમે, છેટે રહી જુવો સહુ તમે । શકટમાં મુકું આણીવાર, નજરે જોતાં જોતાં નિરધાર ।।૯।।

એવું સુણીને આનંદ પામ્યા, જાણે વિકટ સંકટ વામ્યા । બોલ્યા નમ્ર થઇને તે વાણી, તમે સુણોને સારંગપાણિ ।।૧૦।।

રાજા દર્શનસિંહ કપરો, મારી નાખે એવો છે જબરો । અત્યારે જો બગડે ખેલ, અમારું કાઢી નાખશે તેલ ।।૧૧।।

કૃપા કરી કરો જો આ કાજ, લોકમાં રેશે અમારી લાજ । ગાડામાં જો ચડાવો આ તોપ, તો રાજાનો થાએ નહિ કોપ ।।૧૨।।

એવું સુણીને દેવ મુરારી, કે છે સેવકને સુખકારી । તમે સર્વે જતા રહો દૂર, જોવો કેમ થાય છે જરુર ।।૧૩।।

એટલામાં બે ચાર સીપાઇ, બોલ્યા કરી તે અડબંગાઇ । તમારું હૈયું ફુટી ગયું છે, ખોટું વેમ શું મન થયું છે ।।૧૪।।

આપણે ઘણા પુરુષ પુરા, એકે બળમાં નથી અધુરા । છૈએ આપણે તો બળવાન, જોરવાળા જબરા જુવાન ।।૧૫।।

કેટલા દિનથી બાંધી હોડ, મેનત લીધી છે માથાંતોડ । તોય તોપ જરા નવ હાલે, તો આ ૧શિશુનું શું જોર ચાલે ।।૧૬।।

શું આ બાળક ચડાવી શકે, તોપ પાસે ક્ષણું નવ ટકે । એવું કેતાં કેતાં તતકાળ, દીધાં દર્શન દીનદયાળ ।।૧૭।।

રામચંદ્ર રૂપે થયા ધીર, ચતુર્ભુજ બન્યા બળવીર । એવા રૂપેથી તોપ ઉપાડી, એક હાથમાં લેઇ દેખાડી ।।૧૮।।

મુકી શકટમાં તેહવાર, ગૌરવતા બતાવી તે ઠાર । ૨ત્ર્યંબકચાપ રામે ઉપાડ્યું, એથી અધિક બળ દેખાડ્યું ।।૧૯।।

હતું અવતારનું એ કામ, આ તો અવતારી ઘનશ્યામ । કોટિ કોટિ બ્રહ્માંડનાં ૩વાર, એક રોમમાં ઉડે નિરધાર ।।૨૦।।

શો છે તોપ તણો તિયાં ભાર, અનેક વિશ્વના જે આધાર । એવું અદ્ભુત આશ્ચર્ય જોઇ, સર્વે લોક જોવે મન મોઇ ।।૨૧।।

આ તો અતિશે આશ્ચર્ય વાત, નરનારી કહે છે સાક્ષાત । સહુ જન કરે છે વિચાર, આ તો નક્કી છે જગદાધાર ।।૨૨।।

અક્ષરાધિપતિ પૂર્ણબ્રહ્મ, મોટા મુનિ જાણે નહિ મર્મ । રામરૂપે થયા પ્રભુ આજ, રાખવા સારૂં આપણી લાજ ।।૨૩।।

ઇષ્ટદેવ છે શ્રી રામચંદ્ર, સહાય કરવા આવ્યા બલીંદ્ર । એમ જાણીને સઘળા જન, કરે પ્રેમે પ્રણામ સ્તવન ।।૨૪।।

એટલામાં તો શ્રીઘનશ્યામ, થયા બાળરૂપે સુખધામ । સંકર્ષણને લઇને સંગે, ગયા અવધપુર ઉમંગે ।।૨૫।।

તોપવાળા અનુચર જેહ, શકટ સાથે ચાલ્યા છે તેહ । ઘણા પ્રયત્ને ત્યાં થકી આવ્યા, સર્જુગંગા પર તોપ લાવ્યા ।।૨૬।।

ઘણા જન ત્યાં વિસ્મિત થયા, પોતપોતાને સ્થાનકે ગયા । વળી કહું છું વાત નવીન, સાંભળો શ્રોતા થઇ તલ્લિન ।।૨૭।।

છુપૈયાપુર વિષે પાવન, અતિ ઉત્તમ છે ૧ઉપવન । તેમાં ફણસ પાક્યાં સ્વાદિષ્ટ, તસ્કર લોકે જોયાં અભીષ્ટ ।।૨૮।।

ત્યારે ચોર આવ્યા વાડીમાંય, ફણસનાં તરુ રહ્યાં જ્યાંય । ફળ તોડવા નાખ્યા છે હાથ, કર ચોટી રહ્યા ફળસાથ ।।૨૯।।

ખરી કરવા આવ્યા છે ખેપ, પણ હસ્ત થયા વજ્રલેપ । લાભ લેતાં ધન સર્વે ગયું, તસ્કર લોકને એમ થયું ।।૩૦।।

ફળ લેવામાં કાંઇ ન ફાવ્યા, ચોરના પ્રાણ ચોટીએ આવ્યા । છુટવાના કરેછે ઉપાય, કર ફળથી જુદા ન થાય ।।૩૧।।

આખી રાત્રિ કર્યું છે પ્રયત્ન, જીવતા જાવાનું શોધે યત્ન । કરી મેનત અપરમપાર, એમ કરતાં થયું સવાર ।।૩૨।।

