ગઢડા મઘ્ય ૬૪ : પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્ર્નનું
સંવત્ ૧૮૮૧ના પોષ શુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા નંખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું, ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે, મત્સ્ય, કચ્છ, વારાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે, તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઇષ્ટદેવ છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર શ્રીમદ્ભાગવત પુરાણના દશમસ્કંધને વિષે સંપૂર્ણ કહ્યાં છે, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે અમે દશમસ્કંધને અતિશે પ્રમાણ કર્યો છે અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે, માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષે કરીને તો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા.”
પછી પુરૂષોત્તમ ભટ્ટે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય ? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખડો કરે છે ?” એ પ્રશ્ર્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાન શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડમૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખત તેને વિષે સદા વિરાજમાન છે, અને તે અક્ષરધામને આશ્રિત અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે. તે જેમ કોઇક મોટો ચક્રવતર્ી રાજા હોય ને તેને અસંખ્ય ગામડાં હોય તેમાંથી એક બે ગામ ઉજ્જડ થયાં હોય અથવા વસ્યાં હોય પણ તે તો તે રાજાની ગણતિમાં પણ ન હોય, તેમ શ્રીકૃષ્ણ ભગવાન તે અનંત કોટિ બ્રહ્માંડના પતિ છે, તે બ્રહ્માંડનો કાંઇ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદ બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતિમાં પણ નથી. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથનમાત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ છે, તે વ્યતિરેકપણે તો પ્રકૃતિપુરૂષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમજ શ્રીકૃષ્ણભગવાનનું અક્ષરધામ છે, અને તે ધામને વિષે ભગવાન અખંડ વિરાજમાન રહે છે, અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટિ જે બ્રહ્માંડ છે તેને વિષે જયાં જેને જેમ દર્શન દેવું ધટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ધટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ધટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઇક સિદ્ધપુરૂષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે, તે તો પોતાની યોગ કળા છે. જેમ રાસમંડળને વિષે જેટલી ગોપીઓ તેટલાજ પોતે થયા. માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગકળાએ કરીને વ્યાપકપણું છે પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી અને જે ભગવાનની યોગમાયાએ કરીને પચાસ કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિષે પરમાણું રૂપ થઇ જાય છે. અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિષે પરમાણુંમાંથી પચાસ કરોડ યોજન થાય છે. અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજ ને મેધની ધટા થઇ આવે છે. એ આદિક સર્વે આશ્વર્ય તે ભગવાનની યોગમાયાએ કરીને થાય છે. એવા જે શ્રીકૃષ્ણભગવાન તે મુમુક્ષુને સર્વે પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે, બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે અને શ્રીકૃષ્ણભગવાનને વિષે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રીકૃષ્ણભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શૂરવીર પણ છે, અતિશે કૃપાળુ પણ છે, ને યોગકળાને વિષે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણભગવાન જ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંત કોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પુરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય. તેણે કરીને કાંઇ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારૂં કલ્યાણ કર્યું જોઇએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો ? એવી રીતે એ પ્રશ્ર્નનું સમાધાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરૂષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે, એજ જે શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ તે જ આ ભકિતધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૬૪|| ૧૯૭ ||