અધ્યાય - ૪૩ - શ્રીહરિએ એકાંત સ્થળમાં બેસી દશમસ્કંધનું શ્રવણ કરતાં કરતાં શિક્ષાપત્રી લખવાનો સંકલ્પ કર્યો.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 9:17pm

અધ્યાય - ૪૩ - શ્રીહરિએ એકાંત સ્થળમાં બેસી દશમસ્કંધનું શ્રવણ કરતાં કરતાં શિક્ષાપત્રી લખવાનો સંકલ્પ કર્યો.

શ્રીહરિએ એકાંત સ્થળમાં બેસી દશમસ્કંધનું શ્રવણ કરતાં કરતાં શિક્ષાપત્રી લખવાનો સંકલ્પ કર્યો. શિક્ષાપત્રી લખતા શ્રીહરિનું ધ્યાન. શિક્ષાપત્રી. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સમગ્ર દુઃખને હરણ કરનાર નામને ધારણ કરતા શ્રીહરિએ વડતાલમાં પોતાના નિવાસસ્થાને સર્વે ભક્તજનોની સભામાં સયાજીરાવ રાજાની ખૂબજ પ્રશંસા કરી.૧

અને વડોદરાનગરમાં જે કાંઇ વસ્ત્ર, આભૂષણ અને ધન વગેરે જે કાંઇ પણ ભેટ સામગ્રી પ્રાપ્ત થયેલી તે સર્વે શ્રીહરિએ લક્ષ્મીનારાયણ દેવના દેશમાંથી પ્રાપ્ત થયેલી હોવાથી પુત્ર રઘુવીરજી મહારાજને અર્પણ કરી.૨

પોતાને સ્વસ્થચિત્તે દશમસ્કંધ સાંભળવાની ઇચ્છા હતી તેથી શ્રીહરિ ઉત્તમરાજા આદિ સર્વેને ગઢપુર મોકલવાની ઇચ્છાથી તેઓ પ્રત્યે કહેવા લાગ્યા.૩

હે ઉત્તમનૃપતિ ! તમે અત્યારે જયા, લલિતા આદિ સર્વે સંબંધીજનોની સાથે દુર્ગપુર જાઓ. હે ભાઇઓ ! તમે પણ સર્વે પરિવારને સાથે લઇ આ ઉત્તમરાજા ભેળા ગઢપુર સિધાવો.૪

હું અહીં દશમસ્કંધનું શ્રવણ કરી ચોક્કસ ગઢપુર પધારીશ, આ પ્રમાણેની મારી ઇચ્છા છે. માટે તમે સર્વે ગઢપુર સીધાવો.૫

હે રાજન્ ! આ પ્રમાણે એકાંત સ્થળમાં રહેવા ઇચ્છતા શ્રીહરિએ કહ્યું, તેથી તેઓ ભગવાન શ્રીહરિને છોડીને જવા ન ઇચ્છતા હોવા છતાં સર્વે શ્રીહરિના વચનનો અનાદર ન થાય તે હેતુથી ગઢપુર જવા નીકળ્યા.૬

પોતાના પરિવારજનોને સાથે લઇ ઉત્તમરાજા તથા રામપ્રતાપભાઇ વગેરે ભગવાન શ્રીહરિના સંબંધીજનો પણ ગઢપુર પધાર્યા.૭

અહીં વડતાલમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર દર્શન માટે ભેળા થયેલા અન્ય પશ્ચિમ પ્રદેશના તથા ભાલપ્રદેશના ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની આજ્ઞા થતાં પોતપોતાના ગામ તથા નગરે સીધાવ્યા.૮

જુદા જુદા દેશોમાં રહેલા ભક્તજનોને બોધ આપવા માટે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી આદિ સંતોને પણ આજ્ઞા આપી, તેથી તેઓ પણ દેશાંતરોમાં ગયા.૯

પછી શ્રીહરિ સંવત ૧૮૮૨ ના કાર્તિક વદ એકાદશીની તિથિથી આરંભીને દશમસ્કંધનો પ્રથમ અધ્યાયથી આરંભ કરી દોઢ માસસુધી એકાંત સ્થળમાં શ્રવણ કર્યું.૧૦

હે ભૂપાલ ! અને તે દશમસ્કંધ શ્રીહરિને બહુ જ ગમ્યો, તેથી તેમની આદરપૂર્વક ખૂબજ પ્રશંસા કરી.૧૧

