અધ્યાય-૨૪
ગુજરાત દેશના હરિભક્તોને આનંદ પમાડીને બે માસ ફરીને ગામ શ્રી ગોતરકા મધ્યે સદાવ્રત લઇને ગામ સાંતલપુર તથા આડેસર થઇને ગામ રાપર પધાર્યા. ને દરબારમાં સામતજી સરવૈયાને ત્યાં ઉતર્યા. ને જય સચ્ચિદાનંદ કહીને ઊભા રહ્યા. પછી સામતજી સરવૈયે કહ્યું જે, તમે કોણ છો ? ત્યારે મહારાજે કહ્યું જે, અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ. ત્યારે સામતજીએ કહ્યું જે, પધારો, ઢોલિયે બેસો. ત્યારે મહારાજે કહ્યું જે, અમે ઢોલિયે નહિ બેસીએ. ત્યારે સામતજીએ કહ્યું જે, પરમહંસને જ્યાં બેસારીએ ત્યાં બેસવું. એમ કહીને શ્રીજી મહારાજના બે હાથ પોતે ઝાલીને સર્વે અંગ તથા ચરણારવિંદ જોઇને કહ્યું જે, તમે તો સ્વામિનારાયણ પંડે છો. ત્યારે મહારાજે કહ્યું જે, તમે તો આંખે તો દેખતા નથી ને કેમ ઓળખ્યા ? ત્યારે તે સામતજીએ કહ્યું જે, તમારે શરીરે મેં હાથ ફેરવીને જોયું, ત્યારે મેં એમ જાણ્યું જે, મનુષ્યનું શરીર આવું ન હોય અને આવું તો ઇશ્વરનું શરીર હોય. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે તો અંતઃકરણની આંખો ઉઘડી છે. ત્યારે સામતજીએ કહ્યું જે, તમારી સાથે બીજું કોણ છે ? ત્યારે મહારાજે કહ્યું જે, બ્રહ્મચારી છે. ત્યારે સામતજીએ કહ્યું જે, બ્રહ્મચારી ! રસોઇ કરો. પછી બ્રહ્મચારીએ રસોઇ કરી. અને મહારાજને રૂડી રીતે જમાડ્યા ને પંડે જમ્યા. એ સામતજી સરવૈયો વેદાંતી હતો. તેણે મહારાજને પ્રશ્ન પૂછ્યો. તેનો ઉત્તર મહારાજે કર્યો. તે એમને એમ સાત દિવસ સુધી રાત્રિ દિવસ પ્રશ્ન ઉત્તર કર્યા. અને મહારાજે તે રાપરથી પૂર્વમાં જે નગાસર અને પશ્ચિમમાં અઢસર સરોવર તેમાં ઘણાક દિવસ સુધી વારંવાર સ્નાન કર્યું છે. મુળજી બ્રહ્મચારી રસોઇ કરીને મહારાજને નિત્ય જમાડતા. ને શ્રીજીમહારાજ સાત દિવસ સુધી રહ્યા ને પ્રશ્ન ઉત્તર કરીને વેદાંતીનો પરાજ્ય કર્યો.
પછી શ્રીજીમહારાજે સરવૈયા સામતજીને કહ્યું જે, કાલે અમારે ચાલવું છે, ને આધોઇ જાવું છે. ત્યારે સામતજીએ કહ્યું જે, પાંચ દિવસ રહીને પછી જાજો. ત્યારે મહારાજે કહ્યું જે, હવે નહિ રહીએ. સવારમાં વહેલા ચાલશું. ત્યારે સામતજીએ કહ્યું જે, પૂછ્યા વિના જાશો તો મારી પાસે માણસ ને ઘોડાં છે તે ચોકી મેલીશ તો તમે કેમ કરીને જાશો ? ત્યારે મહારાજે કહ્યું જે, સારું નહિ જઇએ. પછી રાત્રે સર્વે ઊંઘી ગયા ને નિદ્રા આવી. પછી રાત્રી અર્ધી રહી ત્યારે શ્રીજીમહારાજ એકલા ઊઠીને ચાલી નીકળ્યા. પછી સવારમાં સામતજીએ ઊઠીને બ્રહ્મચારીને પૂછ્યું જે, મહારાજ હજી કેમ ઊઠ્યા નથી ? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે, મહારાજ તો વહેલા ઊઠીને ચાલી નીકળ્યા છે. પછી સામતજીએ સવારને કહ્યું જે, જાઓ સ્વામિનારાયણને તેડી આવો. અને એમ કહેજો જે, મહારાજ ! પધારો. પાંચ દિવસ રહીને પછી ઘોડે બેસીને આધોઇ પધારજો. અમે પહોંચાડવા આવશું. ને સ્વારો ને સિપાઇઓ પાંચ ગાઉ સુધી ફરીને પાછા આવ્યા અને આવીને સામતજીને કહ્યું જે, મહારાજને તો અમે ક્યાંય દેખ્યા જ નહીં.
