ગઢડા મઘ્ય ૯ : સ્વરૂપનિષ્ઠાનું – અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું
સંવત્ ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ મશરૂના ચાકળા ઉપર વિરાજમાન હતા, ને તે સમે આનંદાનંદસ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી, તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેંટો બાંઘ્યો હતો, તથા કમરે જરકસી શેલું બાંઘ્યું હતું તથા ગુઢા અસમાની રંગનો રેંટો ખભા ઉપર નાખ્યો હતો, અને હાથે રાખડિયો બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, ”કીર્તન બોલીએ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ”લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ,” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, ‘કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ,’ અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહિ, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહિ.
અને જો ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છુટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છુટકો થાય નહિ. માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશે રાખવું જે,’સર્વેોપરી ને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે.’ અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત્ સત્સંગથી બાહેર નીસરી જવાણું, તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી, અને તે હમણાં તો સત્સંગથી બાહેર છે, પણ દેહ મુકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિષે ભગવાનને સમીપે જશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રનાં વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય તો તે જ્યારે દેહ મુકશે ત્યારે કાંતો બ્રહ્માના લોકમાં જશે, ને કાંતો કોઇક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરૂષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. તે માટે પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય અને જેમ અર્જુન હતા તેને તો ભગવત્સ્વરૂપનું બળ હતું. અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતની લડાઇ થઇ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે,
“સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ | અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ: ||”
એ શ્લોકનો એ અર્થ છે જે, ‘હે અર્જુન ! સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ. તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ તું કાંઇ શોક કરીશમાં’ એ વચનને માનીને અર્જુન જે તે લડાઇને વિષે અનંત દોષ થયા તો પણ લેશમાત્ર મનમાં ઝાંખા થયા નહિ. અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઇ પાપ કર્યું નહિ તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું જે, ‘મારૂં કોઇ કાળે કલ્યાણ નહિ થાય.’ પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા. તો પણ શોક મુકયો નહિ. પછી શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઇ જઇને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઇક વિશ્વાસ આવ્યો, તોય પણ અર્જુન જેવા નિસંશય થયા નહિ. માટે બુદ્ધિમાનને તો ભગવત્સ્વરૂપનું બળ અતિશે રાખ્યું જોઇએ. એ બળ જો લેશમાત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે જે, ‘સ્વલ્પમપયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ‘ એ શ્લોકનો એ અર્થ છે જે, ‘ભગવત્સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.’ જેમ અર્જુનને ભારતની લડાઇ કરી ત્યારે તેને વિષે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઇ તે ભગવત્સ્વરૂપના બળને પ્રતાપે થઇ. માટે જેને સર્વથી ભગવત્સ્વરૂપનું બળ અધિક હોય એજ એકાંતિક ભક્ત કહેવાય અને તેજ પાકો સત્સંગી કહેવાય.
અને શ્રીમદ્ભાગવતમાં પણ એજ વાર્તા પ્રધાન છે જે, ‘શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઇક તજાય તો તેની ચિંતા નહિ, પણ ભગવાનનો આશ્રય તજવો નહિ.’ અને કોઇક એમ જાણે જે, ‘આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઇ જાય.’ પણ આ વાર્તા કાંઇ ધર્મને ખોટા કર્યા સારૂં નથી. આ તો એટલા સારૂં છે જે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ અને દેવતા એટલાં વાનાં શુભ અને અશુભ એ બે પ્રકારનાં છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઇક વિઘ્ન પડે, તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઇ કાળે પડે નહિ. અને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય તો જે દિવસ ધર્મમાંથી ચળી જવાય તે દિવસ તે એમ જાણે જે, ‘હું નરકમાં પડી ચુકયો.’ માટે જેને ભગવત્સ્વરૂપનું બળ તેજ પાકો સત્સંગી છે. અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે જે, ‘આવી વાર્તા કોઇ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહિ. આ વાર્તા તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવી છે. અને અતિશે ઝીણી વાર્તા થાય છે. તો પણ અતિશે સ્થૂલ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાયછે. એવી મૂર્તિમાન વાર્તા થાયછે. માટે ‘આ સમે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે. તેના પુણ્યનો પાર આવે એમ નથી.’ એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિષે કૃતાર્થ પણું માન્યું જોઇએ. અને જેને ભગવાનને વિષે અતિશે પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઇ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિષે અતિશે પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજ્યો જોઇએ. માટે જે ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દૃઢ ભગવાનનો આશરો કરવો એજ મત અતિ સારમાં સાર છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૯|| ||૧૪૨||