૭૧. સંતો પ્રગટની લીલાનું સ્મરણ કરતા ગુજરાતમાં ગયા, પછી જન્માષ્ટમી ઉપર સંતોને વડતાલ તેડાવી શ્રીહ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:00pm

ચોપાઇ-

પછી સંત ચાલ્યા સહુ મળી, કરતા વાત વાલ્યમની વળી ।

એક કહે સુણો મુનિ સાથ, કેવા રમતા નટવર નાથ ।।૧।।

એક કહે સાંભળો મરાલ, કેવી લીધીતી રમતાં ઢાલ ।

એક કહે સુણો સંત વળી, કેવો નાખતાતા રંગ વળી ।।૨।।

એક કહે સુણો મુનિરાજ, કેવા શોભતાતા મહારાજ ।

એક કહે જુવોને સંભારી, કેવી નાખતાતા પીચકારી ।।૩।।

એક કહે લટકાળો લાલ, કેવો ઉડાડતાતા ગુલાલ ।

એમ કહે માંહોમાંહિ મળી, કેવો રહ્યો તો રંગડો ઢળી ।।૪।।

ફરતા પંગત્યમાં પાક લઇ, ના ના કરતાં જાતા જોરે દઇ ।

એક કહે સુણો ઋષિરાય, લાલ આવ્યા હતા લેરમાંય ।।૫।।

આજ લીળા કરી જે દયાળે, એવી કરી નોતિ કોઇ કાળે ।

આગે અનેક ધર્યા અવતાર, બહુ જનનો કરવા ઉધ્ધાર ।।૬।।

છેતો એના એજ આ શ્રીહરિ, પણ આવી લીળા નોતિ કરી ।

આજ આપ્યાં જે સંતને સુખ, તે તો કહ્યાં જાય કેમ મુખ ।।૭।।

માટે મોટાં ભાગ્ય છે આપણાં, આજ ન રાખી મહારાજે મણા ।

એમ વાત કરતાં તે વળી, ગઇ દેશ પ્રદેશે મંડળી ।।૮।।

કરે વાત ફરે મુનિજન, એમ કરતાં વીત્યા કાંઇક દન ।

પછી આવી છે જનમાષ્ટમી, સંત આવ્યા ચડોતરે ભમી ।।૯।।

સહુ વિટિ રહ્યા વરતાલ, ઇયાં આવશે લાડીલો લાલ ।

એમ વાટ જુવે સહુ સાથ, કહે જોબને તેડ્યા છે નાથ ।।૧૦।।

વાટ જોતાં વાલ્યમજી આવ્યા, તિયાં સર્વે સંતને બોલાવ્યા ।

સંત આવી લાગ્યા પ્રભુ પાય, નાથ નિરખિ તૃપ્ત ન થાય ।।૧૧।।

દિયે દર્શન પ્રસન્ન કરે, નિજ દાસતણાં દુઃખ હરે ।

બેઠા ઉચ્ચે આસન અવિનાશ, સામું જોઇ રહ્યા સહુ દાસ ।।૧૨।।

એવે સમે અત્તર એક લાવ્યો, અલબેલાને ચર્ચવા આવ્યો ।

તેતો લઇ લીધું હરિ હાથે, ર્ચિચ સંતની નાસિકા નાથે ।।૧૩।।

ર્ચિચ નાસિકા ને બોલ્યા નાથ, તમે સાંભળજયો સહુ સાથ ।

બીજા ભેખ થાશે ધૂડ્યધાણી, રહેશે તમારા મુખનું પાણી ।।૧૪।।

એમ કહીને બેઠા આસન, સુણી સંત થયા છે મગન ।

પછી સંતે કર્યાં ગુણગાન, તેને સુણી રીઝ્યા ભગવાન ।।૧૫।।

આપી માથેથી સોનેરી મોળ, કાજુ કસુંબી રંગે ઝકોળ ।

પછી હરિજને હેત કરી, કાજુ કેવડાની ટોપી ધરી ।।૧૬।।

તેતો હરિએ લીધી છે હાથે, મેલી મુક્તાનંદજીને માથે ।

બીજા પાસે હતા જે મરાલ, તેને આપીયું ફુલની માળ ।।૧૭।।

પછી સુરતથી સત્સંગી આવ્યા, પૂજા પ્રભુજીને કાજે લાવ્યા ।

હાર હેમકડાં બાંયે બાજુ, વેઢ વિંટી કુંડળીયાં કાજુ ।।૧૮।।

કડી વેલ્ય ને કટિકંદોરો, માળા માદળિયાં પાયતોડો ।

શાલ દુશાલા ને જામો જરી, રેંટો ફેંટો ને પાઘ સોનેરી ।।૧૯।।

ધૂપ દીપ અગર આરતી, ફુલ કેસર કપુરબત્તી ।

એમ લઇ બહુ ઉપચાર, પ્રેમે પૂજયા છે પ્રાણઆધાર ।।૨૦।।

