પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે (૧૦) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:20pm

 

રાગ : ભૈરવ

પદ - ૧

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે;

નખશિખ શોભા નિરખી નાથની, કોટિકકામ છબી વારું રે. પ્રાત૦ ૧

ચરણ કમળની શોભા જોઇને, મોહી રહ્યું છે મન મારું રે;

સોળે ચિહ્ન સહિત કુચકુંકુમ, અંકિત પલ ન વિસારું રે. પ્રાત૦ ૨

જમણે ચરણે નખની કાન્તિ, ચિહ્ન સહિત ઘણું શોભેરે;

જુગલ ચરણ નખ મંડળ જોઈ, ભક્તતણાં મન લોભે રે. પ્રાત૦ ૩

જાનુ જંઘા ઉદર અનુપમ, ત્રિવળી સહિત વિરાજેરે;

ઉંડી નાભી અજનું કારણ, સુંદર અતિશે છાજે રે. પ્રાત૦ ૪

મોર મુગટ મકરાકૃત કુંડળ, ભ્રકુટિ ભાલ વિશાળરે;

મુક્તાનંદ કહે કર લટકાં, કરતા દીન દયાળ રે. પ્રાત૦ ૫

 

પદ - ૨

પ્રાત સમે પુરુષોત્તમનું મુખ, ચિતવતાં સુખ થાયે રે;

શંકર શેષની સમતા પામે, જન્મ મરણ દુઃખ જાયે રે. પ્રાત૦ ૧

વામ શ્રવણમાં શ્યામ બીંદુની, શોભા અતિશે સારી રે;

નાસા નિકટ કપોળે જમણે, ટિબકડી સુખકારી રે. પ્રાત૦ ૨

હસતાં હરિને નલવટ રેખા, ઉન્નત અતિ રૂપાળી રે;

ભાલ વિશાળ દંત દાડમ કળી, આંખ્ય અધિક મરમાળી રે. પ્રાત૦ ૩

ચંદન ખોર સહિત મુખ પંકજ, શોભા વર્ણવી ન જાય રે;

મુક્તાનંદ હજુરી હરિનો, ક્યાં થકી અન્ય કવિ ગાય રે. પ્રાત૦ ૪

 

પદ - ૩

રાત દિવસ રહો મારે મંદિર, સુંદરવર શ્યામળીયા રે;

મારું સર્વે તમારું મોહન, બીક મ રાખો બળીયા રે. રાત૦ ૧

તન મન ધન મેં તમને અરપ્યું, લાવણ્યમાં લોભાણી રે;

કમળાકાંત કરો હવે કરુણા, જન પોતાનાં જાણી રે. રાત૦ ૨

ઉર ઉપર રાખું અલબેલા, નિમખ ન મેલું ન્યારા રે;

જીવન તમને જોઇ જોઇ જીવું, પ્રાણ થકી છો પ્યારા રે. રાત૦ ૩

સુફળ મનોરથ કરો શ્યામળા, હું છું દાસી તમારી રે;

મુક્તાનંદ કહે મનમાં ધારો, વિનતિ કુંજવિહારી રે. રાત૦ ૪

 

પદ - ૪

પુરુષોત્તમ તમ સાથે મારે, પુરણ પ્રીત બંધાણી રે;

જે પદપંકજ સેવે મહામુનિ, તે ચરણે લપટાણી રે. પુરુષોત્તમ૦ ૧

બ્રહ્મા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન ઇચ્છે રે;

તે તમે પ્રેમીને વસ્ય પ્રીતમ, પ્રેમી હોય તે પ્રીછે રે. પુરુષોત્તમ૦ ૨

મીન સર્વ જેમ નીરસ્નેહી, ચંદ્રસ્નેહી ચકોર રે;

તેમ મારું મન તમ સંગ બાંધ્યું, નટવર નંદકિશોર રે. પુરુષોત્તમ૦ ૩

તન મન ધન મેં તમને અરપ્યું, પામી અખંડ સોહાગ રે;

મુક્તાનંદ કહે મો’લે આવ્યા, આજ અમારાં ભાગ્ય રે. પુરુષોત્ત૦ ૪

 

પદ - ૫

નાનકડે નંદજીને લાલે, ગોકુળ ઘેલું કીધું રે;

કામણગારાં વેણ કહીને, સહુનું ચિત્ત હરી લીધું રે. નાનકડે૦

એક સમે અલબેલે વાલે, હરીયાં વસ્ત્ર અમારાં રે;

સૈયર શરમાણી સહુ દેખતાં, જળથી કીધાં ન્યારાં રે. નાનકડે૦ ૧

નંદરાણી નોતરીયાં અમને, જમવા કરી બહુ પ્યાર રે;

દુધ ગાગરી મસ્તક મારે, ઢોળી નંદકુમાર રે. નાનકડે૦ ૨

નિત્ય નિત્ય એની આળ્યું ગાળ્યું, ગણતાં પાર ન આવે રે;

જેમ જેમ કપટ કરે કાનુડો, તેમ તેમ મનમાં ભાવે રે. નાનકડે૦ ૩

મુખ દીઠા વિના સુખ ન થાય, લાવણ્યમાં લોભાણી રે;

