સારસિદ્ધિ કડવું - ૩૨ સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કેદિયે કામ રે; । પદ - ૮

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:31pm

જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી

નખશિખા નીરખી કરી છે સુગમજી, ના’વે કોઈ એવા સંતની સમજી ।।૧।।

 ઢાળ - 

સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર ।।

જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ।। ર ।।

કામદુઘા કહું શી કલ્પતરુ, કહું નવ નિધિ સિદ્ધિ સમિત ।।

પારસ કહું કે ચિંતામણિ, વજ્રમણિ ઘણી કહું સિત ।। ૩ ।।

અર્કમણિ કે કહું ઇંદુમણિ, ઘણી ઉપમા દઉ અમૃતની ।।

જે જે કહું તે જોખે ભર્યું, આપું ઉપમા કૈ પ્રતની ।। ૪ ।।

જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ ।।

રાજી થઈને હરિ રહ્યા, દોષે રહિત દેખી નિજદાસ ।। પ ।।

જેમ પંચાનનીપય રે’વા પાત્ર, જોઈએ સોળવલું સુવર્ણ ।।

એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ।। ૬ ।।

જેમ જગજીવનના જળ જાણો, નથી રે’તું ખાંમા વિના ખમી ।।

તેમ હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ।। ૭ ।।

જેમ સુગંધી રહી છે શ્રીખંડ માંય, રહ્યો ઇક્ષુ માંહિ જેમ રસ ।।

તેમ હરિજનમાંહિ હરિ, હળી મળી રહ્યા એક રસ ।। ૮ ।।

જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખ ।।

તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ।। ૯ ।।

એમ સાચા સંતની સનમુખ, સદાય રહે છે શ્રીહરિ ।।

નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ન હોય સુખિયા એ સુખે કરી ।। ૧૦ ।।કડવું ।।૩૨।।

 

રાગ:-ગરબી

(‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ.)

સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કેદિયે કામ રે;

જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, માંદાને મગઉદકે આરામ રે. . .સુખ

ચંદનની વાસે રે અલિ અલમસ્ત છે રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે;

ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહિ રે, જેને પ્રીત પુરીષશું ભરપૂર રે. ..સુખ ।। ર ।।

કુમુદિની કેદી રે ન પામે સુખ સૂરથી રે, ચકવા કે દી ચંદ્ર ન ચા’ય રે;

ઘણું અજવાળું રે ઘુડને ગમે નહિ રે, કોચવાઈ ગરે તે કોતરમાંય રે.. .સુખ ।। ૩ ।।

એમ સંત અસંતની રે જાણો રુચિ જૂજવી રે, સંત ભજે તજે તેને અસંત રે;

નિષ્કુળાનંદ રે નકી એ વારતા રે, સમજી લેવું એવું સિદ્ધાંત રે…સુખ ।। ૪ ।।