કરી પૂજા ને જોડ્યા છે હાથ, જન ગાય છે જયજય ગાથ ।

પછી રચ્યો છે હિંડોળો સાર, વાલો ઝુલે છે વનમોઝાર ।।૨૧।।

શોભે શ્યામળિયો ભિને વાન, વાલો ત્રોડે છે તાળીનું તાન ।

કરે કરનાં લટકાં કાજુ, જોઇ જનતણું મન રાજુ ।।૨૨।।

પછી ઉભા થયા અલબેલ, સ્થંભ ગ્રહિને દીધી છે ઠેલ ।

હાલે હિંડોળો ઝુલે છે હરિ, જયજય રહ્યા જન કરી ।।૨૩।।

એમ કરે છે લીલા અપાર, નિરખી સુખ લીયે નરનાર ।

પછી અલબેલા આગળે જન, કરી નૃત્ય ને કરે પ્રસન્ન ।।૨૪।।

પછી રાજી થયા બહુ રાજ, મળ્યા સંત મંડળને મહારાજ ।

પછી સંત ચંદન ઘસી લાવ્યા, મળી પ્રભુને પૂજવા આવ્યા ।।૨૫।।

પ્રેમે પૂજીયા પ્રાણઆધાર, કંઠે આરોપ્યા ફુલના હાર ।

ચર્ચ્યાં ચંદને ચરણ દોય, જને ઉરમાં છાપીયાં સોય ।।૨૬।।

અતિ રાજીમાં છે રંગ રસિયો, સર્વે જન તણે મન વસીયો ।

પછી થયું છે પંગત્યટાંણું, બેઠા સંત શોભા શી વખાણું ।।૨૭।।

જાણે બેઠી છે હંસની હાર, એકએકથી ઓપે અપાર ।

પછી મોદક લઇ મહારાજ, આવ્યા પ્રભુ પિરસવા કાજ ।।૨૮।।

જેમ જન જમાડે જીવન, બહુભાત્યનાં લાવી ભોજન ।

એમ આપે છે સુખ અપાર, તેનો કહેતાં આવે કેમ પાર ।।૨૯।।

કરાવ્યાતા હરિજને થાળ, તેતો જમ્યા સંત ને દયાળ ।

જમી બેઠા મુનિ બહુ મળી, સારી શોભે છે સંત મંડળી ।।૩૦।।

પછી નાથ કહે સંત શૂરા, આમાં કોણ કઠણ વ્રતે પુરા ।

જેવા છે આ આતમાનંદ, એવા હો તે બોલો મુનિઇંદ ।।૩૧।।

પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ ।

કહોતો મટકું ન ભરીયે મિટે, કહોતો અન્ન ન જમીયે પેટે ।।૩૨।।

કહોતો તજીયે છાદનનો સંગ, રહીયે હિમમાં ઉઘાડે અંગ ।

કહોતો પીવું તજી દૈયે પાણી, રહીએ મૌન ન બોલીયે વાણી ।।૩૩।।

કહોતો બેસીએ આસન વાળી, નવ જોયે આ દેહ સંભાળી ।

એમ હિંમત છે મનમાંય, તમે કહો તે કેમ ન થાય ।।૩૪।।

એમ બોલ્યા જયારે મુનિજન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન ।

કહે નાથ સુણો સાધુ શૂર, એતો અમને જણાય જરૂર ।।૩૫।।

તમે બોલ્યા તે સર્વે સાચું, બીજામાંય પણ નથી કાચું ।

એકએકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે ।।૩૬।।

એક વાત કહું માનો તેહ, આપણે આતમા નહિ દેહ ।

માનો ચૈતન્ય રૂપ તમારૂં, દુઃખરૂપ દેહ તેહ ન્યારૂં ।।૩૭।।

એમ કહી છે સંતને વાત, સુણી સાધુ થયા રળિયાત ।

કહે નાથ સુણો સહુ જન,પૂરો થયો ઉત્સવનો દિન ।।૩૮।।

સવેર્સધાવજયો મુનિ તમે, યાંથી ચાલશું સરવે અમે ।

એમ કહી પ્રભુજી પધાર્યા, સંતે નિર્ખિ અંતરે ઉતાર્યા ।।૩૯।।

આપ્યાં સુખ જનને જીવને, શ્રાવણવદી અષ્ટમીને દિને ।

તેદિ કર્યો છે ઉત્સવ વાલે, કરાવ્યો જોબન વરતાલે ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો એ નામે એકોતેરમું પ્રકરણમ્ ।।૭૧।।