મુક્તાનંદ કહે મોહન સાથે, પૂરણ પ્રીત બંધાણી રે. નાનકડે૦ ૪

 

પદ - ૬

બહુનામી તમે બોલ દઇને, કેમ મારે મંદિર નાવ્યા રે;

ભુલ્યા ભવન કે ભુધરજી, કોઇ ભામનિયે ભરમાવ્યા રે. બહુના૦ ૧

ચાંદલીયો ઉગ્યો ત્યાં સુધી, વાટ જોઇ મેં વાલા રે;

કુસુમની સેજ સુની રહી મારી, ન ઘટે એમ નંદલાલા રે. બહુના૦ ૨

સજી શણગાર રહી હું જોતી, કાન કેણે વિલમાવ્યા રે;

સાચું કહો શ્યામળીયા વાલા, રજની ક્યાં રમી આવ્યા રે. બહુનામી૦૩

મુજથી બીક ન રાખો બળવંત, હું છું દાસી તમારી રે;

મુક્તાનંદ કહે જે સંગ જાગ્યા, ધન્ય ધન્ય તે વ્રજનારી રે. બહુના૦ ૪

 

પદ - ૭

શ્યામ સુંદર તમે કેમ કરી રીઝો, તે મુજને કહી દાખો રે;

તે હું માનીશ મન કર્મ વચને, અંતર રંચ મ રાખો રે. શ્યામ૦ ૧

જે ગુણગ્રહી તમને રીઝવે, બડભાગી કોઇ નારી રે;

તે ગુણગ્રહી હું તમને સેવું, નટવર કુંજવિહારી રે. શ્યામ૦ ૨

સજી શણગાર સુભગ તન ગોરે, ગુણ રાખે અતિ ગેરો રે;

જયાં લગી પીયુડો હસી ન બોલાવે, આભૂષણ સર્વે ડેરો રે. શ્યા૦ ૩

તે માટે હું તમને પુછું, કરુણાનિધિ કહો સાચું રે;

મુક્તાનંદ કહે તમે ન રીઝ્યા, ત્યાં સુધી સર્વે કાચું રે. શ્યામ૦ ૪

 

પદ - ૮

વ્રજનારી વાત કહું તે, એકમનાં ઉર ધારો રે;

રૂપ ગુણે કરી હું નવ રીઝું, મુજને પ્રેમ પિયારો રે. વ્રજનારી૦ ૧

પ્રેમીજનનું એજ પારખું, અવગુણ મન ન આવે રે;

રંગ ઢંગ પલટે ક્ષણ ક્ષણમાં, તે કેમ પ્રેમી કાવે રે. વ્રજનારી૦ ૨

પતિવરતાને પિયુ સંગ પ્રીતિ, અળગું મન નવ ધાવે રે;

ગુંજા રત્ન ગણે એક તોલે, તે મુજને નવ ભાવે રે. વ્રજનારી૦ ૩

ચાત્રક સરખી ટેક ગ્રહીને, જાણે રસની રીતિ રે;

મુક્તાનંદ મોહન એમ બોલ્યા, તે સંગ મારે પ્રીતિ રે. વ્રજનારી૦ ૪

 

પદ - ૯

મોહનજીનું મુખડું જોઈ, મોહી રહ્યું મન મારું રે;

એક પલક મુને એ વિના, બીજે ક્યાંઇ ન લાગે સારું રે. મોહનજી૦ ૧

નટવર નાગર સુખના સાગર, જયારે વનમાં જાય રે;

થોડા જળમાં મીનતણી પેર્ય, પળ જુગ જેવી થાય રે. મોહનજી૦ ૨

સાંજ સમે શ્યામળીયો વાલો, વન થકી વ્રજમાં આવે રે;

વાંસલડી વાતા ગો રજના, ભરિયા મન ઘણું ભાવે રે. મોહનજી૦ ૩

દિનનો તાપ દરશથી વીત્યો, અતિશે આનંદ પામી રે;

મુક્તાનંદ કહે મુજપર અઢળક, ઢળીયા અંતરજામી રે. મોહન૦ ૪

 

પદ - ૧૦

ધન્ય ધન્ય ધન્ય એ વ્રજનાં વાસી, ગોવિંદને મન ગમતા રે;

ચૌદ લોકમાં થયા જાણીતા, રસીયાને સંગ રમતા રે. ધન્ય૦ ૧

પૂર્ણ બ્રહ્મશું પ્રીત કરીને, લાવ અલૌકિક લીધો રે;

કોટિ બ્રહ્માંડના કર્તા હર્તા, વ્રજવનિતાએ વશ કીધો રે. ધન્ય૦ ૨

મુનિવરને દર્શન અતિ દુર્લભ, નિગમ નેતિ કહી ગાવે રે;

વ્રજનારી કર તાળી દઇને, ઘરઘર નાચ નચાવે રે. ધન્ય૦ ૩

વ્રજવાસીના ચરણતણી રજ, શુકજી સરખા ઇચ્છે રે;

મુક્તાનંદ પ્રેમનો મારગ, પ્રેમી હોય તે પ્રીછે રે. ધન્ય૦ ૪

Facebook Comments