તરંગ - ૯૪ - શ્રીહરિએ સખાઓની સાથે વિશ્વામિત્રીના સઘળા ઘાટે સ્નાન કર્યાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:45pm

 

પૂર્વછાયો

પછી અષાઢ માસની, પૂર્ણિમા શુભ સાર । શ્રીહરિ નિજ સખા સાથે, કરે છે એમ વિચાર ।।૧।।

મિત્રો ચાલો હવે જૈયે, આજ તો નાવા માટ । વિશ્વામિત્રી જેહ સરિતા, તેના જે સઘળા ઘાટ ।।૨।।

એમ ધારી દેવ મોરારી, સુખકારી ઘનશ્યામ । સખા સહિત નાવા ચાલ્યા, શ્રીપતિ સુખના ધામ ।।૩।।

પ્રથમ ગયા જોગીધરે, સ્નેહે કર્યાં ત્યાં સ્નાન । ત્યાંથી ચાલ્યા પશ્ચિમ કાંઠે, ઘારી ઘાટે ભગવાન ।।૪।।

ત્યાં સ્નાન કરી આગે ચાલ્યા, ઘાટ હરૈયા જ્યાંય, સ્નાન કરીને ચાલ્યા ત્યાંથી, કનવા ઘાટ છે ત્યાંય ।।૫।।

તે સ્થળે જળક્રીડા કરી, આગળ ચાલ્યા ઘનશ્યામ । ધોબીયાઘાટે જાતા હવા, ધર્મસુત સુખધામ ।।૬।।

 

ચોપાઇ

ત્યાં છે રજક જે મંછારામ, નિજ સુત સાથે અભિરામ । પુત્રને અજગરે ગળિયો, તેથી દુઃખ પામે છે બળિયો ।।૭।।

તેને સુંદર શ્યામે છોડાવ્યો, મૃત્યુના મુખમાંથી મુકાવ્યો । પછે ત્યાંથી કર્યું છે વિચરણ, ગૌઘાટે ગયા અશરણ શરણ ।।૮।।

શિવજીના ચોતરા ઉપરે, વસ્ત્ર ઉતાર્યાં મોહનવરે । થયા તૈયાર દેવ દેવેશ, કર્યો છે જળમાંહિ પ્રવેશ ।।૯।।

ઘણીવાર તે ઝીલ્યા જળમાં, બાળ મિત્ર સહિત બળમાં । અક્ષરપતિ થયા તૈયાર, ત્યાંથી ચાલ્યા છે ધર્મકુમાર ।।૧૦।।

ખંતાઘાટે થઇને અજીત, લીલવા ઘાટે ગયા અભિત । નિર્મળ નીરમાં કર્યું સ્નાન, કઠવા ઘાટે ગયા સમાન ।।૧૧।।

ત્યાંથી ગયા ઘાટ વિશ્રામ, અલબેલોજી સુંદરશ્યામ । સલુણે કર્યું તિયાં સ્નાન, ચાલ્યા આગળ શ્રી ભગવાન ।।૧૨।।

સિંહાઘાટે થઇને અગાડી, ચાલ્યા જાય છે મિત્ર પછાડી । પાછા વળીને જીવનપ્રાણ, ભવાનીયાપુરે આવ્યા જાણ ।।૧૩।।

એ છે મોતીત્રવાડીનું ગામ, ચાલ્યા ત્યાં થઇને અભિરામ । નરેચાના રાજા માનસંગ, તેના કોટમાં આવ્યા શ્રીરંગ ।।૧૪।।

કોટ કુવા પર ભગવાન, કરવા બેઠા ત્યાં જળપાન । ફણસ જમી ચાલ્યા શ્રીહરિ, પછે ઘેર આવ્યા એમ કરી ।।૧૫।।

સુણો રામશરણ એક ચિત્તે, બીજું ચરિત્ર કહું છું પ્રીતે । અયોધ્યાના દશરથ ભૂપ, અગાડી થઇ ગયા અનુપ ।।૧૬।।

