પૂર્વછાયો
રામશરણજીયે પ્રશ્ન પુછ્યું, સુણો મોટા મહારાજ । આગમ ભાખ્યું જે નારદે, તે વિસ્તારીને કહોે આજ ।। ૧।।
પ્રસન્ન થઇને બોલીયા, પોતે તે અવધપ્રસાદ । રામશરણજી સાંભળો, એ નારદનો સંવાદ ।।૨।।
હરિને કે નારદમુનિ, સુણો શ્રીપતિ શ્યામ । ધર્મ સ્થાપશો ધરામાંહિ, તમે જ પૂરણકામ ।।૩।।
જેતલપુર ડભાણજે, પુણ્યશાળી તેહ ગામ । રુડું ને અતિ રુડું કરશો, વિષ્ણુયાગ કરી તેહ ઠામ ।।૪।।
અષ્ટપ્રકારે બહ્મચર્ય, પળાવશો તમે પ્રીત । દેશાંતરના મુક્તજનને, તેડાવશો રુડી રીત ।।૫।।
ચોપાઇ
મહામુક્ત અક્ષરના જેહ, તેણે ધાર્યાછે મનુષ્ય દેહ । તેમને બોલાવી લેશો આજ, સમીપે રાખશો મહારાજ ।।૬।।
બાઇ ભાઇ જે અનંત જન, તેને પોતાના કરશો જીવન । અયોધ્યાપ્રસાદ રઘુવીર, એ બે તમારા ભત્રિજા ધીર ।।૭।।
દત્તપુત્ર કરીને સ્થાપશો, આચાર્યપદ તેને આપશો । વળી શ્રીનગ્ર પાવન પુન્ય, એહ પુરની ધરણી ધન્ય ।।૧૮।।
તેમાં નરવીરાદિ દેવનું, તમો સ્થાપન કરશો તેમનું । મૂળીપુર વિષે સત્યમેવ, ત્યાં સ્થાપશો રાધાકૃષ્ણદેવ ।।૯।।
વળી હરિકૃષ્ણ તવ રૂપ, તે સ્થાપન કરશો અનૂપ । વળી ભુજંગપુર વિશાળ, ત્યાં પધારશો દીનદયાળ ।।૧૦।।
સ્થાપશો નરવીર પ્રમુખ, કાપશો કૈક ભક્તનાં દુઃખ । વૃત્તપુરી વિષે તતખેવ, લક્ષ્મીનારાયણ આદિ દેવ ।।૧૧।।
તેનું સ્થાપન કરશો ત્યાંય । ઘણો મુદ ધરી મનમાંય । તમે લીલા કરશો અપાર, વૃત્તાલયપુરી વિષે સાર ।।૧૨।।
વળી વૈરાટ નગ્ર પાવન, ત્યાં તમે જાશો જગજીવન । મોરલીમનોહર જે દેવ, તેને સ્થાપન કરશો એવ ।।૧૩।।
રૂડું જેતલપુર છે ધામ, તિયાં પધારશો ઘનશ્યામ । રાધાકૃષ્ણ સાથે બલદેવ, તેમને સ્થાપશો તતખેવ ।।૧૪।।
ધોલેરા બંદર અભિરામ, તેમાં વિચરશો સુખધામ । મદનમોહનનું સ્વરૂપ, તેને સ્થાપન કરશો અનૂપ ।।૧૫।।
પછે જીરણગઢ જીવન, રાધારમણ કરશો સ્થાપન । ગઢપુરવિષે નિજ હાથ, પધરાવશો ત્યાં ગોપીનાથ ।।૧૬।।
એ આદિ સર્વે મંદિરોમાંય, કરશો દેવસ્થાપન ત્યાંય । સ્વહસ્તે પધરાવશો આપ, નિજજનના ટાળશો તાપ ।।૧૭।।
બીજાં અનંત મંદિર થાશે, તેમાં ગુણ તમારા ગવાશે । સર્વશાસ્ત્રની સાખેસહિત, સત્સંગિજીવન સર્વે હિત ।।૧૮।।
એ શાસ્ત્રથી ઉદ્ધારીને સ્વામી, શિક્ષાપત્રી કરશો બહુનામી । આ અવનીપર ઘરોઘર, થાશે પૂજન તવ સુંદર ।।૧૯।।
જીવ પ્રાણીમાત્ર જે કેવાય, તવ શરણે આવે જે સદાય । અંતે પમાડશો સદગતિ, અક્ષરધામ દેશો શુભમતિ ।।૨૦।।
આવી કરશો લીલા અપાર, પૃથ્વી ઉપર દેવમોરાર । ઘણા દેખાડશો ચમત્કાર, નરનારીને તે ઠારોઠાર ।।૨૧।।
ધરણીમાં એકાંતિક ધર્મ, સ્થાપન કરશો તે અનુક્રમ । ઘણા જીવને શરણે લેશો, સુખ અપરિમિતજ દેશો ।।૨૨।।
આ રૂપે પોતાનો મનોરથ, તમે પૂર્ણ કરશો સમરથ । પછે આ મૃત્યુલોક વિલાસ, થશો તે થકી આપ ઉદાસ ।।૨૩।।
કોટિ કોટિ પોતાના જે મુક્ત, સદા તેજોમય તેહ જુક્ત । બ્રહ્માદિકે સેવ્યા શુભ મન, એવા પોતે તમે ભગવન ।।૨૪।।