પછી મહારાજ ત્યાંથી ગામ આધોઇ પધાર્યા. ને લાધાજીના દરબારમાં માસ બે પર્યંત રહ્યા. ને કબીરિયા સાથે ચર્ચા કરીને તેમનો પરાભવ કર્યો. તે લાધાજીના દીકરા ચાર હતા. તેમનાં નામ જે; અદોજી, કલ્યાણજી, રામસંગજી ને રાયધણજી. શ્રીજી મહારાજ તેમના ઘેર રહ્યા ને નાના પ્રકારની લીલાઓ કરી. એક દિવસે મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ચારે ભાઇ આગળ બેઠા હતા ત્યારે મહારાજે પૂછ્યું જે, તમે ચાર ભાઇ છો, તેમાં બળીયા કોણ છે ? ત્યારે ત્રણે ભાઇઓ બોલ્યા જે, રાયધણજી બળીયા છે. તે આઠ નાળિયેર એકી સાથે ભાંગી નાખે છે. કેવી રીતે ? તો બે નાળિયેર બગલમાં રાખે ને બે નાળિયેર કોણીના માંહીલા ભાગે રાખે, ને બે નાળિયેર બે સાથળ ને પેડુ વચ્ચે રાખે ને બે નાળિયેર બે પિંડીયો ને સાથળ તેની મધ્યે રાખેને પછી ઊભા હોય, ને બેસે એટલે એ આઠે નાળિયેર એકી સાથે ભાંગી નાખે. ને ચોવડી રાસ ઢીંચણે બાંધીને તોડી નાખે. ને જો ખરા રૂપમાં આવે તો સોપારીને ચપટીમાં રાખીને સૂડીએ કરે તેવો ચૂરો કરી નાખે. એવા બળીયા છે. ત્યારે મહારાજે રાયધણજીને કહ્યું જે, અમારું કાંડું પકડો. ત્યારે રાયધણજીએ કહ્યું જે, મહારાજ ! તમારું શરીર તપે કરીને કૃશ થઇ ગયું છે. તે માટે મહારાજનું કાંડું પકડવું તે કાંઇ મારે ઠીક નહિ. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે અમારી ચિંતા ન રાખવી અને સુખેથી સારી પેઠે કાંડું પકડો. ને બીશો નહિ. ત્યારે રાયધણજીએ કહ્યું જે, સારું મહારાજ ! લાવો ત્યારે મહારાજે જમણો હાથ આપ્યો તે રાયધણજીએ એક હાથે કરીને કાંડું પકડ્યું. ત્યારે મહારાજે કહ્યું જે, બે હાથે પકડો. ત્યારે રાયધણજીએ બે હાથે કાંડું પકડ્યું. ત્યારે મહારાજે કહ્યું જે, પકડજો હોં, એવી રીતે બે-ત્રણ વખત કહ્યું. ત્યારે રાયધણજીએ કહ્યું જે, સારી પેઠે પકડ્યું છે. પછી મહારાજે સહજમાં હાથ મૂકાવી દીધો. ને રાયધણજીનો જમણો હાથ બગલમાં લઇ લીધો, ને હાથને દબાવ્યો. ત્યારે રાયધણજી વિકળ થઇ ગયા ને કાંઇ બોલી શક્યા નહિ. પછી શ્રીજીમહારાજે તે રાયધણજીના મોઢા સામું જોઇને તેનો હાથ મૂકી દીધો. ત્યારે રાયધણજી તો ઘણીક વાર સુધી બેસી રહ્યા. ને બોલ્યા જે, હે મહારાજ ! મારા હાથનાં હાડકાં ભાંગી ગયાં. એમ કહીને હાથ ઝાલીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, અહીં આવો અમે જોઇએ. ત્યારે રાયધણજીએ આવીને પોતાનો હાથ દેખાડ્યો. ત્યારે મહારાજે જોઇને કહ્યું જે, હાથ તો કાંઇ ભાંગ્યો નથી.