પછી શ્રીહરિ વસંતપંચમી સુધી પંચમસ્કંધનું શ્રવણ કર્યું. તે સ્કંધ પણ તેમને બહુ ગમ્યો. તેથી સભામાં તેની પણ ખૂબજ પ્રશંસા કરી, શ્રીમદ્ ભાગવતપુરાણના આ બન્ને સ્કંધ શ્રીહરિને અતિશય પ્રિય હતા.૧૨-૧૩

ગ્રંથ પૂર્ણ થતાં ભગવાન શ્રીહરિએ વક્તા પ્રાગજી પુરાણીને વસ્ત્ર, આભૂષણ, ધનાદિકથી ખૂબજ સંતોષ પમાડી મધ્યાહ્ન સમયે વસંતોત્સવ ઉજવ્યો.૧૪

તે ઉત્સવમાં શ્રીહરિએ ગીતવાજિંત્રોના નાદની સાથે પૂજારી નારાયણાનંદાદિ શ્રેષ્ઠ બ્રહ્મચારીઓની પાસે શ્રીલક્ષ્મીનારાયણદેવનું મહાપૂજન કરાવ્યું.૧૫

તે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રીહરિએ આશરે એક હજાર જેટલા બ્રાહ્મણોને જમાડયા અને તેઓને દક્ષિણાની સાથે કોમળ સુંવાળા ધાબડાઓનું દાન કર્યું.૧૬

એ અવસરે વડતાલની સમીપના ગામોના ભક્તજનો ભગવાન શ્રીહરિનાં દર્શને આવેલા, તે ભક્તો પણ ફરી પોતપોતાના ગામે ચાલ્યા ગયા.૧૭

હે રાજન્ ! તે દિવસે બપોર પછી ભગવાન શ્રીસહજાનંદ સ્વામી એકાંત સ્થળમાં બેસી પોતાના આશ્રિત ભક્તજનોનું હિત ચિંતવન કરવા લાગ્યા ને સર્વે ભક્તજનોના હિતને માટે એક મંગલપ્રત્રિકા લખવાનો નિર્ણય કર્યો.૧૮

સમગ્ર દેશોમાં રહેલા ભક્તજનોને ધર્મની શિક્ષા આપતી એક પત્રિકા લખું ને સર્વ પ્રત્યે મોકલું. એ શિક્ષાપત્રીના માધ્યમથી તેનું વાંચન કરવાથી મારા સર્વે આશ્રિતો તે પ્રમાણે વર્તશે.૧૯

મારા અંતરનો આશય જે છે, તેને તે સર્વે ભક્તજનો આ શિક્ષાપત્રીના દ્વારા જાણશે, ને શું કરવું ? તે શું ન કરવું ? ના સંશયથી રહિત થશે.૨૦

હું જ્યારે આ પૃથ્વી પરથી અંતર્ધાન થઇશ ત્યારે આ પૃથ્વી પર મારા સમગ્ર ભક્તજનોને મારા સ્પષ્ટ વાક્યોના સ્વરૂપમાં રહેલી આ શિક્ષાપત્રી આધારરૂપ થશે.૨૧

હે રાજન્ ! આ પ્રમાણે વિચારી ધર્માત્મા શ્રીહરિએ સદાય પોતાની સેવામાં રહેતા શુકાનંદ સ્વામી પાસે કાગળ, શાહીનો ખડિયો ને પાટીયા સાથે સુંદર કલમ મંગાવી.રર

સર્વના સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ આ પૃથ્વી પર સદ્ધર્મનું સ્થાપન કરવા સર્વે શાસ્ત્રોનો સાર પોતાની અતિશય શ્રેષ્ઠ બુદ્ધિથી દહીંમાંથી માખણ તારવી તેમ ગ્રહણ કરીને શિક્ષાપત્રીનું લેખન કરવા લાગ્યા.૨૩

શિક્ષાપત્રી લખતા શ્રીહરિનું ધ્યાન :- હે રાજન્ ! ભગવાન શ્રીસહજાનંદ સ્વામી જમણા સાથળ ઉપર પાટી સહિત કાગળને રાખી ડાબા હસ્તકમળથી તેને પકડી રાખીને આગળના ભાગથી સહેજ વળેલા જમણા હસ્તકમળમાં કલમ ધારણ કરી મુખારવિંદને આગળ સહેજ નમતું રાખી શિક્ષાપત્રી લખવા લાગ્યા.૨૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિ વડતાલપુરે એકાંત સ્થળમાં બેસી શિક્ષાપત્રી લખવાનો પ્રારંભ કર્યો એ નામે તેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૩--