પધારશો સ્વધામમાં આપ, નિજ ભક્તતણા ટાળી તાપ । પછે પોતાના આશ્રિત જન, રેશે પૃથ્વી ઉપર પાવન ।।૨૫।।
એના અંતરમાં આવી રેશો, સેવકને દઢ ધીર દેશો । કરશો રક્ષા અંતર્યામીપણે, બીજાથી એવું કામ ન બણે ।।૨૬।।
સુખસાગર હે દીનબંધુ, હે દીનાનાથ ગુણના સિંધુ । હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, પુરૂષોત્તમ પૂરણકામ ।।૨૭।।
મેં ચરિત્ર કહ્યાં મહારાજ, આગળ કરશો સુખસાજ । દ્રષ્ટિયે દેખીશ તે ચરિત્ર, આ પ્રગટનાં પુન્ય પવિત્ર ।।૨૮।।
નરનાટક ધરીને શ્યામ, જે જે આગળ કરશે કામ । નારદજીયે કહ્યાં વિસ્તારી, સખા સંગે સુણે સુખકારી ।।૨૯।।
સર્વે બેઠાછે સર્જુને તીર, સુણી રાજી થયા નરવીર । શ્રીહરિ કે સુણો મુનિજન, તમે ચરિત્ર કહ્યાં પાવન ।।૩૦।।
તેનું સ્મરણ નિશ દિન કરજ્યો, ગાતા થકા ત્રિલોકીમાં ફરજ્યો । મુમુક્ષુને કરજ્યો ઉપદેશ, હૈયે હર્ષ કરીને હમેશ ।।૩૧।।
તેને મોકલજ્યો મમ પાસ, એવો બોધ કરીને હુલ્લાસ । એવું પામ્યા મુનિ વરદાન, મહાપ્રભુએ દીધુંછે માન ।।૩૨।।
પછે ઋષિએ કર્યો પ્રણામ, આજ્ઞા માગી ચાલ્યા અભિરામ । તે તો ગયા તીરથને સ્થાન, હવે શું કરેછે ભગવાન ।।૩૩।।
પછી સર્વે બોલ્યા છે ત્યાં વાણી, સુણો શ્રીહરિ સારંગપાણી । ક્ષર અક્ષર તે થકી પર, નારાયણ તમે નટવર ।।૩૪।।
નારદજીનાં સુણી વચન, અમને નિશ્ચય થયો મન । માટે હે દયાળુ ભગવાન, અમોને દયા કરજ્યો નિદાન ।।૩૫।।
સમીપે રાખજ્યો ભગવાન, માગીએ અમે એ વરદાન । એવું સાંભળી શ્રી ઘનશ્યામ, થયા પ્રસન્ન પૂરણ કામ ।।૩૬।।
સર્વે સખાને કે છે શ્રીહરિ, સુણો ભાઇ વાત કહું ખરી । તમે તો છો મોટા ભાગ્યવાન, નથી કોઇ તમારા સમાન ।।૩૭।।
નહિતો મળવો યોગ અમારો, અતિ દુર્લભ છે તે વિચારો । આંહિ મિત્ર થઇને ગમો છો, રાતદિવસ ભેગા રમોછો ।।૩૮।।
અંતકાળે હું બેલી થઇશ, મારા સમીપે તેડી જઇશ । નિત્ય રાખીશ હું મારી પાસ, એવું વેણ બોલ્યા અવિનાશ ।।૩૯।।
પછી સખા સહિત સધાવ્યા, વ્હાલોજી પોતાને ઘેર આવ્યા । ત્યારે ભક્તિમાતા કહે વેણ, સાંભળો શ્રીહરિ સુખદેણ ।।૪૦।।
આજ કેમ થઇ ઘણીવાર, ઘેર આવતાં મારા કુમાર । એવું સુણી સખા તેણી વાર, વાત કહેવા લાગ્યા નિરધાર ।।૪૧।।
ધર્મભક્તિ સુવાસની બાઇ, બીજા જન આદિ મોટાભાઇ । તે સર્વેને કહ્યું છે વૃતાંત, સુણીને રાજી થયા તે શાંત ।।૪૨।।
કરી રસોઇ પૂરણ પ્રીતે, વ્હાલાને જમવા રુડી રીતે । જગજીવનને ત્યાં જમાડ્યા, સખા સંગે આનંદ પમાડ્યા ।।૪૩।।
તે સમે આવ્યો માતાને તાવ, વિચારે છે નટવર નાવ । પોતે આવીને બેઠા છે પાસ, સમાચાર પુછે અવિનાશ ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિનાં નારદમુનિયે આગમ ચરિત્ર કહ્યાં ને શ્રીહરિઘેર પધાર્યા એ નામે એકસો ને ચોથો તરંગઃ ।।૧૦૪।।