ગઢડા મઘ્ય ૫૨ : ત્યાગી અને ગૃહસ્થની શોભાનું
સંવત્ ૧૮૮૦ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ અસવાર થઇને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે ફુલનો તોરો વિરાજમાન હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
અને પોતાની આગળ મુનિમંડળ ઝાંઝ, મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. તે જ્યારે કીર્તન ગાઇ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો હવે વાર્તા કરીએ તે સાંભળો જે, આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી ને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય, અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે, પણ બીજો જાણી શકે નહિ, માટે તેની વિકિત કહીએ છીએ જે, જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન, દોલત, હાથી, ધોડા, ગાય, ભેંસ, મેડી, હવેલી, સ્ત્રી, છોકરાં, ભારેભારે વસ્ત્ર, આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે. અને એજ જ સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉધાડું એક કૌપીનભર રહેવું, માથામાં ટોપી ધાલવી, દાઢી મુછ મુંડાવી નખાવવી, ભગવાં વસ્ત્ર રાખવાં, અને કોઇ ગાળો દે, ને કોઇ ધૂળ નાખે, તે અપમાનને સહન કરવું, એજ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે જ ગૃહસ્થને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી જે નીસર્યો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું જે, ‘હું કયા આશ્રમમાં રહ્યો છું,’ એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઇ ચાળે ચડી જવું નહિ. અને જે સમઝુ હોય તેને કોઇક વઢીને કહે ત્યારે સામો ગુણ લે, અને જે મૂર્ખ હોય તેને કોઇક હિતની વાત કહે ત્યારે તે મુંઝાઇ જાય. અને મુકુન્દબ્રહ્મચારી તથા રતનજી એ બે મુંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે, અને શ્રદ્ધા વિના તો કોઇ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહિ,અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહિ, અને પૂજા લાવે તો પૂજા ગમે નહિ. અને શ્રદ્ધાએ કરીને કરે તો અતિશય ગમે, અને શ્રદ્ધાએ કરીને ભકિત કરતો હોય ને બીજો કોઇક તેમાં ભકિત કરવા આવે ને તેની ઉપર ઇર્ષ્યા કરે તો તે અમને ન ગમે, માટે શ્રદ્ધાએ સહિત ને ઇર્ષ્યાએ રહિત જે ભકિત કરે તે અમને અતિશય ગમે છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૫૨||૧૮૫||