માઘ માસમાં પંચમી સાર, પોતે લીલા કરી છે તે ઠાર । મેળો ભરાય છે ત્યાં હમેશ, તે દિનો અદ્યાપિ સુધી એશ ।।૧૭।।

તે મેળા પર જાવા વિચાર, ધર્મદેવે કર્યો નિરધાર । એમ ધારીને થયા તૈયાર, સાથે લીધા છે બેઉ કુમાર ।।૧૮।।

ચાલ્યા અવધપુરીયે ધર્મ, મોટાભાઇને શ્રીહરિ પરમ। એમ મારગમાં ચાલ્યા જાય, પિતા પુત્ર ત્રૈણે સુખદાય ।।૧૯।।

ચાલતાં ચાલતાં બની વાત, માર્ગમાં મળી એક જમાત । તેમાં સર્વે છે વૈરાગી જેહ, મહાક્રોધી વિરોધી છે તેહ ।।૨૦।।

તે પણ અવધપુરી જાય, મેળા પર જાવા અભિપ્રાય । ધર્મદેવે કર્યો છે સંગાથ, તેમના ભેગા ચાલ્યા સનાથ ।।૨૧।।

અયોધ્યાપુરીને માર્ગે જાય, પિતા પુત્ર સાથે સમુદાય । મખોડાઘાટે પોકયા સધીર, મનોરમા સરિતાને તીર ।।૨૨।।

તેમણે તિયાં કર્યો પડાવ, નદીને કાંઠે કરીને ભાવ । એક રમણી જગ્યા સુંદિર, ત્યાં છે રામચંદ્રનું મંદિર ।।૨૩।।

હરિપ્રસાદ ઉતર્યા ત્યાંય, સુત સહિત મંદિરમાંય । પછે કરવા ગયા છે સ્નાન, સરિતામાંહિ તે પૂન્યવાન ।।૨૪।।

ધર્મદેવ ને રામપ્રતાપ, જળ લોટા ભરી લીધા આપ । બહિર ભૂમિએ બેઉ ગયા, શ્રીહરિ નદી પર રહ્યા ।।૨૫।।

પછી સેનાનો એક જન, મુખે બોલી ઉઠ્યો છે વચન । ઘનશ્યામ આવો આંહિ તમે, કાંઇ કામ બતાવીએ અમે ।।૨૬।।

લીલી તાંદળજાની આ ભાજી, તોડી લાવો તમે તાજી તાજી । ઠાકોરને જમાડવા કાજ, આવીને લેવરાવો તે આજ ।।૨૭।।

હરિ કે એમ ન થાય સહિ, લીલી ભાજી તો હું તોડું નહિ । આ મંદિરના પૂજારી જેહ, ઠાકોરજી સારૂં વાવી તેહ ।।૨૮।।

વળી ભાજીમાં જીવ રહ્યો છે, અમને એવો નિશ્ચય થયો છે । માટે તોડું નહિ એક પત્ર, ત્યારે બોલ્યો છે તેહ વિચિત્ર ।।૨૯।।

ક્રોધાતુર થયો છેે કુગાત્ર, ન સહન થયું તલ માત્ર । અસિ તાણી ઉઠ્યો અડબંગ, જુઠો જોગી મતિ જડભંગ ।।૩૦।।

તે છે નાદાર નખોદ પાટી, ખબર નથી ક્યાં જાશું ખાટી । આવ્યો મારવા લૈ તરવાર, બીજા સર્વે બોલ્યા તેહ ઠાર ।।૩૧।।

કાયકું ઓ લડકાકું મારે, તેરે મનમેં ક્યું ન બીચારે । ત્યારે બોલ્યો છે બુદ્ધિ રહિત, માર ડાલુંગા પ્રાણ સહિત ।।૩૨।।

ઉસ્ને વચન માન્યા ન મારા, ઉસ્કે લીયે દેતાહું મેં ડારા । કરે તે સર્વે એમ વિવાદ, પ્રભુજી નાઠા જીત પ્રમાદ ।।૩૩।।

