ગઢડા મઘ્ય ૫ : પતિવ્રતા અને શૂરવીરપણાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:34am

ગઢડા મઘ્ય ૫ : પતિવ્રતા અને શૂરવીરપણાનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને મુનિ તાલ મૃદંગ લઇને ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજે નેત્રકમળની સાને કરીને તે કીર્તન બંધ રખાવીને બોલ્‍યા જે, “સર્વે સાંભળો એક વાત કરીએ છીએ જે,જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો, અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્‍ત્રી હોય તેને પોતાનો પતિ વૃઘ્‍ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્‍ત્રીનું મન કોઇ બીજા પુરૂષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ. અને જો રાંકની સ્‍ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ, એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો. અને પોતાના પતિનું કોઇ ધસાતું બોલે તે ઠેકાણે કાયર થઇને ગળી જવું નહિ, અતિશય શૂરવીર થઇને જવાબ દેવો, પણ પાજીપડાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદૃષ્ટિ જોઇએ’ પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે, નારદ, સનકાદિક ને ધ્રુવ, પ્રહ્યાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્‍યો છે, પણ વિમુખનો પક્ષ કોઇએ રાખ્‍યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે, તે આ જન્‍મે અથવા બીજે જન્‍મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખવો જોઇએ અને વિમુખનો પક્ષ ત્‍યાગ્‍યો જોઇએ. આ અમારી વાર્તાને સર્વે અતિ દૃઢ કરીને રાખજ્યો .” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૫|| ||૧૩૮||