તરંગ - ૧૦૩ - શ્રીહરિને સન્મુખ નારદમુનિએ આગમચરિત્ર કહ્યાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:31pm

 

પૂર્વછાયો

છુપૈયાથકી આવ્યા ત્રૈણે, અવધપુર મોઝાર । શ્રીહરિની ઇચ્છાવડેથી, આનંદ વર્તે અપાર ।।૧।।

થોડો થોડો જ્વર આવે છે, ધર્મદેવને શરીર । ભજન કરે છે પ્રભુનું, ધરીને મનમાં ધીર ।।૨।।

ત્યાર પછે એક દિવસે, હરિકૃષ્ણ મહારાજ । સખા સર્વે સંગાથે લેઇ, શું કરે છે હવે કાજ ।।૩।।

દીલિસિંહ માનસિંહજી, શ્યામચરણ સુખરાસ । હર્દેશ્વર વૈરાગી આદિ, સખા સહુ આવ્યા પાસ ।।૪।।

 

 

ચોપાઇ

 

કેટલાએક તે સખાજન, સંગલેઇને ચાલ્યા જીવન । રામઘાટે સર્જુગંગાતીર, સ્નાન કરવા ગયા છે ધીર ।।૫।।

સખાસહીત કર્યું છે સ્નાન, થયા તૈયાર શ્રીભગવાન । પૂર્વદિશા ભણી જોયું ચક્ષ, આંબાનું છે તિયાં મોટું વૃક્ષ ।।૬।।

તેના હેઠે ગયા ઘનશ્યામ, મિત્રો સહિત પૂરણકામ । ચોત્રો કરાવ્યો રેતીનો સાર, તેપર બેઠા ધર્મકુમાર ।।૭।।

સખાવેષ્ટિત સુંદરશ્યામ, ઘણા શોભી રહ્યાછે તેઠામ । રામચંદ્રના જન્મની વાત, અન્યોઅન્ય કરે છે સાક્ષાત ।।૮।।

તેસમે હરિઇચ્છા હારદ, તે જગ્યાયે આવ્યા છે નારદ । વિણાયંત્ર લીધું કરમાંય, શ્રીહરિવરના ગુણ ગાય ।।૯।।

આવ્યા મુનિ મહાપ્રભુ પાસ, કર્યા પ્રણામ આણી હુલ્લાસ । થયા ગદ્ગદ્ કંઠે સ્થિર, કરેછે પ્રાર્થના મતિધીર ।।૧૦।।

હે પ્રભુ હે હરિ ભગવન, આજ હું તો થયો છું પાવન । ઘણા જીવના કલ્યાણ સારૂં, દ્વિજકુળ વિષે તનુ ધાર્યું ।।૧૧।।

મનુષ્યાકૃતિએ આચરશો, જે જે કામ ધરણીમાં કરશો । તવ સખાના સુણતાં આજ, તે વર્ણન કરૂં મહારાજ ।।૧૨।।

તે તે સ્થાનકવિષે આવીશ, તમારી લીલાને હું જોઇશ । સુણો રામશરણ શુભ મન, નારદજી કરે છે વર્ણન ।।૧૩।।

પ્રભુને જે કરવાં છે કાજ, તેને વિસ્તારી કે મુનિરાજ । કેવા લાગ્યા આગમ ચરિત્ર, સખાસહિત સુણે પવિત્ર ।।૧૪।।

માતપિતાનું કાર્ય જરુર, આપ કરશો ઉમંગ ઉર । તેમને આપશો દિવ્યગતિ, સમીપે રાખશો મહામતિ ।।૧૫।।

પછે આવશે બ્રહ્માદિદેવ, કરવા તવ દર્શનસેવ । ફરીથી તે પાછા નવ આવે, એ આજ્ઞા કરશો તમે ભાવે ।।૧૬।।

પછેથી આપ અયોધ્યામાંહિ, થોેડા દિન રેશો પ્રભુ આંહિ । ત્યાર કેડે વનમાં વિચરશો, અનેકનાં કલ્યાણ કરશો ।।૧૭।।

જ્યાં અસુર રહ્યા હશે ખાસ, દષ્ટિમાત્રે કરશો તેનો નાશ । જાશો ગોરખપુરછે જ્યાંય, સંજયનું ક્ષેત્ર રહ્યું ત્યાંય ।।૧૮।।

તેની સેવા કરી અંગિકાર, બે દિન રેશો આપ તેઠાર । સંજયને આપી વરદાન, જનકપુરી જાશો નિદાન ।।૧૯।।

ત્યાંથી કરશો પ્રયાણ શ્યામ, દિઘાઘાટે જશો સુખધામ । સરિતાઓનો ત્યાંછે સંગમ, ચારગૌનો પ્રવાહ અગમ ।।૨૦।।

બાહુબળથી તે ઉતરશોે, ત્યાંથી આગે વિચરણ કરશો । ઘોરવનમાં વિચરી નાથ, કૈક જીવને કરશો સનાથ ।।૨૧।।

કાળો ને શ્વેત શિખરી નામ, આપ વિચરશો તેહ ઠામ । પછે હિમગિરિમાં ફરશો, કૈક યોગી કૃતારથ કરશો ।।૨૨।।

ત્યાંથી પધારશો તમે પરમ, પ્રભુજી પ્રેમે પુલહાશ્રમ । તપ કરશો કઠણ તન, થાશે સૂર્યદેવ ત્યાં પ્રસન્ન ।।૨૩।।