રાત્રિ વીતી ગઇ છે દુઃખમાં, ફળ આવ્યું ન તેના મુખમાં । છુપૈયાપુરના જન જાગ્યા, તસ્કર મન પસ્તાવા લાગ્યા ।।૩૩।।

ભોગ લાગ્યા ને આવિયા આંહી, મોટી ભુલ પડી મનમાંહિ । વિધિએ આવા શું લખ્યા લેખ, મારી કર્મફળરૂપે મેખ ।।૩૪।।

ખોટ ભુલ્યા હારી ગયા બળ, ફરી નહિ આવીએ આ સ્થળ । ચોર લોક કરે છે ઉચાટ, હવે શું બન્યો છે જુવો ઘાટ ।।૩૫।।

પ્રાતઃકાળમાં ઉઠ્યા છે ધરમ, જળ કળશ લીધો છે પરમ । આવ્યા બગીચા મધ્યે પાવન, કરવા તિયાં દંતધાવન ।।૩૬।।

દેખ્યા હરિપ્રસાદને નેણે, તસ્કર ગભરાયા છે તેણે । થયા લાચાર તસ્કર જન, બોલ્યા દીન થઇને વચન ।।૩૭।।

હે દાદા તમારી વાડીમાંહી, ફળ ચોરવા આવ્યાતા આંહિ । પણ ચોટી ગયા છે હાથ, ફણસના તરૂવર સાથ ।।૩૮।।

કર્યો દાખડો સઘડી રાત, એમ કરતાં થયું પ્રભાત । ફળ કોઇને એકે ન મળ્યું, ભુડું ભાગ્ય અમારું આ ભળ્યું ।।૩૯।।

ઉલટા ચોટી રહ્યા છે હાથ, ફણસના તે ફળ સંગાથ । કરી મેનત ને મરી ગયા, અમે હેરાન હેરાન થયા ।।૪૦।।

નથી માલમ પડતી આજ, હવે શું કરીએ મહારાજ । છુટા કરાવો અમારા હાથ, કૃપા કરો તમે કૃપાનાથ ।।૪૧।।

તમારી વાડીમાં કોઇ દિન, નહિ આવીએ પ્રાણજીવન । પડ્યું કષ્ટ પ્રલય સમાન, હવે તો આપો જીવિતદાન ।।૪૨।।

થયા તસ્કર તો લજ્જાતુર, નીચાં મુખ કરી બોલ્યા ભૂર । તમારા મોટા પુત્ર જોખન, હકીકત જાણશે એ મન ।।૪૩।।

અમને મારી નાખશે આજ, ખેંચી લેશે પ્રાણ મહારાજ । હાલે આવ્યા કે આવશે આંય, પછે નાસીને જૈશું ક્યાંય ।।૪૪।।

તસ્કર એમ કહેછે વાત, એટલામાં આવ્યા બેઉ ભ્રાત । મોટાભાઇએ દેખ્યા તે ચોર, ફણસના તરુ ચારે કોર ।।૪૫।।

ભ્રકુટી ચડી છે તેણીવાર, રોમાવળી થઇ કુતકાર । મારવા જાય છે અહિનાથ, ત્યાંતો શ્રીહરિએ ઝાલ્યા હાથ ।।૪૬।।

નરવીર આપે છે ત્યાં ધીર, વ્હાલે ઉભા રાખ્યા નિજ વીર । તસ્કર પામ્યા મનમાં ત્રાસ, નિશ્ચે જાણ્યું આ કરશે નાશ ।।૪૭।।

સિંહને દેખી ડરે હરણી, થઇ તસ્કરની એવી કરણી । એમ દેખીને શ્રીધર્મદેવે, ભાઇને ઉભા રાખ્યા છે એવે ।।૪૮।।

રામનો ક્રોધ થયો છે શાંત, પોતે ઉભા રહ્યા છે નિરાંત । પછે કહે વાલિડો વચન, તસ્કરને પોતે ભગવન ।।૪૯।।

હવે કરશો નહિ આ કામ, મરશો મોત વિના તમામ । ફરીથી આવશો જો આ ઠામે, પોચાડીશું કૃતાંતને ધામે ।।૫૦।।

પછે કરશો માં છુટ્યાની આશ, પડશે કંઠમાં મૃત્યુપાશ । આ તો અમારી ઇચ્છાના બળે, ફળ પાકી રહ્યાં છે આ સ્થળે ।।૫૧।।

અમારાં માતપિતાજી જેહ, તેમને જમવા થયાં એહ । એમ કહીને ચોરના હાથ, ફળ થકી છુટા કર્યા નાથ ।।૫૨।।

અકેકું ફળ આપ્યું તેવાર, અલબેલો કરેછે ઉચાર । આ સમામાં તો લીધા ઉગારી, કરી પ્રભુએ રક્ષા તમારી ।।૫૩।।

નહિ તો મારત મોટાભાઇ, નિશ્ચે માની લેજ્યો મનમાંહી । એવું કહી રજા આપી દીધી, કૃપાનાથે સારી વાત કીધી ।।૫૪।।

સાથે લેઇને બન્ને કુમાર, ધર્મદેવ આવ્યા નિજ દ્વાર । કહી સર્વને વાત વિસ્તારી, થયાં વિસ્મિત સૌ નરનારી ।।૫૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ મખોડાઘાટે શકટમાં તોપ ચડાવી એ નામે તાણુંમો તરંગઃ ।।૯૩।।