વા’લીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે. (૪)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 6:51pm

 

રાગ - કાફી

પદ - ૧

વા’લીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે. વા’લી૦

અજબ અલૌકિક મસ્તક ઊપર, સુંદર પાઘ સમારી રે. વા’લી૦ ૧

ફુલતણાં છોગલીયાં ફરતાં, ધાર્યાં ગિરિવરધારી રે. વા’લી૦ ૨

અંતરમાંહે વસી છે આવી, મુરતિ મનોહર  તારી રે. વા’લી૦ ૩

બ્રહ્માનંદ કહે વ્રજજીવન, મોહન છો નિધિ મારી રે. વા’લી૦ ૪

 

પદ - ૨

છેલા તારું છોગું ભાળી, મોહી છું હું વનમાળી રે. છેલા૦

વ્રજવાસી નંદલાલ વિહારી, ચાલ તારી લટકાળી રે. છેલા૦ ૧

રસિક પિયા તારે ચટક રંગીલે, મોલીડે હદ વાળી રે. છેલા૦ ૨

લેરખડા જોઈ લગની લાગી, કોઈની રહું ન હવે ખાળી રે. છેલા૦ ૩

બ્રહ્માનંદ કહે પરવશ થઈ છું, પગભર ડોલું કેડે પાળી રે. છેલા૦ ૪

 

પદ - ૩

કાને મુને કીધી ઘેલી, હાથ ન રહ્યું મન હેલી રે. કાને૦

શેરડીયે મળ્યો મુને સામો, મોહન છોગલાં મેલી રે. કાને૦ ૧

નીરખતાં મન વશ કરી નાખ્યું, આંખ્યું મર્મ ભરેલી રે. કાને૦ ૨

ભૂલી ચીર શરીરતણી શુધ, હૈડાંની ધીરજ હરેલી રે. કાને૦ ૩

બ્રહ્માનંદ કહે એની છબીમાં, પ્રોવાણી જોયા પે’લી રે. કાને૦ ૪

 

પદ - ૪

શાને હવે રાખું છાની, મુરતિ  તમારી મન માની રે. શાને ૦

દુરીજનિયાં પાડોશી દેખીને, છોને બળીને થાંતા વાની રે. શાને ૦ ૧

નટવર  તમથી નેહ કરીને, પાછી ન ધરું પગપાની રે. શાને ૦ ૨

રસિક સલુણા પિયા તમ સંગ રમવું,  નથી વાતલડી એ નાની રે. શાને ૦૩

બ્રહ્માનંદના નાથ  તમારો, મહિમા જાણે છે મોટા જ્ઞાની રે. શાને ૦ ૪

Facebook Comments