૭૫. શ્રીહરિએ ગોંડળ પધારી રાજા હઠીસિંહને ખુમારીભર્યો ઉપદેશ આપ્યો, સોરઠમાં ફર્યા, ગઢડામાં સોરઠનાં

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:05pm

ચોપાઇ-

પછી શ્યામ સોરઠ પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।

ગામે ગામમાં દઇ દર્શન, કરે જનનાં મન પ્રસન્ન ।।૧।।

ખંભાળું રાયપર પિંપળ, રહી બંધીયે ગયા ગોંડળ ।

ગામ ગોંડળનો જે રાજન, નામ હઠિભાઇ હરિજન ।।૨।।

સખા સહિત સામા સહુ આવ્યા, અતિહેતે પ્રભુ પધરાવ્યા ।

પછી બોલિયા શ્યામ સુજાણ, તમે સાંભળો નરપતિ વાણ ।।૩।।

અમે ત્યાગીને રાજય તમારે, કેમ મળશે તમારે અમારે ।

જેમ તમને રાજયની ખુમારી, તેમ ત્યાગીને ત્યાગની ભારી ।।૪।।

માટે મોટા જો જાણો અમને, તો માનજયો જે કહીએ તમને ।

તૈયે જોડ્યા છે રાજાએ હાથ, જેમ કહો તેમ કરશું નાથ ।।૫।।

પછી પધાર્યા તેને ભવન, રહ્યા રાત્ય ને જમ્યા જીવન ।

પછી શીખ માગીને સધાવ્યા, ધ્રોડ કરી ધોરાજીયે આવ્યા ।।૬।।

રહી રાત્ય ને સધાવ્યા શ્યામ, ત્યાંથી આવ્યા છે ભાડેર ગામ ।

ત્યાં નિજજનને સુખ આપ્યાં, દેઇ દર્શન ને દુઃખ કાપ્યાં ।।૭।।

પછી આવ્યા માણાવદ્રમાંઇ, રહ્યા રાત્ય એક પોતે ત્યાંઇ ।

પછી ત્યાંથી પધાર્યા પંચાળે, દિધાં દાસને દર્શન દયાળે ।।૮।।

તિયાં રહ્યા રાજી થઇ બહુ, આવ્યાં સાંભળી દર્શને સહુ ।

આખા અજાબ્ય ને અગત્રાઇ, ગઢમઢ પિપ્પલ પોરછાઇ ।।૯।।

મેઘપુર માંગરોળ લોજ, કાલવાણી સમેધુ સુત્રોજ ।

ગણોદ જાળિયું ઉપલેટું, આવે દર્શને ન જુવે છેટું ।।૧૦।।

બાલ જોબન ને વૃદ્ધ વળી, આવ્યા પ્રભુ પધાર્યા સાંભળી ।

સહુ આવીને નિરખ્યા નાથ, જોઇ જીવન થયા સનાથ ।।૧૧।।

કરી પૂજા ને લાગ્યા છે પાય, અતિ હેત હૈયામાં ન માય ।

કહે કરજોડી એમ જન, ઘણે દહાડે દીધાં દરશન ।।૧૨।।

એમ કહી ભર્યાં નીર નયણે, પછી પ્રભુ બોલ્યા મીઠે વયણે ।

સાંભળો સતસંગી સોરઠી, તમે સહુ સુખી છો સારીપઠી ।।૧૩।।

અમે ફરીએ છીએ દેશ સહુ, પણ તમે વાલાં મને બહુ ।

અમે પ્રથમ પ્રગટ થઇ, કરી આ દેશમાં લીળા કઇ ।।૧૪।।

વળી આ દેશમાં સ્વામી મળ્યા, રામાનંદ જે ન જાય કળ્યા ।

તેના સતસંગી તમે કહાવો, માટે મારે મને અતિભાવો ।।૧૫।।

એવી સાંભળી વાલાની વાત, સહુ થયા અતિ રળિયાત ।

પછી આવ્યો દુર્બળ એક દાસ, અકિંચન નહિ વસ્ત્ર પાસ ।।૧૬।।

તેને આપ્યાં અંબર કરાવી, વળી મુઠડી મોરે ભરાવી ।

કાપ્યું દારિદ્ર એમ જનનું, હતું દુઃખ જે બહુ દનનું ।।૧૭।।

બીજાં સહુ સુખી થયાં જન, કરી પ્રભુજીનાં દર્શન ।

દિન દશ વિશ તિયાં રહ્યા, પછી ગામ પિપલાણે ગયા ।।૧૮।।

આખું અગત્રાઇ ગામ ફરી, પાછા પંચાળે આવિયા હરિ ।

રહી રાત્ય સવારે સધાવ્યા, ત્યાંથી માણાવદ્રમાંહિ આવ્યા ।।૧૯।।

દીધાં દાસને દરશન દાન, રહી રાત્ય ચાલ્યા ભગવાન ।

આવ્યા જાળિયે સુંદર શ્યામ, રહ્યા પહોર એક એહ ઠામ ।।૨૦।।

પછી જને કરાવ્યાં ભોજન, જમી ચાલિયા ત્યાંથી જીવન ।

બીજે રહ્યા નહિ કિયાં નાથ, આવ્યા બંધીયે સખાને સાથ ।।૨૧।।