પિતા બંધુ કરે છે જ્યાં સ્નાન, ત્યાં ગયા પોતે શ્રી ભગવાન । પછે તે બોલી ઉઠ્યો તે ઠામ, માંહો માંહિ ચાલ્યો છે સંગ્રામ ।।૩૪।।

મતિ નષ્ટ થયેલો છે ભ્રષ્ટ, કહેવા લાગ્યો છે સર્વેને સ્પષ્ટ । મુને વાતને ચાળે ચડાવ્યો, ઓલ્યા બાળકડાને બચાવ્યો ।।૩૫।।

બચા દેખો અમારી આ વાત, તુમ સબકી કરું મેં મંડાયો ઘાત । એમ લાગી ઉઠ્યા છે અંગારા, બેઉ પક્ષ બંધાયા છે ન્યારા ।।૩૬।।

માંહોમાંહિ કરે મારામાર, મહાયુદ્ધ તે ઠાર । કોઇ કોઇનો ઠોર ન મુકે, એક એકની ચોટ ન ચુકે ।।૩૭।।

તુંબી ફલવતે ફોડે શીષ, મારે શસ્ત્ર કરી ઘણી રીશ । રાતાં થયાં છે રીશે લોચન, ગર્દ ઉડે ઢંકાયો ગગન ।।૩૮।।

યુદ્ધની લાગી રહી ત્યાં ઝડી, મોટા ગુરુને માલમ પડી । વાત જાણીને વારવા આવ્યા, ગુરુને પણ ચાક ચડાવ્યા ।।૩૯।।

ગુરુની અવજ્ઞા કરી ઘણી, બનવાની હતી તે તો બની । તેમને તો ચડી ગયો કોપ, ગુરુની લજ્જા કરી છે લોપ ।।૪૦।।

કૈક થૈ ગયા કચ્ચરઘાણ, કૈકની વળી છે સોથરાણ । કૈક અધમુવા કૈ અધુરા, કૈક થૈ ગયા છે ચકચુરા ।।૪૧।।

જાણે રણ પંડિત મચીયા, એવા રણભુમિના રસિયા । એમ યુદ્ધ થયો ઘણીવાર, સર્વેનો આવી ગયો છે પાર ।।૪૨।।

માંહોમાંહિ પામી ગયા મરણ, ભયંકર બન્યું એ આચરણ । એવું દેખીને શ્રીધર્મદેવ, બે પુત્રને લઇ તતખેવ ।।૪૩।।

ગયા ત્રણે તે મંદિરમાંહિ, પોતે ઉતારો કર્યો છે ત્યાંહિ । ભૂમિના ભાર રૂપ અસુર, ભવમાં છે ભટકતા ભૂર ।।૪૪।।

પ્રભુ પોતે ઇચ્છા મન ધારી, નાશ પમાડે છે કળે કરી । જ્યાં ત્યાંથી ભૂમિકાનો જે ભાર, ઉતારી દે છે જગદાધાર ।।૪૫ ।।

પરસ્પર કરાવે છે વેર, જીયાં તિયાં મરી રહે ઠેર । પોતાની માયા પોતે પ્રમાણે, બીજા બ્રહ્મા જેવા નવ જાણે ।।૪૬।।

કરેલીલા મનુષ્યના જેવી, કોઇ સમજી ન શકે તેવી । પ્રગટ્યા છે કરવા જે કામ, તે માટે ફરે છે ઠામો ઠામ ।।૪૭।।

મહાસાગર બાળ ચરિત્ર, એમાં આવી પડ્યો જે પવિત્ર । પામે તે જન સુખ અપાર, વખાણું શું હું વારમવાર ।।૪૮।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રી સહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ સખાઓની સાથે વિશ્વામિત્રીના સઘળા ઘાટે સ્નાન કર્યાં એ નામે ચોરાણુંમો તરંગઃ ।।૯૪।।