ગઢડા મઘ્ય ૧૦ : નિશ્વયરૂપી ગર્ભના જતનનું
સંવત્ ૧૮૭૮ના શ્રાવણ વદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ અસવાર થઇને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફુલવાડીને મઘ્યે આંબાના વૃક્ષની હેઠે વેદિ છે તે ઉપર ઉત્તરાદું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને શ્રીજી મહારાજે સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભકિત ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે. અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભકિતહીન હોય તેને નિરાકાર સમજાય છે પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી, કાં જે, ભગવાન થકી જ સર્વ સ્થાવર જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી થકી ધટાદિક આકાર થાય તેવા થતા નથી. તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં અઘ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ, એ ત્રણનો જે આધાર છે તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે, તેની વાત કરીએ તે સાંભળો. અઘ્યાત્મ જે વિરાટ પુરૂષનાં ઇન્દ્રિયો અને અધિભૂત જે તેનાં પંચમહાભૂત અને અધિદૈવ જે વિરાટનાં ઇન્દ્રિયોના દેવતા એ સર્વે વિરાટને વિષે આવ્યા તો પણ વિરાટ ઉભો ન થયો, પછી વાસુદેવ ભગવાને પુરૂષરૂપે થઇને જ્યારે વિરાટ-પુરૂષને વિષે પ્રવેશ કર્યો, ત્યારે વિરાટપુરૂષ ઉભા થયા. તે ભગવાન વિરાટપુરૂષનાં જે અઘ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ તેને વિષે તદાત્મક પણે કરીને વર્તે છે અને ૪સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે, અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશસ્વરૂપે તો અરૂપ છે, ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે; તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રી કૃષ્ણભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો, ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઇને સમગ્ર વનમાં વ્યાપયો; તેમજ પુરૂષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શકિત તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે, ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરૂષોત્તમ ભગવાનની કિરણ છે, અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દૃઢ રાખવો અને વાત પણ એવી કરવી જે, કોઇને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ, અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્વયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો ‘જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય.’ અને બીજાને પણ એવી વાત કરવી, ‘જેણે કરીને ભગવાનના નિશ્વયરૂપ ગર્ભનો પાત ન થાય.’
પછી શ્રીજીમહારાજ વાડી થકી દાદાખાચરના દરબારમાં પધાર્યા અને ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી,
પછી શ્રીજીમહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એ ત્રણને વિષે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર તો કોઇથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ, અને જ્ઞાન, વૈરાગ્ય ને ભકિત તેનું રૂપ જુદું જુદું કહીએ જે, જીવ માત્રનો એવો સ્વભાવ છે જે, ‘સારૂં પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે.’ માટે ભગવાનનું જે અક્ષરધામ છે, ને તેને વિષે જે સુખ છે, તેની આગળ જે આ માયિક સુખ છે તેતો નકલ જેવું છે. અને અચળ સુખ તો ભગવાનના ધામને વિષે જ છે; માટે પરમેશ્વરની વાત સાંભળતાં સાંભળતાં જો ભગવાન સંબંધી સુખ ઓળખાય, તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઇક પુરૂષના હાથમાં હોય તેને જ્યારે તે પૈસા સાટે સોના મહોર કોઇ આપે, ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે. એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દૃષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વ થકી વૈરાગ્ય પામે છે, અને એક ભગવાનની મૂર્તિમાં હેત થાય છે, એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે.
હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ જે, જ્ઞાનનિરૂપણને વિષે બે શાસ્ત્ર છે, એક સાંખ્યશાસ્ત્ર ને બીજું યોગશાસ્ત્ર. તેમાં સાંખ્ય શાસ્ત્રનો એ મત છે જે, જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણું પણ કયાંય ખાલી નથી. તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી. તેમ પુરૂષોત્તમ ભગવાન છે તેને આકાશની પેઠે માયિક વિકાર કોઇ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપની ઉપનિષદ્માં કહી છે જે, ‘ જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનને વિષે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીયોને કહ્યું જે, ‘દુર્વાસા ભુખ્યા છે માટે સર્વે થાળ લઇને જાઓ.’ પછી ગોપીયોએ પુછયું જે, ‘આડાં યમુનાજી છે તે કેમ ઉતરાશે ?’ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને તમે એમ કહેજો જે, શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો.’ પછી ગોપીઓએ હસતી હસતી જમુનાજીને કાંઠે જઇને એમ કહ્યું, ત્યારે યમુનાજી તત્કાળ માર્ગ દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડયા તે ઋષિ સર્વના થાળ જમી ગયા. પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે ઘેર કેમ કરીને જઇએ ? આડાં યમુનાજી છે.’ ત્યારે તે ઋષિએ પુછયું જે, ‘આવ્યાં ત્યારે કેમ કરીને આવ્યાં હતાં?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘શ્રીકૃષ્ણે એમ કહ્યું હતું જે, અમે સદા બાળ બ્રહ્મચારી હોઇએ તો યમુનાજીને કહેજો જે, માર્ગ દેજો’ પછી યમુનાજીએ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યાં છીએ. તે વાત સાંભળીને ઋષિ બોલ્યા જે, હવે યમુનાજીને એમ કહેજો જે, ‘દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો.’ પછી ગોપીઓએ હસતી હસતી જઇને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓએ સર્વે એ બે વાત જોઇને અતિશે આશ્વર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિલર્પ છે. અને સર્વે ક્રિયાઓને કરતા થકા ભગવાન અકર્તા છે. અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિલર્પપણે કરીને કહે છે, એવું સમજવું, એ સાંખ્યને મતે જ્ઞાન છે.