વેગે પામીને ત્યાં વરદાન, પછે વિચરશો ભગવાન । પછે બુટોલનગ્રનો રાય, તેને શરણે લેશો સુખદાય ।।૨૪।।

મયારાણીનાં સખ્ત વચન, તેને સાંભળી કરશો સહન । દેહ દમન કરશો દયાળુ, વર્ણી વેશ કરીને કૃપાળુ ।।૨૫।।

પછે ગોપાળજોગીને મળશો, યોગાભ્યાસ તેને શિખવશો । અષ્ટાંગયોગ કરાવી સિદ્ધ, યોગીપાસે રહેશો પ્રસિદ્ધ ।।૨૬।।

નિજ સ્વરૂપનું આપી જ્ઞાન, તેને મોક્ષતણું દેશો દાન । પછે પિબૈકને જીતી લેશો, દુષ્ટ દૈત્યોને શિક્ષા કરશો ।।૨૭।।

ત્યાંથી નવલખો નગ જયાંય, પ્રભુ પધારશો તમે ત્યાંય । નવલાખ રૂપ હરિ ધરશો, સર્વ યોગીનાં કલ્યાણ કરશો ।।૨૮।।

ત્યાંથી વન વિચરણ કરશો, કૈક જીવનાં સંકટ હરશો । હે હરિ તમે પૂરણકામ, ભક્તોેને દેશો અક્ષરધામ ।।૨૯।।

નસિદપુર તણો રાજન, તેને ત્યાં જશો શ્રીભગવન । એની સેવા કરી અંગિકાર, આગે વિચરશો ભવતાર ।।૩૦।।

પછે ત્યાં થકી ચાલતા થાશો, જગન્નાથપુરી વિષે જાશો । ત્યાં હશે કોઇ આસુરી જન, તેને મોહ પમાડશો મન ।।૩૧।।

પાસે રહી પોતે અવિનાશ, આસુરીનો કરાવશો નાશ । વળી ત્યાં નારીનર જે જન, હશે દુરાચારી કોઇ મન ।।૩૨।।

તેનો તરત કરાવશો ત્યાગ, પુણ્યશ્લોક પ્રભુ મહાભાગ । વરતાવશો ભાગવત ધર્મ, વર્ણાશ્રમની રીતે તે પરમ ।।૩૩।।

સત્રધર્મા નામે જે રાજન, ત્યાં જઇ દેશો તેને દર્શન । પછે આપશો જ્ઞાન ગંભીર, નિજ સ્વરૂપનું ધરી ધીર ।।૩૪।।

ત્યાંથી વિચરશો નરવીર, સેતુબંધ રામેશ્વર ધીર । દક્ષિણદેશમાં તીર્થ જેહ, શિવકાંચી વિષ્ણુકાંચી તેહ ।।૩૫।।

તેને ઓળંઘીને અભિરામ, નાશિક ત્ર્યંબકેશ્વર શ્યામ । કેટલાક દિન તેહ સ્થાન, ગોદાવરીમાં કરશો સ્નાન ।।૩૬।।

પછે ત્યાંથી કરશો પ્રયાણ, સુરતે જાશો જીવનપ્રાણ । તાપી ગંગા ઉતરશો પાર, જાશો ભરુચમાં નિરધાર ।।૩૭।।

નર્મદાને કાંઠે અનુક્રમ, જ્યાં છે ભૃગુઋષિનો આશ્રમ । રેશો એહ સ્થાને કઇક દિન, ત્યાંથી આગળ જાશો જીવન ।।૩૮।।

ગુજરાત ઉલંઘિને છેલા, ભાલમાંહિ જાશો અલબેલા। કરશો ભીમનાથનાં દર્શન, આગળ ચાલશો ભગવન ।।૩૯।।

પછે ત્યાંથી જાશો મહારાજ, માંગરોળમાંહિ સુખસાજ । એમ સઘળાં તીર્થ કરીને, લોજપુરમાં જાશો ફરીને ।।૪૦।।

વાવ્યે સંત ભેળા તે ભળશો, મુક્તમુનિને તિયાં મળશો । રામાનંદ સ્વામી મતિસાર, એેછે ઉદ્ધવનો અવતાર ।।૪૧।।

મળશો જ્યાં પિપલાણા ગ્રામ, સ્વામી પાસે રેશો સુખધામ। લેશો શુભ દીક્ષા તેહ થકી, નારાયણ તે કહું છું નક્કી ।।૪૨।।

તમે નારાયણમુનિ ખ્યાત, થાશો પ્રગટ પ્રભુ પ્રખ્યાત । સ્વામીને આપી પોતાનું જ્ઞાન, દિવ્ય ગતિ દેશો ભગવાન ।।૪૩।।

પછે સત્સંગમાં પ્રવરશો, ઘણા જીવનાં કલ્યાણ કરશો । સમાધિયો કરાવીજ લેશો, તમે આત્યંતિક મોક્ષ દેશો ।।૪૪।।

એમ નારદમુનિ કહે છે, શ્રીહરિ તે ધ્યાનમાં લહે છે । બીજાં બાકી રહ્યાં જે ચરિત્ર, આગળ કેશે સુણો પવિત્ર ।।૪૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિને સન્મુખ નારદમુનિએ આગમચરિત્ર કહ્યાં એ નામે એકસો ને ત્રીજો તરંગઃ ।।૧૦૩।।