પછી ચારે ભાઇ ઊઠીને દૂર જઇને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, દૂર કેમ બેઠા ? ત્યારે રાયધણજીએ કહ્યું જે, કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણ અગિયાર વર્ષના હતા, ને હસ્તી, મલ્લ, કંસાદિકને મારી નાખ્યા. તેનો અમારે સંશય હતો જે કેમ કરીને માર્યા હશે ? તે સંશય ટળી ગયો. કેમ જે, આપનું આ પરાક્રમ જોઇને અમને એમ જણાયું જે, તમે નાના પણ નથી ને શરીરે કૃશ પણ નથી. ને તમે તો અક્ષરાતીત પૂર્ણપુરુષોત્તમ નારાયણ છો. એવા આજે અમે તમોને ઓળખ્યા. માટે હે મહારાજ ! આપ હસ્યા-રમ્યા જેવા નથી. આપ તો સેવા કરવા યોગ્ય છો, એમ કહ્યું. ને આ ભગવાન સર્વે અવતાર ધારે છે એમ જાણીને ઘરનાં મનુષ્ય બાઇ- ભાઇ સર્વે હતાં, તે શ્રીજીમહારાજની સેવા કરવા લાગ્યાં.
એક દિવસ શ્રીજીમહારાજે કહ્યું જે, અમે એમ સાંભળ્યું છે જે, તમારે ઘેર ઘી બહુ સારું થાય છે. ત્યારે તેમણે કહ્યું જે, ઘી સારું થાય છે. એમ કહીને પછી ભેંસો દુઝણી હતી તેનું તાવીને સારું ઘી કરીને મોટી તાંસળીમાં ભરીને મહારાજને આપ્યું. પછી શ્રીજીમહારાજે તાંસળી લઇને જોઇને કહ્યું જે, ઘી બહુ સારું છે અને આ ઘી અમને તમે પીવા આપ્યું છે ? ત્યારે તે હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! સુખેથી પીઓ. ત્યારે મહારાજ તાંસળી મોઢે માંડીને પી ગયા. પછી તે હરિભક્તે તાંસળીમાં આંગળી ફેરવીને જોયું, ત્યારે તે આંગળી ચીકણી પણ ન થઇ.
ત્યારે તે ભક્તે કહ્યું જે, જેમ કૃષ્ણાવતારમાં પુતના ધવરાવવા આવી હતી તેના પ્રાણ સહિત સ્તનપાન કરી ગયા. તેમ તાંસળીમાં પણ ચીકાશ નથી રહી. ત્યારે મહારાજે કહ્યું જે, અમને તમે પીવા આપ્યું તે અમે પી ગયા. ત્યારે હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! પ્રસાદી પણ રહેવા ન દીધી. તે સાંભળીને મહારાજ હસ્યા, ને હરિભક્ત પણ હસ્યા.
વળી એક દિવસે ચારે ભાઇનાં માતાજીએ શ્રીહરિને હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! મારા દીકરા ચાર છે. તે ભગવાન ભજવામાં તો સારા છે પણ વ્યવહારમાં તો સમજાવીએ તો પણ સમજે એવા નથી. માટે તે ચારેને જુદું થવાનો વિચાર છે. તો પોતે માંહોમાંહી વઢી મરશે, તે માટે જો મહારાજ ! જેમ તમે વહેંચી આપો તેમ અમે રાજી છીએ. ને મહારાજે ચાર ભાગ કરીને ચિઠ્ઠીયું નાખી. ને સૌ સૌનો ભાગ આવ્યો તે લઇને ચારે ભાઇ રાજી થયા. ને પોતપોતાને ઘેર ગયા. રસોઇ કરાવીને શ્રીહરિને રૂડી રીતે જમાડ્યા ને સ્નાન ભોજન આદિક સેવાએ કરીને શ્રીહરિને પ્રસન્ન કર્યા. રાયધણજી આદિ પ્રેમી ભક્તોએ શ્રીહરિને બે માસ પર્યંત પોતાને ઘેર રાખ્યા. તે ગામમાં મહારાજ નિત્ય નદીમાં સ્નાન કરવા જતા. નદીને સામે કાંઠે કુંડ છે, તેમાં ઘણીવાર સ્નાન કરતા અને ત્યાં રહેલા પાતાળેશ્વર મહાદેવનાં દર્શન કરતા.