હવે યોગશાસ્ત્રનો મત કહીએ તે સાંભળો. યોગનો મત એમ છે જે, જેને ભગવાનનું ઘ્યાન કરવું હોય તેને પ્રથમ દૃષ્ટિ સ્થ્િાર કરવી. તે દૃષ્ટિ સ્થ્િાર કરવા સારૂં ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઇ પદાર્થ હોય તેમાં પ્રથમ દૃષ્ટિને ઠરાવવી. પછી એક ને એક આકાર જોતાં થકાં દૃષ્ટિ સ્થ્િાર થઇ જાય ત્યારે તે ભેળું અંત:કરણ પણ સ્થ્િાર થાય છે, અને જ્યારે અંત:કરણ સ્થ્િાર થાય છે ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણા કરનારા યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાય છે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંત:કરણ સ્થ્િાર ન કરે તો જ્યારે ભગવાનનું ઘ્યાન કરે ત્યારે બીજાં પણ કેટલાંક ટિખળ આડાં આવીને ઉભાં રહે. માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે, પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થ્િાર કરવી ને પછી ભગવાન સંગાથે જોડવી. એમ જાણવું એ યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દૃઢ કરવી તેનુંજ નામ જ્ઞાન છે. હવે ભકિતની રીત તો એમ છે જે, જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીસર્યાં. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઇને વિચાર કર્યો જે, ‘વરવા યોગ્ય કોણ છે તેને હું વરૂં. પછી જ્યાં તપાસીને જોયું ત્યાંતો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહિ, ને જેમાં કાંઇક ગુણ તેમાં રૂપ નહિ. એવી રીતે ઘણાકને વિષે મોટાં મોટાં કલંક દીઠાં પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વે ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનનેજ દીઠા. ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિષે દૃઢ ભકિત થઇ. પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવીને ભગવાનને વર્યાં. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દૃઢ આશ્રય કરવો એનુંજ નામ ભકિત છે.
એ વાર્તા સાંભળીને મુકતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પુછયું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એને વિષે પરમેશ્વરને વિષે પ્રીતિ થવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું તે સમજાણું નહિ ” પછી શ્રીજી મહારાજ બોલ્યાજે, ‘ભકિતને વિષે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભકિત જેટલું નથી. અને ભકિત તો અતિ દુર્લભ છે, તે ભકિતવાળાનાં લક્ષણ આવાં હોય છે જે, જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે. ત્યારે ભગવાનનાં કેટલાંક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાંક ચરિત્ર તો માયિક જેવાં હોય, તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું, તથા ગોવર્ધન તોડયો, તથા કાળીનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું, તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો, તથા અક્રુરજીને યમુનાજીના જળને વિષે દર્શન દીધું, તથા મલ્લ, હસ્તી, કંસાદિક દુષ્ટને મારીને, સર્વે યાદવનું કષ્ટ નિવારણ કર્યું, તેમજ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વે દેવતાનું કષ્ટ નિવારણ કર્યું. ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનનાં દિવ્ય ચરિત્ર કહેવાય અને સીતાહરણ થયું ત્યારે રધુનાથજી રોતા રોતા ઘેલા જેવા થઇ ગયા, તથા શ્રીકૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંધની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરાં તેને તજીને સમુદ્રના બેટમાં જઇ વસ્યા, ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવાં જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને દિવ્યપણું જણાય, પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે- :-
“જન્મ કર્મ ચ મે દિવ્યમેવ યો વેત્તિ તત્ત્વત: | ત્યકત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોડર્જુન! ||”
એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘હે અર્જુન ! મારાં જન્મ ને કર્મ તે દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે તે દેહને મુકીને ફરી જન્મને નથી પામતો, મનેજ પામે છે.’ માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે ભગવાન મનુષ્યનાં જેવાં પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય પણ કોઇ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભકિત કહેવાય. અને એવી ભકિત કરે તેજ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તનેજ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતાં તો કોઇ રીતે ભગવાનનો અવગુણ લીધોજ નહિ. અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી એટલામાંજ ભગવાનનો અવગુણ લીધો, પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે, પણ કોઇ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવેજ નહિ, એવી જે ભકિત તે તો મહા દુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભકિત ન આવે, એતો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે, ત્યારે તેને ગોપીઓના સરખી ભકિત ઉદય થાય છે. અને એવી ભકિત છે તેજ પરમપદ છે. માટે આવી રીતની જે ભકિત તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે. અને જેના હૃદયને વિષે આવી રીતની ભકિત હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઇ બાકી નથી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૧૦|| ||૧૪૩||