ધર્મ રાખે તે ધર્મી કે’વાયજી, ધર્મ વિના જેણે પળ ન રે’વાયજી
ધર્મ જાતાં સુખ સર્વે જાયજી, ધર્મ રહે છે એવા જનમાંયજી।।૧।।
ઢાળ -
એવા જનમાં ધર્મ રહે, જે માહાત્મ્ય જાણે મહારાજનું
મહા મોંઘો મેળાપ જેનો, કયાંથી થાયે સર્વેને શિરતાજનું ।। ર ।।
નર અમર અમરેશને અગમ, અગમ ઈશ અજને ઘણું
પ્રકૃતિ પુરુષથી પરા રહ્યા, કયાંથી મળવું થાય તેને આપણું ।। ૩ ।।
સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત બ્રહ્માંડ આધાર
ક્ષર અક્ષરના આત્મા, પૂરણ સહુને પાર ।। ૪ ।।
તેહ પ્રભુ પ્રગટ થઈ, નાથે ધરિયું નરતન
એવા પ્રભુનાં આપણે, કહો કયાંથી મળે વચન ।। પ ।।
મોટા મોટા ઇચ્છે છે મનમાં, આગન્યા સારુ ઉરમાંય
એવા પ્રભુની આગન્યા, મળવી મોંઘી સહુને સદાય ।। ૬ ।।
તેહ હરિ કૃપા કરી કે’છે, વળી વા’લપનાં વચન
તે પડવા ન દેવા પૃથ્વીએ, લેવા ઝીલી અધરથી જન ।। ૭ ।।
જેમ મોરપત્ની બિંદુ આવતાં, રત્યે લિયે છે રસે ભરેલડાં
તેનો મયૂર થાય તદવત, થાય પડતાં બિંદુના ઢેલડાં ।। ૮ ।।
તેમ આવતાં વચન વા’લાતણાં, ગ્રહી લિયે નર ગરજું થઈ
તે પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નઈ ।। ૯ ।।
સર્વે કામ તેણે સારિયું, વળી ધાર્યા સર્વે ધર્મ
નિષ્કુળાનંદ કહે નકી થયું, જેણે જાણ્યો આટલો મર્મ ।। ૧૦ ।।કડવું।।૨૯।।