ત્યાંથી ચાલ્યા રંગભીનો રાજ, આવ્યા ગામ ગઢડે મહારાજ ।

દિધાં દાસને દર્શન દાન, જને નિરખ્યા ભાવે ભગવાન ।।૨૨।।

પછી પૂછ્યું જને લાગી પાય, કેવા સતસંગી સોરઠમાંય ।

કહો કૃપા કરીને અમને, કેવું હેત કરતા તમને ।।૨૩।।

પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળો સહુ મળી જન ।

સોરઠદેશના સતસંગી જેહ, અતિનિર્મળ કોમળ તેહ ।।૨૪।।

નહિ છળ કપટ લગાર, બહુ વિશ્વાસી છે નરનાર ।

ઘણું નહિ ડહાપણ ચતુરાઇ, નિશ્ચય પ્રભુનો પર્વત પ્રાઇ ।।૨૫।।

જે દિના એને સ્વામી મળ્યા છે, તેદિના સર્વે સંશય ટળ્યા છે ।

નિરુત્થાન છે નર ને નારી, એકએકથી સમઝણ્યે ભારી ।।૨૬।।

એવા જન થોડા મળે જોતે, જેને મળ્યા રામાનંદ પોતે ।

ત્યારે જન કહે સત્ય મહારાજ, એવા જન નહિ બીજા આજ ।।૨૭।।

જેનાં તમે કરો છો વખાણ, એતો એવાજ છે પરમાણ ।

એમ હરિ હરિજન મળી, કરી વાત તે સર્વે સાંભળી ।।૨૮।।

એમ નિત્ય નવી વાતો કરે, સુણી જન હૃદે સહુ ધરે ।

એમ કર્તાં વીત્યો એક માસ, પછી પ્રભુજી થયા ઉદાસ ।।૨૯।।

લીધો સેવક એક સંગાત્યે, ઉઠી ચાલ્યા પોતે અરધિ રાત્યે ।

ગઢડાથી ઉતરમાં ગામ, રહે સતસંગી સુખપુર નામ ।।૩૦।।

તિયાં પધાર્યા દર્શન દેવા, તેને ઘેર હતો વળી વિવા ।

તિયાં મળ્યાં હતાં નરનાર, દિઠાં ઉન્મત સરખાં અપાર ।।૩૧।।

નહિ કેને વિચાર વિવેક, ચડ્યો કેફ વિવાનો વિશેક ।

કરે માંહોમાંહિ બહુ હાંસી, એવું જોઇને થયા ઉદાસી ।।૩૨।।

આવ્યા હતા ઉદાસી ટાળવા, ત્યાંતો સામુના અધિકા હવા ।

પણ કહ્યું નહિ કેને કાંઇ, પ્રભુ સમઝી રહ્યા મનમાંઇ ।।૩૩।।

પછી તર્ત ત્યાંથી ઉઠી ચાલ્યા, રહ્યા નહિ નાથ કેના ઝાલ્યા ।

કહે અમે જાશું દૂર દેશ, પાછા યાં નહિ કરીએ પ્રવેશ ।।૩૪।।

પછી હરિજને જોડ્યા હાથ, એવું કરવું નહિ મારા નાથ ।

હોય જીવમાં અવગુણ ઘણા, જોયા ન ઘટે નાથ તે તણા ।।૩૫।।

માટે દયાળુ દયા કરીને, આવો ગામમાં પાછા ફરીને ।

પછી પ્રભુ કહે સાંભળો તમે, જાઓ જરૂર આવશું અમે ।।૩૬।।

પણ આ પળે પાછા વળીને, નહિ આવીએ માનો મળીને ।

પછી ત્યાં થકી પોતે સિધાવ્યા, આઘા જઇને ગઢડે આવ્યા ।।૩૭।।

આવી લખાવ્યો કાગળ એક, તેમાં એટલો લખ્યો વિવેક ।

આપણા જે સતસંગી હોય, તેતો ભાંડ ભવાઇ ન જોય ।।૩૮।।

સાંખ્યયોગી હોય બાઇ ભાઇ, તેને જાવું નહિ વિવામાંઇ ।

કર્મયોગી જે જાય વિવાય, તેપણ ગીત પ્રભુજીનાં ગાય ।।૩૯।।

એહ આગન્યા છે જો અમારી, સહુ રહેજયો એમ નરનારી ।

એમ નહી રહે જન જેહ, નહિ અમારા સતસંગી તેહ ।।૪૦।।

એવી લખાવી કાગળે વાત, પછી પોતે થયા રળિયાત ।

થયા રાજી પોતે ત્યારે રાજ, જયારે કીધું છે એટલું કાજ ।।૪૧।।

એવા સંત સુખદાયી શ્યામ, દાસ દોષનિવારણ નામ ।

શોભાનિધિ તે સંતને આપી, બીજાં કલંક સરવે કાપી ।।૪૨।।

જેણે બેસે જગતમાં દાગ, એવાં કરાવ્યાં કુલક્ષણ ત્યાગ ।

તેણે શોભેછે સતસંગ ઘણો, તે પ્રતાપ મહાપ્રભુ તણો ।।૪૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજે ગઢડેથી સર્વે હરિજનના ઉપર કાગળ લખ્યો એ નામે પંચોતેરમું પ્રકરણમ્ ।।૭૫।।