એક દિવસે રાયધણજીનાં ભોજાઇએ મહારાજને કહ્યું જે, આજ સાધુને ઝોળીયે જાવા ન દેશો, અમારે જમાડવા છે. ત્યારે મહારાજે કહ્યું જે, સાધુને જાવા દ્યો એ ઠીક છે. નહિ તો સાધુ ભૂખ્યા રહેશે તો બજારમાં જઇને પેટ કૂટશે. ને કહેશે જે, રાયધણજીને ઘેર નોતરું આપીને ભૂખે માર્યા. ત્યારે બાઇ બોલ્યાં જે, ભૂખ્યા રહે ત્યારે કહેજો. પછી રસોઇ તૈયાર થઇને આઠ સાધુ ને મહારાજ જમવા બેઠા. મહારાજે સાધુને કહ્યું જે, તમારે જમવામાં ના પાડવી નહિ, જે આપે તે લેવું. પછી પીરસતાં પીરસતાં રસોઇ તો થઇ રહી. ત્યારે મહારાજ કહે જે, હોય તો લાવો. ત્યારે રાયધણજીએ પોતાનાં ભોજાઇને કહ્યું જે, કહોને અમે હાર્યાં. પછી બાઇ પડોશણને ઘેરથી ઘીનું ઠામ ભરી ઉછીનું લાવ્યાં. તે જોઇ મહારાજ હસ્યા. ને કહ્યું જે, અમે પારકા ઘરનું માંગેલું નથી જમતા. એમ કહીને બહુ હાસ્યવિનોદ કર્યો. એવી રીતે લીલા કરી.
શ્રીજીમહારાજને દર્શને કંથકોટથી સત્સંગી ભક્ત કચરા આદિક આવ્યા. તેમણે મહારાજને વિનંતિ કરી જે, હે મહારાજ ! કંથકોટ પધારો. ત્યારે મહારાજે કહ્યું જે, આવશું. એમ કહીને તૈયાર થયા. ત્યારે રાયધણજીએ કહ્યું જે, હે મહારાજ ! હું ઘોડી લાવું ? ત્યારે મહારાજે કહ્યું જે, લાવો. પછી મહારાજ ઘોડીએ સવાર થયા, તે માર્ગમાં પાકાં ગુંદાં આવ્યાં. તેને જોઇને શ્રીજીમહારાજે કહ્યું જે, આ ગુંદાં સારાં છે તે વીણતા આવો. ત્યારે ઠક્કર કચરા ભક્તે કહ્યું જે, હે મહારાજ ! ગુંદાંને શું કરશો ? ત્યારે મહારાજે કહ્યું જે, કોરબાઇનો દાડો કરવો છે તે માટે લેતા આવો. પછી હરિજનો સર્વે ગુંદાં વીણીને મહારાજને આપતા જાય, તેમાંથી મહારાજ સારાં સારાં વીણી વીણીને જમે. તે એમ જમતાં જમતાં ગામ કંથકોટ પધાર્યા. ભક્ત ઠક્કર મુળજીને ઘેર ઉતર્યા. સર્વે સત્સંગી આવીને પગે લાગ્યા. ને કોરબાઇ પણ આવીને પગે લાગ્યાં. ત્યારે મહારાજે કહ્યું જે, કોરબાઇ ! આજ અમે તમારો દાડો કર્યો, ને આ ગુંદાં અમે જમ્યા ને તમે પણ જમો ને સર્વેને પ્રસાદી વહેંચી આપો. ને તમારા દાડામાં સર્વે ગુંદાં જમ્યા.
ત્યારે કોરબાઇએ કહ્યું જે, મહારાજ વિના અમારો દાડો કોણ કરે ? માટે જેમ હમણાં સંભાળો છો એમ અંતકાળે સંભાળી લેજ્યો. ત્યારે મહારાજ હસ્યા ને કહ્યું જે, બાઇની સમજણ સારી છે. પછી ઠક્કર મુળજી તથા પદમસીએ પોતાને ઘેર થાળ કરાવીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. ઠક્કર કચરાએ પણ પોતાને ઘેર થાળ કરાવીને જમાડ્યા. ઠક્કર પાંચાએ પણ પોતાને ઘેર થાળ કરાવીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. સઇ જેમલ આદિક બીજા સત્સંગીઓએ પણ પોતપોતાને ઘેર થાળ કરાવીને જમાડ્યા. આ પ્રમાણે શ્રીજી મહારાજ ત્યાં કેટલાક દિવસ રહીને સત્સંગીઓની સેવા અંગીકાર કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ ભચાઉ આવ્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ ગોતરકા થઇને આધોઇ ગયા અને ત્યાં રાયધણજીને અપાર બળ દેખાડ્યું પછી કંથકોટ થઇ ભચાઉ પધાર્યા. એ નામે ચોવીસમો અધ્યાય. ૨૪